ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવા સામે ખુદ સરકારી આંકડા સવાલ ઉઠાવે છે

ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ એકલી પર ફરવા જઈ શકે છે એવા સુરક્ષાના સરકારી દાવાઓ વચ્ચે ખુદ સરકારી આંકડાઓ જુદી હકીકત બતાવે છે.

ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવા સામે ખુદ સરકારી આંકડા સવાલ ઉઠાવે છે
Photo By Google Images

ગુજરાતમાં સરકાર એવા દાવા કરી રહી છે કે અહીં મહિલાઓ મોડી રાતે પણ સુરક્ષિત રીતે પોતાના ઘેર જઈ શકે છે પરંતુ હકીકતમાં ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એની સામે ખુદ સરકારી આંકડાઓ જ અણીદાર સવાલ ઉઠાવી રહ્યા છે. ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આ આંકડાઓ ગૃહ વિભાગની કામગીરી સામે સીધા સવાલો ઉભા કરે છે.

મહિલાઓની છેડતીના કેસોમાં વધારો

સરકાર ભલે કહે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે પણ આ આંકડાઓ કંઈક અલગ બાબતો રજૂ કરી રહ્યા છે.
વિકાસશીલ કહેવાતા ગુજરાતમાં મહિલાઓની છેડતીના નોંધાયેલા કેસોમાં વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે 2020-21માં 1095 કેસથી 2021-22માં 1181 કેસ થયા છે, ત્યારબાદ 2022-23માં 4.9% વધીને 1239 કેસ થયા છે. પોલીસ હાલમાં મેચના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે આ આંકડાઓએ મહિલાની સુરક્ષા સામે સીધો સવાલ કરી રહ્યા છે. 

ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરમાં ગુનાખોરી વધુ
ગુજરાતનું અમદાવાદ એ આર્થિક રાજધાની ગણાય છે વસતીની દ્રષ્ટીએ પણ મોટું કદ ધરાવતા અમદાવાદમાં સૌથી વધારે છેડતીની ઘટનાઓ ઘટી છે..શહેરમાં 2020-21માં 205, 2021-22માં 223 અને 2022-23માં 220 કેસ સાથે સૌથી વધુ બનાવો નોંધાયા હતા.

જ્યારે 2022-23માં સુરતમાં છેડતીના કેસોમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો હતો, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ શહેરમાંથી આવે છે. સુરતમાં સંબંધિત નાણાકીય વર્ષમાં 77, 85 અને 121 કેસ નોંધાયા છે. આ એવા અહેવાલ છે કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. એવા ઘણા કિસ્સાઓ છે કે જે કલંક સાથે જોડાયેલા હોવાને કારણે નોંધાયા નથી.

તેનાથી વિપરિત આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં ન્યૂનતમ કેસ નોંધાયા છે- 2020-21માં 3, 2021-22માં 0 અને 2022-23માં 5 કેસ નોંધાયા હતા. આ જ સમયગાળામાં તાપી જિલ્લામાં 2, 5 અને 2 કેસ નોંધાયા છે. આમ આદિવાસી વિસ્તારમાં આજે પણ મહિલાઓનું સન્માન થાય છે. 

રાજ્યની વિધાનસભામાં એવો ખુલાસો થયો હતો કે અમદાવાદમાં 1146 ગુનેગારો છેડતી માટે પકડાયા છે, પાંચ હજુ પણ ફરાર છે. સુરતમાં 368 પકડાયા હતા. જ્યારે વડોદરામાં 217 ધરપકડ કરવામાં આવી હતી, જેમાં છ ભાગેડુ હતા.

ગત વર્ષની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 1 ફેબ્રુઆરી, 2022 અને 31 જાન્યુઆરી, 2023 વચ્ચે બળાત્કારના 381 અને છેડતીના 222 કેસ નોંધાયા છે. 1 ફેબ્રુઆરી, 2021થી 31 જાન્યુઆરી, 2022ના સમયગાળા દરમિયાન બળાત્કારના કેસોની સંખ્યા સમાન હતી. 1 ફેબ્રુઆરી, 2022 અને 31 જાન્યુઆરી, 2023 વચ્ચે શહેરમાં બળાત્કારના 381 કેસમાંથી 85 કેસ 'લગ્નનું વચન આપીને' બળાત્કારના, 121 કેસ 'લગ્નની લાલચનો ઉપયોગ કરીને' બળાત્કારના હતા. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 53 કેસમાં યુવતી પર પ્રેમમાં ફસાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સરકાર એવો બચાવ કરી રહી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક શરૂ કર્યા હોવાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ફાસ્ટ ટ્રેક કોર્ટો છે પોલીસ એવા દાવાઓ કરી રહી છે કે મોટાભાગના કેસોમાં કાર્યવાહી થઈ છે ને ધરપકડ કરાઈ છે પણ કેસો વધી રહ્યા છે એ વાસ્તવિકતા છે.

બાળકો-છોકરીઓ સામેના ગુનામાં વધારો

આપણે એમ માનીએ છીએ કે બાળકો સૌથી વધારે ગુજરાતમાં સુરક્ષિત છે પણ બાળકો સામેના કુલ ગુનાઓની ટકાવારી જે 2016માં 37.09% હતી, તે 2021માં વધીને 53.39% થઈ હોવાનું કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને રાજ્યોના પ્રોજેક્ટ અમલીકરણ મંત્રાલયના આંકડામાં સ્પષ્ટ થયું હતું. બાળકો અને છોકરીઓ સામેના જાતીય ગુના અંગે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ગુજરાતમાં આ પ્રકારના ગુનામાં જબરદસ્ત વધારો થયો છે. સરકાર એમ કહીને બચાવ ના કરી શકે કે પોલીસની સારી કામગીરીને પગલે કેસો નોંધાઈ રહ્યા છે. 

આંકડાઓની વાત કરીએ તો 2016ના વર્ષમાં બાળકો સામેના કુલ જાતીય ગુના પૈકી 32.33 ટકા ગુના છોકરીઓ વિરૂદ્ધ નોંધાયા હતા. 2021માં તે આંકડો વધીને 39.22 ટકા થયો હતો. જોકે, બાળકો- છોકરીઓ સામેના ગુના અંગે ઓલ ઈન્ડિયાની સંખ્યાની તુલનાએ ગુજરાતમાં આ પ્રકારના ગુનાની સંખ્યા 14.17% વધુના દરે નોંધાઈ હોવાનું MoSPI રિપોર્ટમાં ઉલ્લેખ છે. આમ, સમગ્ર ભારતની તુલનાએ ગુજરાતમાં બાળકો- છોકરીઓ સામેના ગુનામાં 14.17 ટકા દરે વધારો નોંધાયો છે એ વાસ્તવિકતા છે. બાળકો અને મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ગુજરાત સરકારના દાવાઓ છતાં આ આંકડા તદ્દન વાસ્તવિકતા દર્શાવે છે.

આગળ વાંચોઃ ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.