સફાઈ કામદારની નોકરી માટે 45,000 BA-MA યુવાનોએ અરજી કરી

એક સરકારી નિગમે કોન્ટ્રાક્ટ પર સફાઈકર્મીઓની ભરતી બહાર પાડી છે. જેમાં 3.95 લાખ અરજીઓ આવી. ચોંકાવનારી બાબત એ છે કે તેમાં 45,000 તો BA-MA ભણેલાં યુવાનો છે.

સફાઈ કામદારની નોકરી માટે 45,000 BA-MA યુવાનોએ અરજી કરી
image credit - Google images


Recruitment of cleaners:ભારતમાં જે રીતે દિનપ્રતિદિન શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે તે જોતા એ દિવસ દૂર નથી કે સફાઈકર્મીની સરકારી નોકરીને પણ શિક્ષિત બેરોજગારો રાજીખુશીથી સ્વીકારી લે. આવું જ કંઈક ચિત્ર હાલ ચૂંટણી રાજ્ય એવા હરિયાણામાં સામે આવ્યું છે. અહીં કરાર આધારિત સફાઈ કામદારોની નોકરી માટે 3 લાખ 95 હજારથી વધુ લોકોએ અરજી કરી છે. જેમાંથી 39,990 સ્નાતકો, 6,112 અનુસ્નાતક અને 12મું પાસ લગભગ 1.2 લાખ લોકોએ અરજી કરી છે. 

અરજી 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર, 2024 વચ્ચે કરવામાં આવી હતી. હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN) એ સરકારી વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં કરાર આધારિત સફાઈકર્મીઓ માટે ભરતી હાથ ધરી હતી. જેમાં આ ચિત્ર સામે આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સફાઈકર્મીની કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં અરજી કરનારામાં 45 હજાર જેટલા યુવાનો બીએ અને એમએની ડિગ્રી ધરાવે છે.

HKRN એ હરિયાણા સરકારનું એક નિગમ છે. આ નિગમ હેઠળ સફાઈકર્મી તરીકે નોકરી મેળવનારાઓનો પગાર મહિને 15,000 રૂપિયા હશે. તેમનું કામ જાહેર સ્થળો, રસ્તાઓ અને બિલ્ડીંગોમાં સફાઈ કરવી, ઝાડું મારવું અને કચરો દૂર કરવાનું રહેશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ HKRNના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અરજદારોને નોકરીની જવાબદારીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમણે સહી કરીને એ જણાવવાનું રહેશે કે તેઓ નોકરી વિશે આપવામાં આવેલી માહિતીને બરાબર સમજે છે. એવામાં કોઈએ ભૂલથી આ નોકરી માટે અરજી કરી હોય તેવી શક્યતા બહુ ઓછી છે.”

આ પણ વાંચો: The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!

હતાશા અને પૈસાની અછતને કારણે યુવાનો હવે સફાઈકર્મી તરીકે કામ કરવા તૈયાર છે. સિરસાની રહેવાસી 29 વર્ષની રચના દેવી નર્સરી ટીચર્સ ટ્રેનિંગમાં ગ્રેજ્યુએટ છે. હાલ રાજસ્થાનમાં ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. તે છેલ્લા ચાર વર્ષથી નોકરીની શોધમાં હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતી વખતે તેણે જણાવ્યું હતું કે, “મારી પાસે હાલ કોઈ નોકરી નથી. હું ઘરે બેકાર બેસી રહું છું. તેથી મેં એક સફાઈકર્મીની નોકરી માટે અરજી કરી છે. તેમાં મારે શું કામ કરવાનું છે તે મને બરાબર ખ્યાલ છે.”

ચરખી દાદરીમાં એક પરિણીત યુગલે પણ આ નોકરી માટે અરજી કરી છે. સહાયક નર્સિંગ મિડવાઇફ મનીષા અને તેના પતિ દાનિશ કુમારે જણાવ્યું કે. બંને સ્નાતક છે અને હાલ ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. 

દાનિશ કહે છે, “અમે બેરોજગાર છીએ. મેં કમ્પ્યુટર ઓપરેટર અને હરિયાણા રોડવેઝ બસ કંડક્ટરની નોકરી માટે પણ અરજી કરી છે. હું કમ્પ્યુટર ઓપરેટરની નોકરી માટે વધુ યોગ્ય છું કારણ કે મેં તેની બેસિક તાલીમ લીધી છે. અત્યારે હું મારા લેપટોપ પર લોકોના ઓનલાઈન ફોર્મ ભરીને થોડી કમાણી કરું છું અને દરેક ફોર્મ માટે 50 રૂપિયા લઉં છું.”

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનો રિપોર્ટ જણાવે છે કે હરિયાણામાં બેરોજગારી વધી રહી છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના આંકડા દર્શાવે છે કે હરિયાણાના શહેરી વિસ્તારોમાં 15થી 29 વર્ષની વય જૂથમાં બેરોજગારીનો દર એપ્રિલથી જૂન 2024 ક્વાર્ટરમાં વધીને 11.2% થયો છે. જ્યારે જાન્યુઆરીથી માર્ચના છેલ્લા ક્વાર્ટરમાં તે 9.5% હતો. તે જ સમયે, શહેરી વિસ્તારોમાં 15-29 વર્ષની વય જૂથની મહિલાઓ માટે બેરોજગારીનો દર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વધીને 17.2% થયો હતો જે જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં 13.9% હતો. કેન્દ્રીય મંત્રાલયના PLFS રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેરોજગારી દરને લેબર ફોર્સમાં બેરોજગાર વ્યક્તિઓની ટકાવારી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: PSI-લોકરક્ષકની 12,272 જગ્યાઓ સામે અધધ 15 લાખ અરજીઓ આવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.