રાજ્યના ૧૩ હજારથી વધુ જ્ઞાન સહાયકો સીએલ પર ઉતર્યા

રાજ્ય સરકારે ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે ત્યારે જ્ઞાન સહાયકોની માંગ છે કે 78 હજાર ઉમેદવારો સામે આ 10 ટકા પણ નથી.

રાજ્યના ૧૩ હજારથી વધુ જ્ઞાન સહાયકો સીએલ પર ઉતર્યા
image credit - Google images

ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓને કારણે આખું તંત્ર ખાડે ગયું છે. ગરીબ પરિવારના દીકરા-દીકરીઓનું સરકારી નોકરી મેળવીને પગભર થવાનું સપનું રોળાઈ રહ્યું છે. સરકારે આખું શિક્ષણ તંત્ર ખાનગી લોકોના હવાલે કરી દીધું છે ત્યારે હવે રાજ્યમાં કાયમી શિક્ષક ભરતીની માગ સાથે રાજ્યના ૧૩ હજાર અને અમદાવાદના ૬૦૦થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે. તાજેતરમાં TET-TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકારે રાજ્યમાં ૭૫૦૦ શિક્ષકોની ભરતી ત્રણ મહિનામાં કરવાની જાહેરાત કરી છે. ત્યારે જ્ઞાન સહાયકોની માગ છે કે આ ભરતી મહેકમના ૧૦ ટકા જેટલી પણ નથી.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં સરકારે કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારે કાયમી શિક્ષક ભરતીની માગ સાથે આજે જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે.
 

રાજ્યના ૧૩ હજારથી વધુ જ્ઞાન સહાયકો મહેકમ પ્રમાણે ભરતી કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આ શિક્ષકોની માગ છે કે રાજ્યમાં ૭૮ હજાર TET-TAT પાસ ઉમેદવારો છે. જેની સામે સરકારે આગામી ત્રણ મહિનામાં લાયકાતના આધારે ૭૫૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે. જે મહેકમના પુરા ૧૦ ટકા પણ નથી. જ્ઞાન સહાયકોની માગ છે કે રાજ્યમાં ૭૮ હજાર TET-TAT પાસ ઉમેદવારો છે તો સરકારે ઓછામાં ઓછા ૩૫ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.

આ પણ વાંચો: આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે 

TET-TAT પાસ ઉમેદવારોની મુખ્ય માગ એવી હતી કે રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતીની જગ્યાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણતાના આરે છે. રાજ્યમાં અત્યારે ૭૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે અને ૧.૩૮ લાખ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે છતા કાયમી ભરતી માટે આંદોલન કરવુ પડી રહ્યુ છે.

આ અંગે પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે TET-TAT પરીક્ષા નોકરી આપવા માટે નહીં પરંતુ લાયકાત માટેની પરીક્ષા છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે. જે ફાઈનલ થયા પછી ભરતી પ્રક્રિયા જાહેર કરાશે.

ઉમેદવારોનો સરકાર સામે સીધો આક્ષેપ છે કે સરકાર કાયમી શિક્ષકોની ભરતી ન કરીને ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવા ઈચ્છે છે. શિક્ષકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની સાથે આરોપીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમને ડિટેન કરવામાં આવે છે. જ્ઞાન સહાયકોની માગ છે કે જો તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ જલદ આંદોલન કરવામાં આવશે. ઉમેદવારોનો આક્ષેપ છે કે જ્યારે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી હતી ત્યારે જ કાયમી ભરતીની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ સુધી ભરતી ન કરાતા જ્ઞાન સહાયકોએ હવે સરકાર સામે માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

આ પણ વાંચો: સરકાર આગામી ત્રણ મહિનામાં 7500 ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.