સરકાર આગામી ત્રણ મહિનામાં 7500 ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરશે

ગાંધીનગરમાં ચાલતા ટેટ-ટાટ ઉમેદવારોના આંદોલનનો પડઘો આખરે સરકાર સુધી પડ્યો છે. આગામી ત્રણ મહિનામાં ટાટ-1 અને 2 પાસ 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

સરકાર આગામી ત્રણ મહિનામાં 7500 ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરશે
image credit - Google images

ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી ચાલતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષકોની કાયમી ભરતીના મામલે ચાલતા આંદોલનની અસર દેખાઈ રહી છે. આજે મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા શિક્ષકોની ભરતીને લઈ એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા ટેટ-1 અને 2 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.

રાજયમાં છેલ્લા ઘણાં સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી નથી. જેના કારણે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે તો ટેટ-ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં આવેલા સ્વર્ણિમ સંકૂલ-1 સુધી પહોંચી ગયા હતા. સ્વર્ણિમ સંકૂલ ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાનમાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષકોની ભરતી અંગે નિર્ણય લેવાયો હતો. જે અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.

જેના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટાટ-માધ્યમિક અને ટાટ ઉચ્ચત્તર માધ્યમિક પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેટ-1 અને ટેટ-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.  

આ પણ વાંચો: 11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?

સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 ટાટ-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને ટાટ-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ પણ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવકતા મંત્રીએ વધુમા જણાવ્યું હતું કે, તાજેતરમાં 1500 જેટલા એચએમએટી પ્રિન્સીપાલની ભરતી પણ રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

રાજયમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે ઉપલબ્ધ નથી

રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. આ જાહેરાત બાદ રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું કેટલું મહેકમ છે? તેમાથી હાલમાં કેટલી જગ્યા ભરેલી છે? અને કેટલી જગ્યા ખાલી છે? તેવો સવાલ પુછવામાં આવ્યો હતો. જે અંગે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં આ અંગેની માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી. પ્રવકતા મંત્રીએ આવું કહીને આ બાબતને હાલ પૂરતી ટાળી દીધી હતી.

ટેટ-ટાટ ઉમેદવારોના સતત બીજા દિવસે ગાંધીનગરમાં દેખાવો

રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી નથી. જેના કારણે ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો રોષ અને વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સતત બીજા દિવસે વિરોધ ચાલુ રાખ્યો હતો અને તેઓ સચિલવાયના સ્વર્ણિમ સંકૂલ-1 સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પોસ્ટર્સ દર્શાવીને વિરોધ પ્રદર્શિત કરીને શિક્ષણ મંત્રી ડિંડોરના રાજીનામાંની માંગણી પણ કરી હતી.

રાજયમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવી નથી. જેના કારણે અનેક ઉમેદવારોની વય મર્યાદાને લઈને નોકરીની તક હાથમાંથી સરી જતી હોવાની સ્થિતિ ઉદભાવી છે. જેના કારણે નારાજ ટેટ-ટાટ પાસ થયેલા શિક્ષકો દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. ત્યાર બાદ આજે સતત બીજા દિવસે પણ ટેટ-ટાટ પાસ એવા 2000 જેટલા વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગોધરા અને જૂનાગઢ સહિતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારો ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતેના સ્વર્ણિમ સંકૂલ-1 સુધી પહોંચી ગયા હતા. હાથમાં પોસ્ટર્સ લઈને ટેટ-ટાટ પાસ ઉમેદવારો  સ્વર્ણિમ સંકૂલ-1માં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે, બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓએએ ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.