વડોદરામાં યજ્ઞ કર્યા પછી જુગાર રમતા 7 કર્મકાંડી બ્રાહ્મણો ઝડપાયા, 6.81 લાખનો મુદ્દામાલ કબ્જે
વડોદરામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં યજ્ઞ કરવા માટે સાત જેટલા બ્રાહ્મણો ભેગા થયા હતા અને યજ્ઞ કર્મકાંડ પૂર્ણ થયા બાદ જુગાર રમવા બેસી ગયા હતા. માહોલ માંડ જામ્યો હતો ત્યાં જ પોલીસ ત્રાટકી. વાંચો સમગ્ર અહેવાલ.
આમ તો ગુજરાતમાં શ્રાવણીયો જુગાર ફેમસ છે, પણ વડોદરામાં ઓફ સિઝન ગણાતા માહોલમાં જુગાર રમતા 7 કર્મકાંડી બ્રાહ્મમો ઝડપાયા છે. અહીંના ગોત્રી રોડ પરના આત્મજ્યોતિ મંદિર સામે શિવ ટેનામેન્ટમાં જુગાર રમતા સાત કર્મકાંડી બ્રાહ્મણને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ જુગારીઓ પાસેથી જુગારધારા હેઠળ કેસ નોંધી ૬.૮૧ લાખનો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે, શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી અન્ય લોકોને બોલાવીને જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પીઆઈ એમ.ડી. ચૌધરીની સૂચનાથી પોલીસે તેમના ઘરે રેડ પાડી હતી. જેમાં કાંતિલાલ દવેની સાથે અન્ય 6 લોકો જુગાર રમતા પકડાયા હતા. આ પકડાયેલા જુગારીઓમાં (૧) કાંતિલાલ દવે (૨) જીતેન્દ્ર દિનકરરાય જાની, ઉ.વ.૩૫( રહે. સૌરભ બંગ્લોઝ, બોરસદ ચોકડી પાસે, આણંદ) (૩) કનૈયાલાલ જ્યંતિલાલ જાની, ઉ.વ.૩૫ (રહે. જલારામ નગર, મધર્સ સ્કૂલની બાજુમાં, વડોદરા) (૪) નરેશ હરગોવિંદભાઇ જાની, ઉ.વ.૪૬ (રહે. દેવકૃપા સોસાયટી, ડી માર્ટની પાછળ, નવા નરોડા, અમદાવાદ) (૫) ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ મૂળજીભાઈ જાની, ઉ.વ. ૬૨ (રહે. ચામુંડા નગર, ગોત્રી રોડ) (૬) પિન્ટુ પ્રતાપભાઇ જાની, ઉ.વ.૩૨ (રહે. યુનાઇટેડ સ્કાય ડેલ, હાથીજણ, અમદાવાદ) તથા (૭) યોગેશ અનભાઇ જાની, ઉ.વ.૬૦ (રહે. અંબાદર્શન સોસાયટી, બોરીવલી, ઇસ્ટ મુંબઇ)નો સમાવેશ થાય છે. પોલીસે આ જુગારીઓ પાસેથી રૂ. ૮૨,૦૯૦ રોકડા, ૧૧ મોબાઈલ ફોન અને બે વાહન મળીને કુલ રૂ. 6.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ તમામ જુગારીઓ એક યજ્ઞ માટે કર્મકાંડ કરવા માટે એકઠા થયા હતા અને એ કામ પૂર્ણ થયા બાદ તેઓ જુગાર રમવા બેઠા હતા.
આ પણ વાંચો : રામલીલામાં હનુમાન બનેલા શખ્સને આવ્યો હાર્ટઍટેક, મંચ પર જ થયું મોત, લોકો અભિનય સમજી તાળીઓ પાડતા રહ્યાં