RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં

ગરીબોના બાળકોને સારી શાળાઓમાં શિક્ષણ મળે તે માટે અમલમાં આવેલા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદામાં આ વખતે પણ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં.

RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં
image credit - Google images

ગરીબ બાળકોને સારી શાળાઓમાં પ્રવેશ મળે અને તેઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઈનો કાયદો અમલમાં હોવા છતાં ખાનગી શાળાઓ તેને ગાંઠતી નથી. પરિણામે આ વર્ષે પણ લાખો બાળકો પ્રવેશથી વંચિત રહી જશે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યના ૨.૩૫ લાખ જેટલા વાલીઓએ ધોરણ-૧માં પ્રવેશ માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧.૭૨ લાખ ફોર્મ માન્ય રહ્યા હતા. આ માન્ય રહેલા ફોર્મ પૈકી શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ૪૦૬૫૦ જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એટલે કે માન્ય રહેલા ફોર્મ પૈકી ૧.૩૨ લાખ જેટલા વાલીઓને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. 

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ની પ્રવેશ માટે બેઠકોની ગણતરીમાં ગત વર્ષનો ક્વોટા ધ્યાને લેવામાં આવ્યો હોવાના લીધે બેઠકો ખુબ જ ઘટી ગઈ હતી. એક સમયે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનની બેઠકો એક લાખ સુધી થઈ હતી, પરંતુ ધોરણ-૧માં ૬ વર્ષે પ્રવેશના નિયમના પગલે ધોરણ-૧માં ઓછા થયેલા પ્રવેશના લીધે આ વખતે આરટીઈના વિદ્યાર્થીઓને ઓછી બેઠકોના લીધે પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.  

મળતી માહિતી પ્રમાણે, રાઈટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોની ૨૫ ટકા પ્રમાણે ધોરણ-૧માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે રાજ્યની ૯૮૨૮ પ્રાથમિક સ્કૂલોની ૪૫૧૭૦  બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ૨૩૫૩૮૭ જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી.

તમામ ફોર્મની ચકાસણીના અંતે ૧૭૨૬૭૫ જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે ૧૫૩૧૯ ફોર્મ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય રહ્યા હતા. જ્યારે ૪૭૩૯૩ જેટલા ફોર્મ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હતા. ફોર્મની ચકાસણી સહિતની કાર્યવાહી પુર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડમાં ૩૯૯૭૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી ૩૬૮૨૦ વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. જ્યારે બીજા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી ૨૪૭૭ વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. આમ, પ્રથમ બે રાઉન્ડના અંતે કુલ ૩૯૨૯૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. બે રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્રીજા રાઉન્ડમાં વધુ ૧૩૫૩ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: RTE માં ફોર્મ ભરવાની મુદત વધી છતાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Rahulkumar chauhan
    Rahulkumar chauhan
    અનુ જાતિ જાતિ હોવા છતાં પણ આ ટી માં પ્રવેશ મળેલ નથી આવક ₹1,20,000 છે તેમ છતાં પણ અમને આ ટી નો લાભ મળેલ નથી
    6 months ago