ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અને અંધશ્રદ્ધાનો ઓવરડોઝ

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અને અંધશ્રદ્ધાનો ઓવરડોઝ

-પિયુષ જાદુગર

બિચારા જ્યોતિષીઓ.... 

Astrology(જ્યોતિષ) અને astronomy(ખગોળ) બંને અલગ વસ્તુ છે. ખગોળ એ ગ્રહોની સ્થિતિ બતાવે છે. કયો ગ્રહ ક્યાં આવેલો છે અને તે ક્યાંથી કઈ બાજુ ફરે છે, પૃથ્વીથી કેટલો દૂર છે, તેને કેટલા ઉપગ્રહ છે તેનું જ્ઞાન એટલે ખગોળ અને તે વિજ્ઞાન છે.

ખગોળને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી એને તો કોઈના જન્મ, લગ્ન, રોગ કે મૃત્યુ સાથે પણ કોઈ લેવા દેવા નથી. એને કોઈ ક્રિકેટ કે યુદ્ધમાં જીતે કે હારે એની સાથે પણ લેવા દેવા નથી.

ખગોળના ગ્રહોનું જ્ઞાન મેળવીને તે ગ્રહ કોઈપણ વ્યક્તિને કેવી રીતે હેરાન કરે છે, તે ગ્રહના નગો પહેરવાથી તે ગ્રહ ભ્રષ્ટાચારી હોવનું આડકતરી રીતે સાબિત કરવામાં આવે છે. જ્યોતિષી લોકો પાસેથી પૈસા લઈને, તમને જે તે ભ્રષ્ટાચારી ગ્રહ નડતો બંધ થાય કે ગ્રહોને કોઈપણ નંગના નામે તેની શુભ અસર થશે તેવું જણાવી પૈસા કમાવાનો ધંધો એટલે જ્યોતિષ શાસ્ત્ર.

દુનિયાની કોઈ પણ ઘડિયાળ એક્યુરેટ સમય બતાવે નહિ. ડોક્ટરની, નર્સની અને જેનો પુત્ર જન્મ્યો છે તે પિતાની ઘડિયાળોના સમય પણ એક ના હોય તેવું બની શકે.

બાળકનો જન્મ કયો ગણાય? ગર્ભાધાન થયું ત્યારે, તેનું હૃદય ચાલતું થયું ત્યારે, તેનો જન્મ થયો ત્યારે કે સિઝેરિયન કરવામાં આવ્યું ત્યારે? એક જ સમયે એક જ દિવસે એક જ ગામમાં અમદાવાદમાં અનેક બાળકો જન્મે તો તેનું ભવિષ્ય એક જ હોય કે અલગ અલગ?

જ્યોતિષીઓની પુત્રી પણ વિધવા થાય છે, તો શું એમને મુહૂર્ત બરાબર નહોતું જોયુ? તેઓના ઘરે દરોડા પડે ત્યારે તેમને આજનું રાશિફળ નહીં જોયું હોય? જ્યોતિષીઓને પણ અકસ્માત થાય છે, કોવિડ 19ની કુંડળી કાઢનારા લોકો ખુદ મૃત્યુ પામ્યા છે અને એ પણ કોરોનાથી જ, આ છે જ્યોતિષશાસ્ત્ર.

કોઈપણ જ્યોતિષી કોઈ વ્યક્તિ, રમત, નેતા કે રમતવીર કે અભિનેતા વિશે સો ટકા સાચું જણાવી શકે નહીં કે આગાહી કરી શકે નહીં. દરેક વસ્તુ રમત કે ચૂંટણી, યુદ્ધો કે ઘરમાં આવતી સફળતા-નિષ્ફળતાઓ, પોલીસ કેસો કે કોર્ટના ચુકાદાની કે જન્મ મરણની કુંડળીઓ નથી હોતી, તેની આગાહીઓ નથી હોતી તે સ્વીકારી લો નહિ તો તમે છેતરાશો છેતરાશો અને છેતરાશો જ.

જ્યોતિષશાસ્ત્ર જો અને તો ઉપર આધારિત છે. તેને ગ્રહોની ચાલ અસર કરે નહીં, અને આથી જ્યોતિષશાસ્ત્રને રેશનાલિસ્ટ હંમેશા ચકાસતા આવ્યા છે, પડકારતા આવ્યા છે. રેશનાલિસ્ટો કુંડળીઓ બનાવનારાઓને, જ્યોતિષીઓને પડકાર આપે છે કે કોઈપણ જ્યોતિષી, તેમની સમક્ષ રાખવામાં આવેલી 50 કુંડળીમાંથી કેટલા જીવે છે? કેટલા મૃત્યુ પામ્યા છે? કેટલા પરદેશ છે? કેટલા ઇન્ડિયામાં છે? કેટલી સ્ત્રી છે ને કેટલા પુરુષ છે? કેટલા નોકરી કરે છે? કેટલા વેપાર કરે છે? કેટલાના લગ્ન થયેલા છે? કેટલાના લગ્ન નથી થયા? કોને કેટલા બાળકો છે? એ આપેલી કુંડળી ઉપરથી ૧૦૦% સાચું કહી આપે

અથવા આપેલી હાથની રેખાઓના ફોટા ઉપરથી અમે કહીએ તેના જવાબ ૧૦૦% સાચા કહી આપે તો તેને રેનાલિસ્ટોનું માતબર ઈનામ મળશે.

કોઈપણ વાત ચકાસણી વગર માની લેવી તે મૂર્ખતા છે. વિજ્ઞાન હંમેશા 1000 વાર ચકાસણી કરે છે અને ત્યારબાદ લોકોને જણાવે છે કે આમ જ થશે, અને તેમ થાય જ. તે વિજ્ઞાન છે. જેમ કે દરેક સામાન્ય માણસ પણ સ્વીચ દબાવે તો પંખો ફરે છે. પરંતુ કુંડળી બનાવનાર દરેક વ્યક્તિ અલગ કુંડળી બનાવે છે અને કુંડળી જોઈને પણ એક સરખું, સાચું જણાવી શકતા નથી. આમ જ્યોતિષ શાસ્ત્ર લોકોને છેતરવા માટેનું શાસ્ત્ર છે.

જ્યારે ખગોળ શાસ્ત્ર આજે પણ ગ્રહોની હિલચાલ અને તેના ઉપગ્રહો વિશે રોજ નવું નવું જાણે છે, સ્વીકારે છે અને લોકોને સમજાવે છે. સાથે જ નવું કશુંક સાચું જાણવા મળે તો પોતાને પણ અપડેટ કરી સુધારે પણ છે, સ્વીકારે પણ છે. ગ્રહોના ઉપગ્રહો વધતા જાય છે તો તે પણ જાહેર કરે છે. વિજ્ઞાન એટલે જ સતત પ્રયત્ન થકી, સુધરતું અને વિસ્તરતું જતું જ્ઞાન.

આજે ખગોળ વિજ્ઞાનના કારણે આપણે ચંદ્ર ઉપર ને મંગળની ધરતી સુધી પહોંચી શક્યા છીએ. અને એટલે જ આપણે સ્પષ્ટપણે જણાવી શકીએ છીએ કે મંગળ કે ચંદ્ર આપણને નડી શકે નહીં કે તેની અસરને કારણે કોઈના લગ્ન અટકે નહીં. શનિની યુતીને કારણે કોઈને વેપાર ધંધામાં નુકસાન જાય નહીં તેવું વિજ્ઞાન થકી સમજી શકીએ છીએ. અને તે સત્ય સાર્વત્રિક હોય છે, તે વૈજ્ઞાનિક સત્ય દેશ અને ધર્મ ના સીમાડા તોડીને પણ સ્વીકારાય છે. માટે જ્યોતિષ ઉપર સંપૂર્ણ ભરોસો રાખીને કામકાજ કરશો તો ફાઇનલમાં જેમ ઈન્ડિયા હાર્યું તેવું આપણા જીવનમાં પણ થઈ શકે છે.

"ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે.."

જો આપણે ઉપરની કહેવતમાંથી ધડો નહિ લઇએ તો વિજ્ઞાનથી દૂર થતા જઈશું અને અંધશ્રદ્ધામાં ગરકાવ થતાં જ રહીશું. 

હોમ હવન કરવાથી ક્રિકેટમાં જીતી શકાતું નથી, કે ચૂંટણીમાં પણ જીતી શકાતું નથી. તે ફાઈનલમાં ભારત વિ. ઓસ્ટ્રેલિયામાં ભારતના હારવાથી તમે ગઈકાલે જ જોયું હશે. છતાં બહુમતી લોકો આવું કરતા હોય છે. તે દેખાદેખી છે, સત્ય નહિ.

આથી જ્યોતિષીઓના કહેવા પ્રમાણે હોમહવનથી કે દુવાઓથી જીતી શકાય છે તે સાચું માની લેવું ભયજનક અને નુકશાનકારક પણ છે. તેનાથી તમને જીતવા માટે એક બળ મળે પરંતુ તમારી ભૂલો સુધરે તેવું ન બને. ક્રિકેટમાં એક ભૂલ આખા પરિણામને બદલી નાખે છે. એના માટે હવન કરવાથી કંઈ ફેર પડતો નથી. ક્રિકેટ એ ટીમની રમત છે અને એમાં આખરી બોલે પણ કંઈ પણ થઈ શકે છે. તેના માટે જ્યોતિષ કે હોમહવન કે દુઆ પ્રાર્થના કોઈ કામના હોતા નથી. છાપા અને ટીવી ચેનલોએ હવે જ્યોતિષ અને મેલી વિદ્યાની જાહેરાતો અને તેઓની પેસીરિયલો બંધ કરી વિજ્ઞાનના કાર્યક્રમો વધારવા જોઈએ.

જે લોકોને પોતાનામાં વિશ્વાસ ન હોય તે લોકો જ્યોતિષ અને હોમહવનના, દુઆ પ્રાર્થનાના શરણે જતા હોય છે. સ્પોર્ટ્સમાં હંમેશા પોતાની શારીરિક શક્તિ, તમારી વ્યહરચના, સખત અને સતત મહેનત સાથે ટીમ ભાવના જ પરિણામ આપે છે. આ સત્ય સ્વીકારો અને અંધશ્રદ્ધામાંથી દેશ બહાર નીકળે તેવી શુભેચ્છાઓ. 

આ પણ વાંચો:એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.