VHP ના કાર્યક્રમમાં જઈ કોમવાદી નિવેદન કરનાર જજે હજુ માફી નથી માંગી
મુસ્લિમોને 'કઠમુલ્લા' કહી ઉતારી પાડનાર અને 'દેશ બહુમતીઓના હિસાબે ચાલશે' કહેનાર જજ shekhar kumar yadav ને કોનું પીઠબળ છે?

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યક્રમમાં જઈને "આ દેશ બહુમતીના આધારે ચાલશે" અને મુસ્લિમોનું 'કઠમુલ્લા' કહીને જાહેરમાં અપમાન કરનાર જજ શેખર કુમાર યાદવે (Justice Shekhar kumar yadav) પોતાના નિવેદનને લઈને હજુ સુધી માફી માંગી નથી. કોમવાદી નિવેદન આપવા બદલ તપાસનો સામનો કરી રહેલા આ જજને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જો કે હજુ સુધી તેમણે આ બાબતે દિલગીરી વ્યક્ત નથી કરી અને માફી પણ નથી માંગી. હવે સમન્સ પાઠવ્યાના લગભગ 3 અઠવાડિયા પછી સીજેઆઈ સંજીવ ખન્નાએ ફરીથી અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અહેવાલ છે કે અત્યાર સુધી જસ્ટિસ યાદવે આ મામલે માફી માંગી નથી. જેને લઈને સુપ્રીમ કોર્ટ તેમના પર પગલાં લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ શેખર કુમાર યાદવે મુસ્લિમ સમાજનો ઉલ્લેખ કરતી ટિપ્પણી કરી હતી. જેને લઈને તેમના પર મહાભિયોગ ચલાવીને દૂર કરવા સુધીની કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી. સીજેઆઈ ખન્નાએ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભસાલીને એક પત્ર લખ્યો છે. જેના દ્વારા, CJI એ આ કેસમાં એક નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. 17 ડિસેમ્બરે જ કોલેજિયમ અને જસ્ટિસ યાદવ વચ્ચેની બેઠક દરમિયાન સ્પષ્ટતા માંગવામાં આવી હતી. અહેવાલ મુજબ, બેઠક પછીથી જસ્ટિસ યાદવ પોતાના નિવેદન પર અડગ રહ્યા છે અને હજુ સુધી માફી માંગી નથી.
આ પણ વાંચોઃ બજરંગ દળ-VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો
સી રવિચંદ્રન વિરુદ્ધ જસ્ટિસ એએમ ભટ્ટાચાર્ય અને અન્યોના કેસનો નિર્ણય સુપ્રીમ કોર્ટે 1995માં લીધો હતો. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે જો કેસ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદનો હોય, તો તે હાઈકોર્ટના સીજેઆઈ તપાસ પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે આ બાબતે ચર્ચા કરે છે.
મહાભિયોગ કાર્યવાહીને પડકારતી અરજી ફગાવાઈ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મંગળવારે ન્યાયાધીશ શેખર કુમાર યાદવ સામે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને પડકારતી પીઆઈએલ ફગાવી દીધી. અરજદારે વિનંતી કરી હતી કે હાઇકોર્ટે રાજ્યસભાના અધ્યક્ષને 55 સાંસદો દ્વારા રાજ્યસભાના મહાસચિવ સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર આગળની કાર્યવાહી શરૂ ન કરવાનો નિર્દેશ આપવો જોઈએ.
બેન્ચે કહ્યું કે પીઆઈએલ દબાયેલા-કચડાયેલા વર્ગના લોકોનો અવાજ ઉઠાવવા માટે દાખલ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં એવું નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ અરજી પીઆઈએલ દાખલ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદાની બહાર છે અને તેથી, તે સુનાવણી માટે યોગ્ય નથી.
મામલો શું હતો?
અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ 8 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, "હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, પરંતુ તેઓ ઈચ્છે છે કે તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ભારત છે અને તે તેની બહુમતી વસ્તીની ઈચ્છા અનુસાર ચાલશે."
આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમાર યાવદ(Justice Shekhar Kumar Yadav) એ વધુમાં કહ્યું કે, "અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખ જોઈ અમને દુઃખ થાય છે. પણ તમને એવું નથી લાગતું. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો ત્યારે તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?"
મીડિયા રિપોર્ટ મુજબ તેણે ભારતની બહુમતી વસ્તી વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને તે પોતાની બહુમતી વસ્તીની ઈચ્છા પ્રમાણે ચાલશે.
આ મામલે તેમની સામે રાજ્યસભામાં મહાભિયોગની કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે. એ પહેલા તેમને સુપ્રીમ કોર્ટની કોલેજિયમે પણ નિવેદન અંગે ખુલાસો કરીને માફી માંગવા કહ્યું હતું, પણ હજુ સુધી તેમણે માફી નથી માંગી.
આ પણ વાંચોઃ VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી