મોદી ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે- પ્રકાશ આંબેડકર

ડો. આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે વડાપ્રધાન મોદી, ભાજપ અને સંઘ પર આકરા પ્રહારો કરતા મોટો આક્ષેપ કર્યો છે.

મોદી ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે- પ્રકાશ આંબેડકર
image credit - Google images

બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડી(VBA) ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ-આરએસએસ ફરી સત્તામાં આવ્યા તો ચોક્કસ જ બંધારણને બદલી નાખશે કેમ કે લોકતંત્ર સાથે તેમને વૈચારિક સમસ્યાઓ છે. હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રકાશ આંબેડકરે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની ક્ષમતા પર પણ શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ અને મોદીને હરાવવાની હિંમત હવે તેમનામાં નથી રહી. મજબૂત વિપક્ષની ગેરહાજરીમાં હવે સામાન્ય લોકો જ વિપક્ષ છે અને જનતાએ મોદીને હરાવવાનો નિર્ણય કરી લીધો છે. આ લોકસભા ચૂંટણી હવે મોદી વિરુદ્ધ જનતાની લડાઈ બની ગઈ છે.

પ્રકાશ આંબેડકર મહારાષ્ટ્રની અકોલા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર વચ્ચે તેમણે કહ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો જીતવાના લક્ષ્યાંક પાછળ બંધારણ બદલવું એ ભાજપનો એકમાત્ર ઉદ્દેશ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ અને વડાપ્રધાન મોદી દ્વારા નક્કી કરવામાં આવેલા 400 પ્લસના ટાર્ગેટ પાછળનો હેતુ ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો છે. 

આ પણ વાંચો:2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે

પ્રકાશ આંબેડકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આરએસએસ તેમજ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકશાહી સાથે વૈચારિક સમસ્યાઓ છે. લોકશાહી તે લોકોની માનસિકતા અને કાર્યશૈલીને અનુરૂપ નથી. તેઓ જાહેરમાં લોકશાહીની વાતો કરે છે પણ અંદરખાને તેમને લોકશાહી સાથે વૈચારિક સમસ્યા હોવાથી જરાય ગમતી નથી. જો વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસ ફરી સત્તામાં આવ્યા તો ચોક્કસ જ દેશનું બંધારણ બદલી નાખશે. વિપક્ષી મોરચામાં એ દમ નથી કે તેઓ મોદી સાથે લડી શકે. એટલે હવે જે કંઈપણ કરવાનું છે તે મતદારોએ કરવાનું છે. અને મતદારોએ મોદી અને ભાજપની તાનાશાહી સરકારને હરાવવાનું મન બનાવી લીધું છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, આરએસએસ અને તેના સહયોગીઓ જાતિની સર્વોપરિતામાં વિશ્વાસ રાખે છે. જ્યારે ભારતનું બંધારણ તેમની વિચારધારાને લાગુ કરવામાં અવરોધરૂપ છે. આરએસએસ અને ભાજપને 2029માં ચૂંટણી જીતવાનો વિશ્વાસ નથી, તેથી તેઓ 2024માં સત્તામાં આવશે ત્યારે ભારતનું બંધારણ બદલી નાખશે અને ચીન જેવા એકલ પક્ષના એકહથ્થુ સરમુખત્યારશાહી શાસનની સંસ્કૃતિ દાખલ કરશે. જેથી તેમને 2029ની લોકસભાની ચૂંટણી હારી જવાનું જોખમ ન રહે.

ઈન્ડિયા અલાયન્સ સાથે શા માટે તેમણે જોડાણ ન કર્યું તેને લઈને પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, મોદી, ભાજપ અને આરએસએસને કોઈપણ હિસાબે હરાવવા માટે વંચિત બહુજન અઘાડી વિપક્ષી મોરચા સાથે જોડાણ કરવા માટે તૈયાર હતું, પણ તેમણે અમને માત્ર બે બેઠકો ઓફર કરી હતી. જેને અમારા માટે યોગ્ય નહોતી. ઈન્ડિયા અલાયન્સના કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કેટલાક નેતાઓએ અમારા પર ભાજપ માટે કામ કરવાના આક્ષેપો લગાવ્યા હતા. જે તદ્દન પાયાવિહોણા છે. હાલ દેશ તેનું અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહ્યો છે, ભાજપ-સંઘ જેવા જાતિવાદી વિચારસરણીના પોષકોની પકડમાંથી મુક્ત થવા મથી રહ્યો છે ત્યારે વિપક્ષે એક થઈને લડવાની જરૂર હતી, પણ હવે તો જનતાએ જ મોદી-ભાજપ-સંઘને હરાવવાનું નક્કી કરી લીધું છે. કારણ કે સવાલ બંધારણ અને તેના અસ્તિત્વને બચાવવાનો છે.

આ પણ વાંચો:ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.