બજરંગ દળ-VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો

હિંદુત્વવાદી તત્વોએ યુવકનું માથું મુંડી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આમને કાયદો હાથમાં લેવાની પરવાનગી કોણે આપી?

બજરંગ દળ-VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો
image credit - Google images

યુપીના ફતેહપુરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક દલિત યુવકને માર મારી, માથું મુંડી આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. યુવક પર લોકોને ખ્રિસ્તી ધર્મમાં લઈ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હિંદુત્વવાદી ગુંડાઓએ કાયદો હાથમાં લઈ લુખ્ખાગીરી કરી દલિત યુવકને ધમકી આપી, માર માર્યો અને પછી પોતે જ ન્યાય કરનારા હોય તેમ યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો હતો. આરોપી ગુંડાઓ દ્વારા આખી ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ફતેહપુરના એલઈ ગામની ઘટના
મામલો ઉત્તરપ્રદેશના ફતેહપુરના ખાગા પોલીસ સ્ટેશનના એલઈ ગામનો છે. દલિત યુવકે બજરંગ દળના કાર્યકર્તાઓ વિરુદ્ધ બર્બરતાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે, જ્યારે વિશ્વ હિંદુ પરિષદે તેને સહમતિથી કાયદેસર રીતે ખ્રિસ્તી બની ચૂકેલા યુવકની ઘરવાપસી ગણાવી છે. એસપીએ કહ્યું કે વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. જો કે ખબરઅંતર.કોમ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

બજરંગ દળના કાર્યકરોની દાદાગીરી
શુક્રવારે સાંજે વીડિયો વાયરલ થયા બાદ એલઈ ગામના શિવબરન પાસવાને જણાવ્યું કે ગુરુવારે તે તેના પુત્રની સારવાર માટે જઈ રહ્યો હતો ત્યારે વિસ્તારના બજરંગ દળના કાર્યકર રોહિતે તેને કેટલાક સાગરીતો સાથે ઘેરી લીધો હતો અને ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવી ગાળો ભાંડવા માંડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે હું શુક્રવારે સવારે ઉન્નાવથી પાછો આવ્યો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ મને પકડી લીધો.

આ પણ વાંચોઃ કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?

દલિત યુવકની પત્ની અને બાળકોને પણ માર્યા
શિવબરન આગળ કહે છે, એ પછી આ લોકોએ મારી પત્ની અને બાળકોને માર માર્યો. તેમણે બળજબરીથી મારુ મુંડન કરાવ્યું અને મને માર મારતા ગામમાં ફેરવ્યો. કલાકો સુધી આ રીતે ગામમાં ફેરવ્યા બાદ આ લોકો મને ગામના એક મંદિરમાં લઈ ગયા હતા. જ્યાં મને માથું ટેકવવા મજબૂર કરાયો અને મારી પાસે પરાણે પૂજાપાઠ કરાવાયા. મેં પોલીસમાં ફરિયાદ કરી છે પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસ સ્ટેશનની બહાર પણ બજરંગદળના લોકો મને ઘેરી રહ્યા છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. કહેવાય છે કે પીડિત યુવક વિરુદ્ધ બે વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

બજરંગ દળ-વીએચપી શું કહે છે?
બીજી તરફ બજરંગ દળના જિલ્લા સંયોજક રાજુ સોનકરે જણાવ્યું કે રોહિત દીક્ષિત બજરંગ દળનો કાર્યકર છે. પરંતુ એલઈ ગામમાં આવું કંઈક બન્યું હતું કે કેમ તે જાણી શકાયું નથી. હું અંગત કારણોસર ફતેહપુરની બહાર છું.

જ્યારે VHPના જિલ્લા પ્રમુખ કેકે મિશ્રાએ હુમલાના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે યુવકની ઘરવાપસી કરાવવામાં આવી છે. તે પોતાની મરજીથી વિધિવત રીતે હિંદુ રીતિરિવાજો સાથે હિંદુ ધર્મમાં પરત ફર્યો છે.

પોલીસ અધિકારીઓ શું કહે છે?
ફતેહપુરના એસપી ધવલ જયસ્વાલના જણાવ્યા અનુસાર, યુવકનો આરોપ છે કે તેને માર મારવામાં આવ્યો અને માથું મુંડી બળજબરીથી ગામમાં ફેરવ્યો હતો બીજી તરફ સામેના પક્ષના લોકોનું કહેવું છે કે, યુવકની મરજીથી ઘરવાપસી કરાવવામાં આવી છે.2022માં તેની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. જે હકીકતો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.