તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે
એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં ન્યાય કેમ નથી મળતો તેની પાછળનું એક બહુ મોટું કારણ તોડબાજ એક્ટિવિસ્ટોની દખલગીરી છે. પણ જ્યારે પ્રામાણિક એક્ટિવિસ્ટો કેસ હાથ પર લે છે ત્યારે ન્યાય મળતો જ હોય છે, તેનું એક સચોટ ઉદાહરણ પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ અહીં રજૂ કરી રહ્યાં છે.

- કે.બી. રાઠોડ
દલિત એટ્રોસિટીના બનાવોમાં જો નિઃસ્વાર્થ, નિષ્ઠાવાન અને પ્રામાણિક એક્ટિવિસ્ટનો ટેકો હોય તો કોર્ટ ગુનેગારને સજા કરીને ન્યાય આપતી જ હોય છે. જેનો એક કિસ્સો અહીં ટાંકવો જરૂરી છે.
મહેસાણાની એટ્રોસિટી સ્પેશ્યલ કોર્ટના સ્પેશ્યલ જજ ચિરાગ એ. પવારની કોર્ટે તા 7/3/2024ના શકવર્તી ચુકાદાથી અમદાવાદના દલિત કુટુંબના એક કિશોરનું કસ્ટડિયલ ડેથ/ખૂન નીપજવવાના ગુનામાં IPCની કલમ 302ના ગુનામાં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકનો રૂપિયા દોઢ લાખનો દંડ ફટકારેલ છે. ઉપરાંત ત્રણેય આરોપીઓને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(v)ના ગુનામાં પણ આજીવન કેદની સજા અને દરેકનો રૂપિયા પચાસ હજારનો દંડ ફ્ટકારેલ છે. દંડ ની રકમમાંથી રૂપિયા ત્રણ લાખ મરનાર મૃતક કિશોરના પિતાજીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરી દલિતો પ્રત્યે થતા અત્યાચારના અપરાધીઓ માટે દાખલારૂપ ન્યાય આપવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.
ઘટના શું હતી?
અમદાવાદમાં પેડલરિક્ષા ચલાવી પેટીયું રળતા મુકેશભાઈ ચૌહાણના કિશોર વયના પુત્ર વિરુદ્ધ ફેબ્રુઆરી 2020માં કોઈ મામૂલી ગુનાની FIR નોંધાતા જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ એક્ટ નીચે ગુનો દાખલ કરી મહેસાણાના ઓબઝર્વેશન એન્ડ સેફટી હોમ/બાળ સુરક્ષા ગૃહમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી તા 3/2/2020ના રોજ આ કિશોર ભાગી ગયેલો. (કાયદો એમ કહે છે કે કોઈ બાળ આરોપી ઓબઝર્વેશન હોમમાંથી ભાગી જાય તો પણ કોઈ ગુનો બનતો નથી ફરીથી પકડાય તો તેને ત્યાં રખાય). આ કિશોર ત્યાંથી ભાગીને અમદાવાદ આવતા તા.12/2/2020ના નરોડા પોલીસે તેને પકડી ફરીથી મહેસાણા ઓબઝર્વેશન હોમમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચોઃ ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ
તા 12/2/2020ની રાત્રે 10.30 વાગ્યાથી બીજા દિવસે વહેલી સવારના ચારેક વાગ્યા દરમ્યાન કિશોરને તે બિલ્ડીંગના ઉપરના માળે મીટીંગ હોલમાં લઈ જઈ ઓબઝર્વેશન હોમના ગૃહપતિ પ્રજાપતિ વિષ્ણુકુમાર અને તે ત્રણ ગાર્ડ ચૌધરી અક્ષય, ચૌધરી કનુભાઈ ઉર્ફે હર્ષદ અને મહેન્દ્રપરી ગોસ્વામીએ મળીને લાકડી અને ધોકા વડે બેરહેમીથી ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આરોપીઓ જાણતા હતા કે કિશોર અનસૂચિત જાતિ સમાજનો છે. એ રીતે જાણકારી હોવા છતાં ઈરાદાપૂર્વક માર માર્યો હતો અને તેનું મોત નીપજાવી ખૂનનો ગુનો આચર્યો હતો.
મૃતક કિશોરના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ
IPCની કલમ 302, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2) (v) મુજબ ગુનો નોંધી DySP એ ગુનાની તપાસ કરી ચારેય આરોપીઓને પકડી જેલમાં મોકલેલ. તપાસના અંતે મહેસાણાની સ્પેશ્યલ કોર્ટમાં આ કેસ ચાલેલ.ચાર આરોપી પૈકી એકનું મૃત્યુ થતા ત્રણ જણા વિરુદ્ધ કેસની ટ્રાયલ ચાલી હતી.
આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી કુલ 48 સાહેદો/સાક્ષીઓની જુબાની થયેલ. કુલ 83 દસ્તાવેજી પુરાવાના કાગળો રજૂ થયા હતા. ટ્રાયલના અંતે કોર્ટે ચુકાદો આપી સજા અને દંડ ફટકારી મૃતક કિશોરના પિતાને વળતર આપવાનો હુકમ કરી શુદ્ધ ન્યાય આપ્યાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.
પ્રામાણિક એક્ટિવિસ્ટોની મહેનતે ન્યાય અપાવ્યો
આ બનાવ પછી પોલીસ ફરિયાદ લેતી નહોતી. એટલે નરોડામાં SSD અને અન્ય દલિત સંગઠનો સાથે કામ કરતા કાંતિલાલ પરમાર ચેનલ વાળા, જે.કે.ચાવડા અને અશોકભાઈ ચૌહાણ વગેરેએ મજુર અધિકાર મંચના પૂર્વ સચિવ અને ભારતીય સંવિધાન અધિકાર સભાના કાર્યકર એડવોકેટ અશોક સમ્રાટનો સંપર્ક કર્યો હતો. એ પછી અશોક સમ્રાટ, અરૂણ પટેલ, રાકેશ વાઘેલા, કોર્પોરેટર જમનાબેન, બિપીન ધવલ, પી. એમ. પરમાર તથા અન્ય લોકો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. ત્યાં પીઆઈ પટેલ સાથે ચર્ચા કર્યા બાદ એસપી મનીષસિંઘને એટ્રોસિટીના કાયદા મુજબ ફરિયાદીના કહ્યાં પ્રમાણે ફરિયાદ લેવા રજૂઆત કરી હતી. સાથે જ ઘટનાનું વિવરણ અને વીડિયો ફૂટેજ વગેરે તાત્કાલિક કઢાવીને આરોપીઓની ધરપકડ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. જેથી એફઆઈઆર નોંધાતા આરોપીઓની તાત્કાલિક ધરપકડ થઈ હતી. આ સામાજિક કાર્યકરોએ ફરિયાદીને સ્વખર્ચે તેમના જોખમે પોતાની કારમાં લઈ જઈ, હંમેશા સાથે રહીને મૃતક કિશોરના પિતાનું મનોબળ વધાર્યું હતું.
આ પણ વાંચોઃ કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?
આ પણ વાંચોઃ મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
યુવા એક્ટિવિસ્ટ એડવોકેટ સમ્રાટ અશોક અને બિપિન ધવલની નિષ્ઠા અને કુનેહભરી પ્રામાણિકતાથી ફરિયાદી એફઆઈઆર નોંધાવવાથી લઈને બનાવની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવા, ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુરાવા એકઠાં કરવા અને મોનીટરિંગ સુધીની કાર્યવાહી કરાવવામાં સફળ રહ્યાં હતાં અને ટ્રાયલ દરમિયાન સાક્ષીઓની સાચી જુબાન થાય તે માટે તકેદારી રાખી હતી. આ એક્ટિવિસ્ટોની નિઃસ્વાર્થ કામગીરીને કારણે પીડિત પરિવારને એટ્રોસિટી એક્ટ હેઠળ સમાજ કલ્યાણ ખાતામાંથી રૂ. 8 લાખ 25 હજાર અને માનવ અધિકાર પંચમાંથી રૂ. 4 લાખ જેટલી સહાય મળી હતી.
આ કેસનો સાર એટલો જ કે, દલિત અત્યાચારના કેસોમાં સમર્પિત, નિઃસ્વાર્થ અને પ્રામાણિક એક્ટિવિસ્ટો, કાર્યકરોનો સાથ સહકાર હોય અને ગુનાની તપાસ અને ટ્રાયલનું મોનીટરિંગ યોગ્ય રીતે થાય, તપાસ અધિકારી પ્રામાણિકતાથી મુદ્દાસર તપાસ કરી ચાર્જશીટ દાખલ કરે, પબ્લિક પ્રોસિક્યુટર જો સકારાત્મક તમામ મૌખિક-લેખિત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરે તો કોર્ટ ગમે તેવા ચમરબંધીને પણ તક્સીરવાર ઠરાવી સજા કરે જ. આ કેસ તેનો વધુ એક પુરાવો છે.
તોડબાજ એક્ટિવિસ્ટોને ઓળખવાનો સમય પાકી ગયો છે
એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં પીડિત પરિવારને ન્યાય નથી મળતો તેની પાછળ સમાજના બની બેઠેલા એક્ટિવિસ્ટો, કાર્યકરો, એનજીઓ અને બુઠ્ઠા રાષ્ટ્રીય સંયોજકોની તોડબાજી જવાબદાર છે એવું હું અનુભવે સ્પષ્ટ કહી શકું છું. આવા તત્વોને કારણે સાચા કિસ્સામાં પણ દલિત પીડિત પરિવારને ન્યાય મળતો નથી. એવા અનેક કિસ્સાઓ છે જેમાં પીડિત-ફરિયાદીને છેતરી, મામૂલી રકમ અપાવીને આરોપીઓ સાથે સમાધાન કરાવી દઈને કેટલાક બનાવટી એક્ટિવિસ્ટો રીતસર પૈસા પડાવી પોતાનું ઘર ભરતા થઈ ગયા છે. 100માંથી 95 એક્ટિવિસ્ટો તોડબાજ હોઈ શકે છે. માટે આવા બનાવટી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે.
(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)
આગળ વાંચોઃ એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Sheetal vaniyaVery good