વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો

રાજકોટના શાપર-વેરાવળના પારડીમાં સરકારી વીજ કચેરીમાં ચાલતી સત્યનારાયણની કથાને વિજ્ઞાન જાથાએ અટકાવતા મનુવાદીઓ એક થઈને જાથાની પાછળ પડી ગયા છે.

વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો
image credit - Google images

રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથા (vigyan Jatha) ના જયંત પંડ્યા (jayant Padya) એ શાપર વેરાવળના પારડીમાં આવેલી વીજ કચેરી ખાતે રાખવામાં આવેલી સત્યનારાયણની કથા (satyanarayan katha) બંધ (stopped) કરાવતા પક્ષાપક્ષીનું રાજકારણ છોડીને મનુવાદીઓ ખૂલીને જયંત પંડ્યાના વિરોધમાં આવી ગયા છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા પણ છે, તેમણે ખૂલીને વિજ્ઞાન જાથાની ટીકા કરી છે. આ સાથે જ ગુજરાતમાં વિવિધ જગ્યાએ બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાનો વિરોધ કરવો શરૂ કરી દીધો છે.

ઘટના શું હતી?
ગત 25 ઓક્ટોબરને શુક્રવારના રોજ સાંજે 5:30 વાગ્યાં આસપાસ રાજકોટના શાપર-વેરાવળમાં આવેલી પારડી-2 વીજ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી ગઈ હતી અને તેમણે સરકારી કચેરીઓમાં નોકરીના સમય દરમિયાન આ રીતે સત્યનારાયણની કથા કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે કર્મચારીઓએ કથા બંધ કરી દીધી હતી. આ ઘટનાને લઈને મનુવાદીઓ મેદાનમાં આવી ગયા છે અને બ્રાહ્મણ નેતાઓથી માંડી ધર્મનો ધંધો લઈને બેઠેલા સૌ કોઈ વિજ્ઞાન જાથાની કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે. આ મામલે હોબાળો વધતા વિજ્ઞાન જાથાએ કાળી ચૌદશનો અંધશ્રદ્ધા જાગૃતિનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.

કચેરીના ડેપ્યૂટી ઈજનેર શું કહે છે?

પારડી વીજ કચેરીના ડેપ્યુટી ઈજનેર સંતોષ ત્રાંબડીયાએ એક સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "બહોળો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ડિવિઝનના કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સારી કામગીરી કરી હતી તેમજ એલઆઈ ઓફિસર તરીકે 35 વર્ષ સુધી સેવા આપનાર સી આર જાડેજા નિવૃત થયાં હોવાથી તેમના વિદાય સમારંભને લઈને અમે ગત શુક્રવારે સાંજે એક સત્યનારાયણની કથાનું કચેરી ખાતે આયોજન કર્યું હતું. ઓફિસનું કામ પૂર્ણ થયાં બાદ અને કેસ બારી 4:30 વાગ્યે બંધ થયા બાદ અંદાજિત 5:30 વાગ્યાં આસપાસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતના ચારેક લોકો કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઓફિસ સમયમાં તમે આ અયોગ્ય કરી રહ્યા છો, ઓફિસ દરમિયાન તમે આવી કોઈ કથાનું આયોજન કરી શકતા નથી તેવું જણાવ્યું હતું. આ દલીલો અને દબાણને પગલે વિવાદ વકરે નહિ તેવા હેતુથી અમે કથા બંધ કરી દીધી હતી."

આ મામલે હવે મનુવાદી સામાજિક, રાજકીય આગેવાનોએ વિવાદમાં ઝંપલાવી જાથાની ઝાટકણી કાઢી છે અને જયંત પંડ્યાને ધમકાવવાનું શરૂ કરતા તેમણે પોતાનો ફોન બંધ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડું-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

કચેરીમાં સત્યનારાયણની કથા કરાવનાર શાસ્ત્રી પ્રદીપભાઈએ એક મીડિયાને જણાવ્યું કે, હજુ તો ગણપતિજીની પૂજા જ ચાલી રહી હતી અને કથા કરવાની પણ બાકી હતી તે પૂર્વે જ જાથાના હોદેદારો આવી પહોચ્યા હતા. તેમણે મને કંઈ જ કહ્યું નથી પણ અધિકારીઓ જે કથામાં બેઠા હતા તેમને તમે આ અયોગ્ય કરી રહ્યા છે, આ સમયગાળામાં કથા કરી શકાય નહિ, તમારી નોકરી ચાલુ છે તેમ કહેતા અધિકારીઓએ કથા શરૂ થાય તે પૂર્વે જ બંધ કરી દીધી હતી."
મનુવાદીઓ જયંત પંડ્યાના વિરોધમાં ઉતરી પડ્યાં

જ્યારે પણ ધર્મના નામે ચાલતા પોતાના ધંધા પર તરાપ પડતી દેખાય કે તરત મનુવાદીઓ એક થઈ જતા હોય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું છે અને તમામ મનુવાદીઓ એક થઈને વિજ્ઞાન જાથાનો વિરોધ કરવામાં લાગી ગયા છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે (Hemang Raval) બંને તરફની વાત કરી હતી. તેમણે એક બાજુ કહ્યું કે અમે અંધશ્રદ્ધા (Superstition) નો વિરોધ કરીએ છીએ અને બીજી બાજુ તેમણે સત્યનારાયણ કથાને હિંદુઓની આસ્થાનો મુદ્દો ગણાવી બચાવ કર્યો હતો.

હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, "તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (World Brahmin Organization) અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિ વિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાની ટીમ સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો છોડતી નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુ:ખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય. બ્રહ્મ સમાજ સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરશે."

આ પણ વાંચોઃ ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત થયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.