ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ મધુકાન્ત કલ્પિતને સાહિત્યાંજલિ અર્પી

દિવંગત મધુકાંત કલ્પિતના પરિવારજનો સમેત મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યભાવકો-ચાહકોની હાજરીમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ કવિને સાહિત્યાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ મધુકાન્ત કલ્પિતને સાહિત્યાંજલિ અર્પી
image credit - નટુભાઈ પરમાર

'તરજૂમો', 'કેસરિયા ટશરનું આકાશ', 'મધુકાન્ત કલ્પિત એક અફવા છે' જેવી કૃતિઓના સર્જક, ખ્યાતનામ ગીતકવિ-સાહિત્યકાર અને સરળ, સહજ, સંવેદનશીલ માનવી એવા મધુકાન્ત કલ્પિત ૩ મે, ૨૦૨૪એ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા.

'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના પાયાના પથ્થર સમા આ સાહિત્યકારને એમના શબ્દો-સર્જન દ્વારા યાદ કરવાનો સાહિત્યાંજલિ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવન ખાતે તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના સૂત્રધારો સર્વશ્રી હરીશ મંગલમ્, અરવિંદ વેગડા, ડૉ.દિનુ ભદ્રેસરિયા અને સહયોગીઓના વિશેષ પ્રયાસો થકી સંપન્ન થયો હતો.

આ નિમિત્તે ડૉ.રેખા પરેશ પરમાર સંપાદિત (૧)  'A Critical Study of Dalit Sensibility in Selected Indian Autobiographical Narratives' પુસ્તકનું (૨) વિદ્વાન અભ્યાસુ ડૉ. ઈન્તાજ મલેક સંપાદિત-અનુવાદિત અરવિંદ વેગડાના અંગ્રેજી  કાવ્યસંગ્રહ 'Forgotten Sorrows'નું અને (૩) હરીશ મંગલમ્ ના અંગ્રેજી કાવ્યસંગ્રહ 'Untouched Harvest'નું તથા (૪) હરીશ મંગલમ્ સંપાદિત પ્રવીણ ગઢવીના કાવ્યસંગ્રહ 'દલિત વાણી'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ચારેય પ્રકાશનો 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી' એ પ્રકાશિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં કેવળ દલિત સાહિત્ય સંદર્ભે જ આ અકાદમીએ ૧૪૧ જેટલા માતબર સંખ્યાના પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

આ સાહિત્યાંજલિમાં મધુકાન્ત કલ્પિતના પત્ની વિદ્યાબેન, મધુકાન્તભાઈના વેવાઈ અને વેવાણ, કવિયત્રી પુત્રી પ્રિયંકા રાજેશકુમાર, પુત્ર નિકેતન, જસ્મિન ડાભી અને પરિવારજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

પ્રથમ સત્રમાં ગોધરા નિવાસી વિદ્વાન અધ્યાપક ડૉ.વિનોદ ગાંધીએ 'કવિલોક' અને 'બુધવારિયા'થી બચુભાઈ રાવત જેવા ભાષા કસબીની છાયામાં ગીત કવિ તરીકે વિકસેલા અને નીપજી આવેલા મધુકાન્ત કલ્પિતને 'કલ્પનના કવિ કલ્પિત' તરીકે ઓળખાવીને કહ્યું કે, "૧૯૮૧ના અનામત વિરોધી તોફાનો પછી મધુકાન્ત કલ્પિત આપણને એક પ્રતિબધ્ધ દલિત કવિ રૂપે સાંપડ્યા, એ આપણું સદભાગ્ય  છે. કલા અને કથ્યમાં મધુકાન્તનો શબ્દ કાયમ બળવાન બનીને ઉપસ્યો છે. તેમની કવિતામાં પરંપરાનો વિચ્છેદ બળકટ હોવા છતાં આ કવિએ પ્રયોગશીલતાના અભરખા નથી રાખ્યા. મધુકાન્ત કહેતા કે તેમની કવિતાના નાદ અને લય તેમને તેમના સમાજની જાનપદીમાંથી મળ્યા છે અને એણે જ તેમને ગુંજતા રાખ્યા છે. આ કવિ જાત અને અસ્તિત્વને કેન્દ્રમાં રાખી સુક્ષ્મ પીડાને ઉપસાવવામાં કાબેલ હતા."

મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રતિલાલ રોહિતે તેમના વક્તવ્યમાં મધુકાન્તના અવસાનના એક પખવાડિયા પહેલાં પોતે લીધેલ એમની સુદીર્ઘ મુલાકાતનો ઉલ્લેખ કરીને, આ કવિના લલિત સાહિત્યથી દલિત સાહિત્ય તરફના પ્રયાણને 'સિધ્ધાર્થથી બુદ્ધ બનવા તરફના પ્રયાણ' સાથે સરખાવીને ક્હ્યું કે, "અત્યંત ૠજુ હ્રદયના આ કવિ શોષિત-દલિત સમાજની પીડાથી ભારે વ્યથિત રહેતા. વ્યાધિગ્રસ્ત આ કવિને શરીરની પીડા કરતાય સમાજની કરૂણ પરિસ્થિતિએ વધારે પીડ્યા છે. તેથી તેમની કવિતા સામાજિક વિષમતાની પરંપરાને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ફૂલે-શાહૂ-આંબેડકરી પરંપરાના આ કવિએ શોષિતોના કાળા છમ્મ જન્મારામાં એમની કવિતા દ્વારા પ્રકાશ ભરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતે ભલે કહ્યું હોય : 'મધુકાન્ત કલ્પિત એક અફવા છે', પણ આપણે કહીશું : 'મધુકાન્ત કલ્પિત એક સત્ય છે - એક વાસ્તવિકતા છે."

દલિત સાહિત્ય પરના એક સાથે ચાર પુસ્તકોના લોકાર્પણના બીજા સત્રમાં બોલતાં જાણીતા લેખિકા, અનુવાદક અને નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉ.ઈન્દિરા નિત્યાનંદમે ગુજરાતી દલિત કૃતિઓ અંગ્રેજી સહિત દેશની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ પહોંચે એની નિતાંત આવશ્યકતા નિહાળીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીને એવા અનુવાદોમાં પોતાના સક્રિય સહયોગની ખાતરી આપી હતી. તેમણે ઈન્તાજ મલેક અનુવાદિત બેય દલિત કૃતિઓના સુયોગ્ય અનુવાદોની પણ ખૂબ પ્રશંસા કરી હતી. દક્ષિણ ભારતની વિદૂષી દલિત લેખિકા બામાની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કરનારા ઈન્દિરાએ એમાં નિરૂપિત દલિત સત્યો વિશે અને અનુવાદના પડકારો વિશે પણ અભ્યાસપૂર્ણ હકીકતો રજૂ કરી હતી. તેમણે દલિત સાહિત્ય પરના જ ૧૪૧ પુસ્તકોના પ્રકાશન માટે 'અકાદમી' અને એના પ્રમુખ સંવાહક હરીશ મંગલમ્ ની પ્રતિબધ્ધતાને પણ બિરદાવી હતી.

સેન્ટ્રલ યુનિવર્સિટી (ગુજરાત)ના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને જાણીતા અનુવાદક - સીખ પરિવારના ડૉ.ઈશ્મિત કૌરે ભારત-પાક.ના ભાગલા પછી સિમલા આવી વસેલા દાદા-પિતા તરફથી પોતાને મળેલા માનવતાના અને સમાનતાના સંસ્કારો વિશે આત્મકથનરૂપ વક્તવ્યમાં એમ કહ્યું કે, સમાજમાં પરિવર્તન આવ્યું છે કે આવી રહ્યું છે ? એ સવાલ આજે પણ મારે માટે એક મુંઝવનારો સવાલ જ બની રહ્યો છે. રેખા પરમારના પુસ્તકને વિચારોત્તજક પુસ્તક તરીકે ઓળખાવીને ડૉ.કૌરે એમ પણ કહ્યું કે પોતે સમાજ વ્યવસ્થાના કેન્દ્રમાં જવા કે રહેવાની ઈચ્છા રાખતા જ નથી, તે તો એક મહિલા તરીકે પીડિત સમાજની પડખે રહી હાંસિયામાં રહેલા તમામની અધિકારપ્રાપ્તિની લડાઈમાં જોરજોરથી બૂમો પાડવા માગે છે.

પ્રતિભાવમાં લેખિકા અને અધ્યાપિકા રેખા પરેશ પરમારે પણ, એક તો પોતે દલિત નારી અને છોગાંમાં ક્રિશ્ચિયન, એટલે જાતિગત અને ધર્માધારિત અન્યાય મારે હિસ્સે થોડો વધારે માત્રામાં રહ્યો ! એવી નિખાલસ કેફિયત રજૂ કરતાં એમ પણ કહ્યું કે, જન્મથી થોપી દેવાતી જાતિને કારણે આ દેશમાં તમે ધર્મ બદલો છો ત્યારેય તમારી જાતિને તમે બદલી શકતા નથી. વિદેશમાં રહીને પણ જાતિવાદનો અનુભવ કરનારા રેખાબેને, મહિલાઓ પરના બળાત્કારોમાં પણ જાતિ જોતાં લોકની આકરી આલોચના કરી હતી.

જાણીતા સાહિત્યકાર, અનુવાદક અને જોઈન્ટ કમિશનર સેલ્સ ટેક્ષ (નિવૃત્ત) શ્રી ઈન્તાજ મલેકે પણ પોતાના પ્રતિભાવમાં હરીશ મંગલમ્ અને અરવિંદ વેગડાની ચુનંદી દલિત કવિતાઓને પહેલા ગુજરાતીમાં અને પછી પોતે કરેલા એના અંગ્રેજી અનુવાદોમાં રજૂ કરીને સભાગૃહની ભારે દાદ મેળવી હતી.

બેય સત્રના અધ્યક્ષ રહેલા 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર પ્રવીણ ગઢવીએ મધુકાન્તભાઈની સંવેદનાસભર સર્જકતાને બિરદાવીને, 'હરિના મારગની જેમ દલિત સાહિત્યનો મારગ પણ શૂરાઓનો છે, દલિત સાહિત્યનું સર્જન કરવું એ ઢીલાપોચા લેખકોનું કામ નથી' એમ કહી, આ સાહિત્યાંજલિને મધુકાન્ત કલ્પિતને અપાયેલી શ્રેષ્ઠ સ્મરણાંજલિ પણ ગણાવી હતી. તેમણે આ કવિના 'તરજૂમો' કાવ્યસંગ્રહ પર અનેક વિદ્વાનોએ જે લેખો લખ્યા છે તે પુસ્તક રૂપે પ્રકાશિત થાય તેવી કામના વ્યક્ત કરી હતી. તેમણે મધુકાન્તની શબ્દયાત્રા પર અભ્યાસપૂર્ણ અવલોકનો રજૂ કરનારા સૌ વિદ્વાન વક્તાઓ પ્રતિ 'અકાદમી' વતી ૠણસ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી અને હંમેશા નેપથ્યમાં રહી દલિત સાહિત્યના મોટા ઉપક્રમોને પાર પાડનારા હરીશ મંગલમ્ ની દલિત સાહિત્ય પ્રતિની નિષ્ઠા - પ્રતિબધ્ધતાની મુક્તકંઠે સરાહના કરી હતી.

પ્રથમ સત્રમાં આવકાર પ્રવચનમાં માંડલ કૉલેજના આચાર્ય ડૉ. હર્ષદ પરમારે અને બીજા સત્રના આવકાર પ્રવચનમાં ગુજરાત વિદ્યાપીઠના ડૉ. અતુલ પરમારે ટૂંકા પણ હ્રદયસ્પર્શી ઉદબોધનોમાં મધુકાન્ત કલ્પિતને ભાવપૂર્વક સંભાર્યા હતા.

પ્રથમ સત્રનું સુંદર સંચાલન જી.એલ.એસ.કૉલેજ-અમદાવાદના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. ધીરજભાઈ વણકરે કર્યું હતું, જ્યારે મોટાભાગે અંગ્રેજીમાં ચાલેલા બીજા સત્રનું સંચાલન સેન્ટ્રલ યુનિવર્સિટી (ગુજરાત)ના પીએચ.ડી છાત્ર - સીધા અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખતા ગુજરાતના એક માત્ર યુવા દલિત કવિ - ગૌતમ વેગડાએ કર્યું હતું.

આ સાહિત્યાંજલિમાં સર્વશ્રી દલપત ચૌહાણ, સાહિલ પરમાર, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, નટુભાઈ પરમાર, પ્રિતેશ અમીન, ડૉ.હસમુખ પરમાર, ગીરીશ રઢુકિયા, સોમ વાઘેલા, ભૂપેન્દ્ર શ્રીમાળી, સુમન ચાવડા, બી.કે.પરમાર, રણછોડભાઈ પરમાર, પદ્મરાજ હિતેચ્છુ, 'દિશા' તંત્રી મૂળજીભાઈ ખુમાણ, દિનેશ પરીખ, આર.એલ.સોલંકી, જી.એસ.ટી.ના પૂર્વ અધિકારી જે.સી.શાહ સહિતના દલિત સાહિત્યના ચાહકો-ભાવકો સૌ ઉપસ્થિતિ રહ્યા હતા.

(અહેવાલ: નટુભાઈ પરમાર-ગાંધીનગર)

આ પણ વાંચોઃ દલિત ચેતના કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Arun Vaghela
    Arun Vaghela
    खूब सुंदर रिपोर्टिंग।दोनों को साधुवाद
    5 months ago