અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના યુવકનો હોસ્ટેલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અદ્દલ આવી જ એક ઘટના અરવલ્લીના મોડાસામાં બની છે.

અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત
image credit - Google images

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના માંડવીના યુવક ઉર્વીન ચૂહિયાનો ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના અવાવરૂ રૂમમાંથી ગળે, હાથે સહિત શરીરના વિવિધ ભાગોમાં બ્લેડના ઘા મારી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલાને આત્મહત્યા ગણાવ્યો છે પણ ઉર્વીનના પરિવારજનો તે સ્વીકારવા તૈયાર નથી. તેમને શંકા છે કે તેની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે દલિત સમાજે વિરોધ નોંધાવી ઉર્વીનના પરિવારજનો સાથે તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.

અદ્દલ આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં બની ગઈ છે અને તેના પર બહુ ઓછાં લોકોનું ધ્યાન ગયું છે. અહીંના મોડાસા-શામળાજી હાઈવે પર આવેલા તત્વ આર્કેડ નામના કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી જુલાઈ 4 જુલાઈ 2024ને ગુરૂવારની સાંજે પ્રિત ગીરીશભાઈ ચૌધરી નામના દલિત યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યોગાનુયોગે પ્રિત પણ ઉર્વીનની જેમ એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો. પ્રિતનું મોત કેવી રીતે થયું, હત્યા હતી કે આત્મહત્યા? તેનું કોકડું ગુંચવાયેલું છે. આજકાલ કરતા સાત દિવસ થઈ ગયા, છતાં પોલીસ પ્રિતના મોત મામલે કોઈ કડી શોધી શકી નથી.

એટલે જ ગઈકાલે પ્રિત ચૌધરીના પરિવારજનો સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ મળીને અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલને મળીને પ્રિતના શંકાસ્પદ મોત મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. પ્રિતના પિતા ગિરીશભાઈ ચૌધરીએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ઘટના શું બની હતી?
મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી 4 જુલાઈના રોજ સાંજના સુમારે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના અનુસૂચિત જાતિ સમાજના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિવારના આશાસ્પદ યુવકનું મોત થયા પ્રિતના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને તેઓ દોડતા આવી પહોંચ્યા હતા. જો કે, આજકાલ કરતા આ ઘટનાને સાત દિવસ વીતી ગયા હોવા છતાં પ્રિતનું મોત કેવી રીતે થયું તે પોલીસ શોધી શકી નથી. પોલીસ આ મામલે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે.

ગઈકાલે મૃતક પ્રિતના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ એસપી કચેરી ખાતે અરવલ્લી જિલ્લા એસપીને આ મામલે રજૂઆત કરી હતી. જે જગ્યાએથી પ્રિતનો મૃતદેહ મળી આવ્યો હતો, તે જગ્યાએથી હજુ સુધી પોલીસને કોઈ ચીજવસ્તુ મળી નથી. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે તેની પાસે કોલેજ જવા માટેની બેગ હતી. આ સિવાય પણ કેટલીક ચીજોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ તેમાનું કશું જ પ્રિતના મૃતદેહ પાસેથી મળ્યું નહોતું.

આ પણ વાંચોઃ એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?

પરિવારજનોના કહેવા પ્રમાણે પ્રિત ઘરેથી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો. સાંજના સુમારે તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું છે. સાથે જ પ્રિત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ તેની પાસે હતી પણ તે જે જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આમાંની કોઈ ચીજવસ્તુ મળી નથી હોવાની તેની હત્યા અન્ય જગ્યાએ કરાયા બાદ લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ નકારી શકાતી નથી.

પ્રિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો વતની હતો. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની કોલેજથી નજીક આવેલા તત્વ આર્કેડની પાછળના ભાગમાં આવેલા બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી, ખ્યાલ આવશે કે પ્રિતની હત્યા થઈ છે કે કુદરતી મોત. હાલ તો પોલિસ બનતા તમામ પ્રયાસ કરી રહી હોવાનું ASP એ જણાવ્યું હતું.

શરીર પર ઈજાના અનેક નિશાન
19 વર્ષના પ્રિત ચૌધરીના મૃતદેહ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે તેના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે ઉર્વીન ચૂહિયા અને પ્રિત ચૌધરી જેવા અનુસૂચિત જાતિ સમાજના બે આશાસ્પદ યુવાનોના મોત મામલે ખરેખર શું થયું હતું.

આગળ વાંચોઃ દલિત PhD વિદ્યાર્થીના મોં પર સવર્ણ પ્રોફેસરે મિટીંગમાં એઠું સમોસું ફેંક્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.