ખોખરામાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા ઝડપાયા
નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આરોપીઓએ પ્રતિમા ખંડિત કરી હતી. હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર આરોપીને ઝડપી પાડયા છે. આ આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે તેમની સામે અગાઉ પણ 2 રાયોટિંગના ગુનાઓ નોંધાયેલા છે.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીને પકડવા 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. 22મી ડિસેમ્બરની મધરાતે 3.30 વાગ્યે બે એક્ટિવા પર ચાર શખસો આવ્યા હતા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. આરોપી ભોલા અને મેહુલે પ્રતિમાને પથ્થર મારીને ખંડિત કરી હતી.
નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં પ્રતિમા તોડી
આરોપીઓએ આ પ્રતિમા નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં તોડી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની નજીક નાડીયા સમાજના લોકો રહે છે. બાબાસાહેબ સમાજનું પ્રતીક હોવાથી પ્રતિમા તોડી હતી. આરોપીઓ ફરતા ફરતા ખોખરા પહોંચ્યા હતા અને ત્યાં પ્રતિમા તોડી હતી. આરોપીએ નશો કર્યો હતો કે કેમ તે રિપોર્ટ કરાવવામાં આવશે. આ સાથે આરોપીઓને કોઈએ ઉશ્કેર્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ થશે. આરોપીઓની બબાલ અગાઉ ઈદગાહ વિસ્તારમાં થઇ હતી અને મૂર્તિ ખંડિત ખોખરામાં કરી હતી. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો. અગાઉની અદાવતમાં આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આરોપીઓને પકડવા 20 ટીમ કામ કરતી હતી. વોન્ટેડ 3 આરોપી મોબાઇલ બંધ કરી ભાગી ગયા છે. આરોપીઓ ઈદગાહ જુગલદાસની ચાલીમાં રહે છે. ત્રણ આરોપી મુકેશ ઠાકોર,ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે.
ભાજપ–કોંગ્રેસના નેતાઓની પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી
ખોખરાની ઘટનાને લઈ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે કમિશનરને રજૂઆત કરી હતી. આ સાથે ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યોએ બાબાસાહેબની પ્રતિમા પુનઃ સ્થાપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સાથે બન્ને પક્ષોએ આરોપીઓને પકડી પાડીને સજા કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
SanjaybhaiNice worek