LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?

અમદાવાદની ગુજરાત યુનિ. હોસ્ટેલમાંથી ગઈકાલે માંડવીના દલિત વિદ્યાર્થીનો બ્લેડના ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેમાં હવે અનેક શંકાઓ પેદા થઈ છે

LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?
image credit - Google images

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજની હોસ્ટેલમાં ગઈકાલે ઉર્વીન ચૂહિયા નામના દલિત વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે તેણે ગળા અને હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં બ્લેડના ઘા મારીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આખી ઘટનામાં અમુક બાબતો શંકાસ્પદ જણાય છે અને તે ઉર્વીનને આત્મહત્યા કરી હોવા પર શંકા પેદા કરે તેવી છે.

મૃતક યુવક ઉર્વીન ચૂહિયા કચ્છના માંડવીનો વતની હતો અને અનુસૂચિત જાતિના મહેશ્વરી સમાજમાંથી આવતો હતો. તે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજમાં કેમિકલ એન્જિનયરીંગના ચોથા સેમેસ્ટરમાં ભણતો હતો અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે હોસ્ટેલના ત્રીજા માળે આવેલા રૂમ નંબર 435માંથી તેનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તેના હાથ, પગ અને ગળાના ભાગે બ્લેડના અનેક ઘા માર્યાના નિશાન હતા. 

જે રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. ઉર્વીનનો મિત્ર સવારે જ્યારે આ રૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રૂમ બંધ હોવાથી તેને શંકા ગઈ હતી. આથી તેણે અંદર તપાસ કરતા લોહીથી લથપથ હાલતમાં ઉર્વીનનો મૃતદેહ પડ્યો હતો. આથી તેણે હોસ્ટેલ દ્વારા પોલીસને જાણ કરી હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં ઉર્વીને જાતે જ બ્લેડ મારીને આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, ગત 1 જુલાઈના રોજ ઉર્વીનની પરીક્ષા હતી, જેમાં તે મોબાઈલ સાથે પકડાઈ ગયો હતો. એ પછી તે સતત તાણમાં રહેતો હતો. તેને પોતાના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી. તેને ડર હતો કે હવે તે ફરીથી પરીક્ષા નહીં આપી શકે અથવા તેના પર કોઈ એક્શન લેવાશે. આ ચિંતામાં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી. 

જો કે મૃતકના પરિવારજનો અને તેના વતન માંડવીના લોકો આ થિયરીને સ્વીકારવા તૈયાર નથી. તેમના મતે ઉર્વીન આત્મહત્યા કરે તેવો નાદાન અને ગભરૂ છોકરો નહોતો અને આખો મામલો આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો છે. ઉર્વીનનો પરિવાર કચ્છના માંડવીમાં ગોકુળવાસ વિસ્તારમાં રહે છે. જેમનું માનવું છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ

આ મામલે વધુ જાણકારી મેળવવા માટે કચ્છના સામાજિક કાર્યકર અને મહેશ્વરી સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી આજે અમદાવાદ પહોંચ્યા છે. નરેશભાઈએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉર્વીનના કેસ સંદર્ભે કેટલીક આશંકાઓ વ્યક્ત કરીને તેણે આત્મહત્યા નથી કરી પણ તેની આયોજનપૂર્વક હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

આ મામલે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા નરેશભાઈ  મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "ઉર્વીને આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ હોવાની આશંકા પાછળના અનેક કારણો છે. પહેલી વાત તો એ કે, તે કેમિકલ એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો. જો તેણે આત્મહત્યા જ કરવી હોત તો તે કેમિકલ પીને કે અન્ય કોઈ સરળતાથી જીવન ટૂંકાવી શકાય તેવી પદ્ધતિ અપનાવત.  શા માટે તે આટલી ઘાતકી હદે પોતાના જ હાથે પોતાના ગળે, હાથે અને શરીરના અન્ય ભાગોમાં બ્લેડના ઘા મારે? બીજો સવાલ એ થાય કે, તે પહેલા માળે રહેતો હતો અને તેનો મૃતદેહ હોસ્ટેલના ત્રીજા માળે આવેલા એક અવાવરૂ રૂમમાંથી મળ્યો છે. આ પણ શંકા ઉપજાવે તેવી બાબત છે. જો તેણે આત્મહત્યા કરી હોય તો તે પોતાના રૂમમાં કરી શક્યો હતો, ત્રીજા માળે ન જાય."

નરેશભાઈ આગળ કહે છે, "સૌથી અગત્યની બાબત એ કે, કોઈ વ્યક્તિ જો ગળે બ્લેડ મારે તો તેની પીડા જ એટલી અસહ્ય અને ભયાનક હોય કે વ્યક્તિ શરીરના અન્ય કોઈ અંગ પર બીજો ઘા કરવા જેવી સ્થિતિમાં જ ન રહે. જો તમે હાથની નસ કાપો તો પછી ગળે ઘા ન કરી શકો અને ગળે બ્લેડ મારો તો પછી હાથની નસ કાપી શકો તેવી સ્થિતિમાં ન રહો. જ્યારે ઉર્વીનના તો હાથ, ગળે અને અન્ય ભાગોમાં પણ બ્લેડના ઘા મારેલા છે. આ આખી બાબત તેની આત્મહત્યા બાબતે શંકા ઉપજાવે તેવી છે."

નરેશભાઈ વધુમાં જણાવે છે કે, "હવે તો દરેક હોસ્ટેલોમાં સીસીટીવી ફરજિયાત મૂકવામાં આવે છે. જ્યારે આ તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીની હોસ્ટેલ છે, અને આટલી મોટી હોસ્ટેલમાં સીસીટીવી કેમ નથી, વોર્ડન શું કરતા હતા? ઉર્વીનના પરિવાર સાથે મારે ગઈકાલથી વાત થઈ રહી છે અને તેઓ સ્પષ્ટપણે માને છે કે, ઉર્વીન એટલો ઢીલો છોકરો નહોતો કે પરીક્ષામાં પકડાવા માત્રથી તે જીવન ટૂંકાવી દે. એટલે આ આખો મામલો શંકાસ્પદ છે અને આ તમામ કારણોસર અમને લાગે છે કે ઉર્વીને આત્મહત્યા નથી કરી પરંતુ તેની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે અને આ દિશામાં તપાસ થવી જોઈએ."

આ પણ વાંચો: એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.