'બહુચર માતા કેસ' માં રેશનાલિસ્ટ મનસુખ રાઠોડને જામીન મળ્યાં
બહુચર માતા અને તેમના કૂકડા પરની ટિપ્પણીને લઈને રેશનાલિસ્ટ મનસુખ રાઠોડ પર કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યાં છે.

રાજકોટના આમોદના વતની રેશનાલિસ્ટ મનસુખભાઈ રાઠોડને બહુચર માતા અને તેમના કૂકડા પર કરેલી ટિપ્પણીને લઈને કડી કોર્ટમાંથી જામીન મળી ગયા છે જેનાથી રેશનાલિસ્ટોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
રાજકોટના રામોદના વતની મનસુખભાઈ રાઠોડનો થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓ હિંદુ ધર્મના બહુચર માતા અને મેલડી માતા વિશે ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. જેને લઈને માતાજીના ભક્તોને લાગી આવ્યું હતું. આવા જ એક મહેસાણાના ભક્તની લાગણી દુભાતા તેમણે મનસુખભાઈ સામે કડીની કોર્ટમાં ફરિયાદ કરી દીધી હતી. જેથી મહેસાણા એલસીબી અને કડી પોલીસે તેમની અટકાયત કરી હતી.
મહેસાણાના એક ભક્ત નામે યુવરાજ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે મનસુખભાઈની ટિપ્પણીથી તેમની અને હિંદુઓની લાગણી દુભાઈ હોવાનું જણાવ્યું હતું.
આ કેસમાં હવે કડીની કોર્ટે મનસુખભાઈને જામીન આપી દીધાં છે. તેમના વતી કોર્ટમાં સ્થાનિક વકીલ મહેન્દ્ર વાઘેલાએ રજૂઆત કરી હતી. આ કેસ દરમિયાન હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ હેમંત મકવાણા, વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા, ગોંડલના વકીલ દિનેશભાઈ કાથડ, નિલદિપભાઈ એડવોકેટ, સિનિયર ક્લાર્ક ભાનુબેન ગોહિલ સહિત અનેક શુભેચ્છકોએ હાજરી આપી હતી. બંને પક્ષના વકીલો વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. અંતે કોર્ટે મનસુખભાઈ રાઠોડના જામીન મંજૂર કરતા તેમના શુભેચ્છકો અને રેશનાલિસ્ટોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી