બજેટ સત્ર પૂર્વે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગશે
આવતા અઠવાડિયે જાહેરાતની સંભાવના. જૂનાગઢ મનપા, ખેડા જિલ્લા પંચાયત અને 73 નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઘણા લાંબા સમયથી અટવાયેલી પડી છે. ત્યારે ટૂંક સમયમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં આ ચૂંટણીઓ વિધાનસભાના બજેટ સત્ર પહેલા પૂર્ણ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આગામી સપ્તાહમાં જાહેરાત થઈ શકે છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગેની મહત્વની બાબતો સામે આવી છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી હતી.
ગત સપ્તાહમાં મળેલી કેબિનેટની બેઠકમાં તમામ મંત્રીઓને સંબંધિત જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત સંભવત આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંભવત ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં યોજાઇ શકે છે. એટલે કે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત હાલના સંજોગોમાં પંચાયત, નગરપાલિકા અને જૂનાગઢ સહિતની અન્ય મહાપાલિકાઓની ચૂંટણીઓની આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ 73 નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ તેમજ જૂનાગઢ મનપા અને ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જૂનાગઢ મનપાની સામાન્ય તથા અન્ય મનપાઓની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરાયા બાદ હવે ટૂંક સમયમાં આખરી ફોટો મતદાર યાદી જાહેર થશે.
આ પણ વાંચો: વોટ આપતી વેળાનું ચિંતન