દલિત વિદ્યાર્થીને બળજબરીથી સિગરેટ પીવડાવી જૂતા પર નાક રગડાવ્યું

ધોરણ 10માં ભણતા એક દલિત વિદ્યાર્થીને ચાર યુવકોએ માર માર્યો, બળજબરીથી સિગરેટ પીવડાવી અને તેમના પગમાં નાક રગડીને માફી માગવા મજબૂર કર્યો.

દલિત વિદ્યાર્થીને બળજબરીથી સિગરેટ પીવડાવી જૂતા પર નાક રગડાવ્યું
image credit - Google images

હરિયાણાના રેવાડીના રોહરદાઈ પોલીસ સ્ટેશનના એક ગામમાં કેટલાક યુવકોએ ધોરણ 10માં ભણતા એક સગીર દલિત વિદ્યાર્થીને ખરાબ રીતે માર માર્યો છે. એટલું જ નહીં, આરોપી યુવકોએ દલિત કિશોરને બળજબરીથી સિગરેટ પીવડાવી હતી. લુખ્ખા તત્વોનું મન આટલેથી પણ ન ભરાતા તેમણે દલિત સગીરને તેમના પગમાં માથું રાખી નાક રગડીને માફી માંગવા મજબૂર કર્યો હતો. એ પછી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. દલિત વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો આ વીડિયો સામે આવ્યા બાદ તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર યુવકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

દલિત કિશોર મિત્ર પાસે પુસ્તક લેવા ગયો હતો

પોલીસને આપેલી ફરિયાદમાં દલિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે કે તેમનો પુત્ર 10મા ધોરણનો વિદ્યાર્થી છે. 24મી નવેમ્બરે બપોરે તે ગામમાં તેના મિત્ર પાસે પુસ્તક લેવા ગયો હતો. રસ્તામાં કેટલાક છોકરાઓએ તેને ચોકમાં રોક્યો અને બળજબરીથી મેદાનની અંદર લઈ ગયા. એ પછી તેની સાથે અમાનવીય વર્તન કરી અત્યાચાર ગુજારવામાં આવ્યો.

હુમલાખોર યુવકોએ કહ્યું - ચાલ હવે અમને 'પપ્પા' કહે!

વાયરલ થયેલા દલિત વિદ્યાર્થી પર હુમલાના વીડિયોમાં ચાર યુવકો તેને બળજબરીથી સિગરેટ પીવડાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જ્યારે દલિત કિશોર સિગારેટ પીવાની ના પાડે છે તો તેને ખૂબ મારવામાં આવે છે. હુમલાખોર છોકરાઓ કિશોરને તેમને પપ્પા કહેવા માટે કહે છે. આરોપી યુવકો આટલેથી અટકતા નથી. તેઓ દલિત વિદ્યાર્થીને તેમના પગમાં પડી, નાક રગડીને માફી માંગવા મજબૂર કરે છે. અંદાજે 10 મિનિટના આ વીડિયોમાં દલિત વિદ્યાર્થી પર ભારે માનસિક અને શારીરિક અત્યાચારો કરવામાં આવે છે અને તેના માનવગૌરવનો ભંગ કરવામાં આવે છે. આરોપીઓ તેને માર મારીને જાતિસૂચક ગાળો પણ ભાંડે છે.

વીડિયો વાયરલ થયા વિદ્યાર્થીના પિતાને ખ્યાલ આવ્યો

દલિત કિશોરના પિતાએ પોલીસને જણાવ્યું છે કે ઘટના બાદ તેમનો પુત્ર ઘરે આવીને ચૂપ રહ્યો હતો, તેણે કોઈને કંઈ કહ્યું નહોતું. પરંતુ સાંજે પડોશમાં રહેતા યુવકે તેમને આ વાયરલ વીડિયો બતાવ્યો. જેમાં ગામના કેટલાક યુવાનો તેમના પુત્રને મારતા જોવા મળે છે. જ્યારે તેમણે તેના પુત્રને આ વિશે પૂછ્યું ત્યારે તેણે તેની આપવીતી જણાવી હતી. દલિત કિશોરના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આરોપીઓએ લખ્યું છે કે, "હમ સે જો ટકરાયેગા, ઉસકા યહી હાલ હોગા"

આ મામલે રોહડાઈ પોલીસ સ્ટેશનના પ્રભારી ભગવતી પ્રસાદે જણાવ્યું હતું કે, જૂની અદાવતના કારણે દલિત વિદ્યાર્થી સાથે મારપીટની ફરિયાદ મળી છે. વીડિયોમાં કેટલાક યુવકો વિદ્યાર્થીને મારતા જોવા મળી રહ્યા છે. દલિત કિશોરના પિતાની ફરિયાદ પર ચાર યુવકો વિરુદ્ધ એસસી, એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પુખ્ત છે કે સગીર છે તેની તપાસ કરવામાં આવશે. એ પછી કાર્યવાહી કરવામાં આવશે. 

આરોપીઓના નામ જાતિ છુપાવાઈ

એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં થાય છે તેમ આ કેસમાં પણ મનુમીડિયાએ આરોપી યુવકોની જાતિ અને નામ છુપાવ્યા છે. આવું મોટાભાગના દલિત-આદિવાસી અત્યાચારના કેસોમાં થાય છે. તેના માટે જ જરૂરી છે કે, દલિતો-આદિવાસીઓનું પોતાનું મીડિયા પ્લેટફોર્મ મજબૂત બને.

આ પણ વાંચો: શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.