દલિત ડ્રાઈવર ભૂલથી માટલાને અડક્યો, એ પછી માલિકે જે કર્યું તે કલ્પના બહારનું હતું

દલિત ડ્રાઈવર ભૂલથી ટ્રક માલિકના માટલાને અડકી ગયો તો બેલ્ટ વડે નિર્દયાથી માર મારી અપહરણ કર્યું. એ પછી જે થયું તેની કોઈને કલ્પના નહોતી.

દલિત ડ્રાઈવર ભૂલથી માટલાને અડક્યો, એ પછી માલિકે જે કર્યું તે કલ્પના બહારનું હતું
image credit - Google images

રાજસ્થાનના ઝુંઝનુમાં એક દલિત ટ્રેક્ટર ડ્રાઇવરને ઈંટના ભઠ્ઠાના માલિકનું માટલું સ્પર્થવા બદલ નિર્દયતાથી માર મારવામાં આવ્યો. એ પછી આરોપીઓ ડ્રાઈવર અને તેના સાથીનું અપહરણ કરીને હરિયાણાના રેવાડી લઈ ગયા. જ્યાં બંનેના પરિવારો પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી અને પછી છોડ્યાં. આ મામલો ઝૂંઝનુના પચેરી કલાં પોલીસ સ્ટેશનમાં આવેલા મેઘપુર ઈંટ ભઠ્ઠાનો છે. આ ઘટના 18 જાન્યુઆરીની રાત્રે બની હતી અને પીડિત ચીમનલાલ મેઘવાલે રવિવાર 20 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. 

પચેરી કલાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે ડ્રાઇવરના શરીર પર ઈજાના નિશાન હતા. તેના સાથીને પણ માર મારવામાં આવ્યો હતો. બંનેની પચેરી સીએચસી (ઝુઝનું) ખાતે તબીબી તપાસ કરવામાં આવી છે.

દલિત ડ્રાઈવરે ફરિયાદમાં શું કહ્યું?

દલિત ડ્રાઈવરે રિપોર્ટમાં જણાવ્યું છે કે, “હું સિકર જિલ્લાના ખંડેલા વિસ્તારના કોટડી ગામનો રહેવાસી છું. બે દિવસ પહેલા, ૧૮ જાન્યુઆરીના રોજ હું ટ્રેક્ટર લઈને મેઘપુર (ઝુઝનું) માં વિનોદ યાદવના ઈંટના ભઠ્ઠામાં ઈંટો લેવા ગયો હતો. ટ્રેક્ટર લોડ કર્યા પછી પૈસા વિનોદના એકાઉન્ટન્ટને આપવામાં આવ્યા. એ પછી, જ્યારે તે માટલામાંથી પાણી પીવા ગયો ત્યારે ભઠ્ઠા માલિક વિનોદ યાદવ ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ મને લાત મારી. એ પછી વિનોદ, મુનીમ, બલરાજ અને અન્ય એક વ્યક્તિ મને કારમાં બેસાડીને રેવાડી (હરિયાણા) લઈ ગયા. ત્યાં તેમણે આખી રાત મને માર્યો. રાત્રે ઓનલાઈન પૈસા મંગાવ્યા. એ પછી, ૧૯ જાન્યુઆરીની સવારે ભઠ્ઠામાં ફરી મને ભઠ્ઠા પર લઈ આવ્યા અને એક રૂમમાં બંધ કરી દીધો.

સાથી ડ્રાઈવરને પણ થપ્પડ મારી

પીડિત ચીમનલાલના સાથી ડ્રાઇવર પરમેશ્વરે કહ્યું કે મેં આરોપીને માર મારતા અટકાવવાનો પ્રયાસ કર્યો. મેં તેને કહ્યું કે મેં હું એક માટલાને અડ્યો છું, હું તેની સામે તમને પાંચ માટલાં લાવી આપીશ. તો તેઓ મને પણ મારવા લાગ્યા અને મને ખેતરમાં બનેલા રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો. એ પછી, તેઓ અમારા પરિચિતોને ફોન કરીને એક લાખ રૂપિયાની ખંડણી માંગવા લાગ્યા. રાત્રે ફોનપે દ્વારા 20 હજાર રૂપિયા આપ્યા. એ પછી સવારે બાકીની રકમ ચૂકવી દેવાની શરતે તેઓ સવારે 4 વાગ્યે મને ભઠ્ઠા પર પાછો લાવ્યા.

ટ્રેક્ટર ટ્રોલી ખાલી કરાવી દેવામાં આવી અને સવારે ૬ વાગ્યે મારો ભાઈ રામેશ્વર એક લાખ રૂપિયા લઈને આવ્યો અને ભઠ્ઠાના માલિકને આપી દીધા. એ પછી મને છોડ્યો. એ દરમિયાન ચીમનલાલ પણ ત્યાંથી ભાગી ગયો.

બેલ્ટથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો

ટ્રેક્ટર માલિક બલદેવ મીણાએ આ બાબતે જણાવ્યું કે હતું કે, મને રાત્રે 2 વાગ્યે (19 જાન્યુઆરી) ફોન આવ્યો અને 1 લાખ 12 હજાર રૂપિયા લાવવાનું કહેવામાં આવ્યું. મારા ફક્ત ૧૬,૯૦૦ રૂપિયા બાકી હતા. ચીમનલાલના ફોન પરથી ભઠ્ઠા માલિકનો ફોન આવ્યો અને મને ચીમનલાલના ચીસો પાડવાનો અને બૂમો પાડવાનો અવાજ પણ સંભળાયો. બેલ્ટથી માર મારવામાં આવ્યો હોવાથી તેની આખી પીઠ લાલ થઈ ગઈ હતી. બુહાના ડીએસપી નોપારામ ભાકરે કહ્યું - માટલામાંથી પાણી પીતી વખતે મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. અન્ય ડ્રાઇવરોને કેમ માર મારવામાં આવ્યો તે તપાસનો વિષય છે. પીડિત દલિત ડ્રાઈવરની પૂછપરછ થઈ શકી નહીં. તે સારવાર માટે ગયો હતો. તેની પૂછપરછ અને તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.