જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું
રાશનની દુકાનમાં વજન તોલવાનું કામ કરતા એક દલિત યુવકને લાકડીઓ-દંડાથી માર મારી જાતિવાદી તત્વોએ મટનનું ઉકળતું પાણી રેડી દીધું હતું.
ગાય, ગોબર, ગૌમૂત્રની સાથે ધર્માંધ અને જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ખતરનાક ઘટના બની છે. અહીં બાંદા જિલ્લામાં એક દલિત વ્યક્તિને જાતિવાદી તત્વોએ લાકડી-દંડાથી ઢોર માર માર્યા બાદ તેના પર ઉકળતું પાણી રેડી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી દલિત વ્યક્તિ હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. પીડિતની પત્નીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ડીએસપીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને કડકમાં કડક સજા થાય તેવા પગલાં લેવા વિનંતી કરી છે.
ઘટના અતર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લાન ગામની છે. અહીના રહેવાસી રમેશની પત્ની નથુનિયાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પતિ પડોશમાં આવેલી રાશનની દુકાનમાં કામ કરે છે. પાંચ દિવસ પહેલા રમેશને વજન તોલવા માટે બાજુમાં આવેલા લિવા ગામે લઈ ગયા હતા. અહીં વજન તોળાઈ રહ્યા બાદ દુકાનદારનો ભાઈ તેને બીજા ઘરે લઈ ગયો હતો.
અહીં કેટલાક માથાભારે તત્વો મટન બનાવતા હતા. એ દરમિયાન અમુક લોકોએ રમેશને તોલ ઓછો થતો હોવાનું કહીને ગાળાગાળી કરી હતી. જેને લઈને રમેશે કહ્યું કે, વજન તોલવાનો કાંટો મારો નથી, તમને કંઈક વાંધો હોય તો તેના માલિક સાથે વાત કરો.
આટલું સાંભળતા જ જાતિવાદી તત્વો રમેશને જાતિસૂચક ગાળો ભાંડવા લાગ્યા હતા. રમેશે તેની સામે વિરોધ નોંધાવ્યો તો લાકડીઓ અને દંડા લઈને તેને મારવા લાગ્યા હતા. જેમાં રમેશના શરીર પર અનેક જગ્યાએ ઈજા પહોંચી હતી.
જો કે વાત આટલેથી અટકતી નથી. જાતિવાદી તત્વોએ રમેશના માથે મટનનું ઉકળતું પાણી રેડી દીધું હતું. જેના કારણે તે ભયંકર રીતે દાઝી ગયો હતો. હાલ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
અતર્રા પોલીસ સ્ટેશનના પ્રભારી કુલદીપ તિવારીના જણાવ્યા પ્રમાણે આ ઘટના 8 ઓક્ટોબરે બની હતી. રમેશની પત્નીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. એસસી-એસટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને સીઓ તપાસ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ દલિત મજૂરે મજૂરીના પૈસા માંગ્યા તો જાતિવાદી પિતા-પુત્રે તેના મોં પર થૂંકીને માથે પેશાબ કર્યો