ભારતનું માંસ ઉત્પાદન 5% વધીને 1.02 કરોડ ટન સુધી પહોંચી ગયું
નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે.

છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. 2023-24 દરમિયાન દેશમાં માંસનું કુલ ઉત્પાદન 10.2 મિલિયન ટન રહેવાનો અંદાજ છે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. 2014-15માં 66.9 લાખ ટનના અંદાજની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 4.85 ટકાનો વધારો નોંધાયો છે. વધુમાં, 2022-23ની સરખામણીમાં 2023-24માં ઉત્પાદનમાં 4.95 ટકાનો વધારો થયો છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે. તે પછી ઉત્તર પ્રદેશ (12.29 ટકા), મહારાષ્ટ્ર (11.28 ટકા), તેલંગાણા (10.85 ટકા) અને આંધ્રપ્રદેશ (10.41 ટકા) આવે છે. વાર્ષિક વૃદ્ધિ દરના સંદર્ભમાં, સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર (એજીઆર) આસામમાં (17.93 ટકા) નોંધવામાં આવ્યો છે. તે પછી ઉત્તરાખંડ (15.63 ટકા) અને છત્તીસગઢ (11.70 ટકા) આવે છે.
ઇંડાના ઉત્પાદનમાં આંધ્ર પ્રદેશ મોખરે
ઉપલબ્ધ ડેટા અનુસાર 2023-24 દરમિયાન દેશનું કુલ ઇંડા ઉત્પાદન 142.77 અબજ હોવાનો અંદાજ છે અને 2014-15 દરમિયાન 78.48 અબજના અંદાજની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 6.8 ટકા વૃદ્ધિ નોંધાવી છે. વધુમાં, પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 2023-24 દરમિયાન ઉત્પાદનમાં 3.18 ટકાનો વધારો થયો છે. ઇંડાના કુલ ઉત્પાદનમાં મોટો ફાળો આંધ્રપ્રદેશનો છે, જેનો કુલ ઈંડા ઉત્પાદનમાં હિસ્સો 17.85 ટકા છે. આ પછી તમિલનાડુ (15.64 ટકા), તેલંગાણા (12.88 ટકા), પશ્ચિમ બંગાળ (11.37 ટકા) અને કર્ણાટક (6.63 ટકા) આવે છે.
ઊનના ઉત્પાદનમાં રાજસ્થાનનો હિસ્સો સૌથી વધુ
ઉનના ઉત્પાદનમાં એજીઆરની દ્રષ્ટિએ સૌથી વધુ વૃદ્ધિ દર લદ્દાખ (75.88 ટકા)માં નોંધાયો હતો, ત્યારબાદ મણિપુર (33.84 ટકા) અને ઉત્તર પ્રદેશ (29.88 ટકા)નો નંબર આવે છે. ડેટા અનુસાર, 2023-24 દરમિયાન કુલ ઊનનું ઉત્પાદન 3.36 કરોડ કિલો થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 0.22 ટકાનો નજીવો વધારો છે. કુલ ઊનના ઉત્પાદનમાં રાજસ્થાનનો મોટો ફાળો છે, જેનો હિસ્સો 47.53 ટકા છે. એ પછી જમ્મુ અને કાશ્મીર (23.06 ટકા), ગુજરાત (6.18 ટકા), મહારાષ્ટ્ર (4.75 ટકા) અને હિમાચલ પ્રદેશ (4.22 ટકા) આવે છે.
આ પણ વાંચો: સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી