જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દલિત યુવકનો મૃતદેહ 8 કલાક સુધી રઝળ્યો
તાલાલાના દલિત યુવાનને અગાશી પરથી પટકાતા સિવિલમાં દાખલ કરાયો હતો, પણ ડોક્ટરોની બેદરકારીને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો?
ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો દ્વારા યોગ્ય સારવારના અભાવે દર્દીનું મોત થઈ જવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યાં છે. આવો વધુ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. અહીં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા તાલાલાના દલિત યુવકની સારવારમાં ફરજ પરના ડોક્ટરોએ બેદરકારી દાખવતા તેનું મોત થઈ ગયું હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે. આ મામલે હવે પરિવારજનોએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી છે.
બીજી તરફ ઘટનાની જાણ થતા દલિત સમાજના જાગૃત નાગરિકો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને પરિવારની પડખે ઉભા રહ્યા હતા. એક તબક્કે હોસ્પિટલમાં ધાંધલ ધમાલ થાય તેવી શક્યતા ઉભી થઈ હતી. જો કે સમાજના લોકોએ સમગ્ર મામલો શાંતિથી થાળે પાડ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જો કે, ડોક્ટરો અને હોસ્પિટલની બેદરકારીને કારણે મૃતદેહ 8 કલાક સુધી રઝળતો રહેવાથી મૃતકના પરિવારજનો સહિત સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
ઘટના શું હતી?
સમગ્ર બનાવની પ્રાપ્ત વિiતો મુજબ તાલાલામાં પીપળવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ કાળાભાઈ કાથડ (ઉ.વ.38) ગત તા. 1 નવેમ્બરની રાત્રે નવ વાગ્યા આસપાસ તેમના ઘરની અગાશી પરથી અકસ્માતે ગબડી પડ્યા હતા. પ્રકાશભાઈને બેભાન હાલતમાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા. 4ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
તબીબોએ સારવારમાં બેદરકારી દાખવ્યાનો આક્ષેપ
અકસ્માત બાદ પ્રકાશભાઈને પહેલા તાલાલાની સિવિલ હોસ્પિટલ અને બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે, દાખલ કર્યાના બે દિવસ સુધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમની યોગ્ય સારવાર કરી નહોતી. ફરજ પરના ડોક્ટરોએ પ્રકાશભાઈનું સીટીસ્કેન ન કરતા તેમનું મોત થઈ ગયું હતું. પ્રકાશભાઈના પરિવારજનોએ રોષ પ્રદર્શિત કરતા હોસ્પિટલે દલિત સમાજના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં.
પોલીસ-આરએમઓએ મામલો થાળે પાડ્યો
પ્રકાશભાઈનું મોત તબીબોની બેદરકારીના કારણે થયું હોવાના તેમના પરિવારજનોના આક્ષેપ બાજ સમગ્ર જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી જાગૃત દલિત સમાજ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. એક તબક્કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે તેવી સ્થિતિ હતી. એ દરમિયાન પ્રદ્યુમન નગર પોલીસના પીઆઈ ભાર્ગવ જણકાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. એ પછી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. દુસરાનને સાથે રાખી સમગ્ર મામલો જાણી પ્રકાશભાઈના પરિવારજનોને સાંત્વના પાઠવી ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જો કે, એ દરમિયાન 8 કલાક સુધી મૃતદેહ રઝળ્યો હોવાથી પરિવારજનોમાં સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું