“તમારા જેવા લોકોને કામે કોણ રાખે?” મોરબીમાં જાતિવાદીઓએ દલિત યુવકને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવ્યું

મોરબીમાં રાણીબા નામની યુવતીએ તેની કંપનીમાં કામ કરતા યુવકને સાગરિતો સાથે મળીને ઢોર માર મારી પોતાનું પગરખું મોંમાં લેવડાવ્યું.

“તમારા જેવા લોકોને કામે કોણ રાખે?” મોરબીમાં જાતિવાદીઓએ દલિત યુવકને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવ્યું
File Photos

મોરબીમાં જાતિવાદની એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી એક યુવતીએ પોતાની કંપનીમાં માર્કેટિંગનું કામ કરતા એક દલિત યુવકે 16 દિવસનો બાકી પગાર માંગતા તેના ભાઈ સહિતના સાગરિતોએ મળીને યુવકને જાતિસૂચક ગાળો બોલી, ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી તેનો વીડિયો ઉતારી યુવકને પોતાનું પગરખું મોંઢામાં લેવડાવી માફી મગાવી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે.


ચકચારી આ કેસની વિગતો મુજબ ફરિયાદી નિલેશ દલસાણીયા મોરબીના ભડિયાદ રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિલેશ તા.2 ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરીએ રહ્યો હતો. બાદમાં તા.18ના રોજ તેને નોકરીએ નહીં આવવા કહેવાયું હતું અને તેને પગાર પણ ચૂકવવામાં આવ્યો નહોતો. આથી તા.6 નવેમ્બરના રોજ તેણે આરોપી વિભૂતિ પટેલને ફોન કરીને પગાર માટે પૂછતાં વિભૂતિએ ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો.

એ પછી નિલેશે વિભૂતિ પટેલના ભાઈ ઓમ સાથે પગાર બાબતે વાત કરતા તેણે 3 દિવસ બહાર હોવાનું કહી આવું ત્યારે પગાર લેવા બોલાવીશ તેમ કહેતા નિલેશ તેના ભાઈ અને પાડોશી સાથે ઓફિસ ગયો હતો. જ્યાં આરોપી ડી.ડી. રબારીએ નિલેશની સાથે રહેલા યુવાનને થપ્પડ મારી ત્યાંથી નીકળી જવા કહ્યું હતું. એ પછી અન્ય આરોપીઓ ઓમ પ્રકાશ, રાજ પટેલ મેનેજર પરીક્ષિત સહિતના લોકોએ નિલેશને ઓફિસની છત પર લઈ ગયા હતા. જ્યાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના આરોપીઓએ તેને પટ્ટા અને ઢીંકાપાટુ માર્યા હતા. એ પછી આરોપી વિભૂતિ પટેલે નિલેશને પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી “તમારા જેવા લોકોને કામે કોણ રાખે?” તેમ કહીને આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને ખંડણી ઉઘરાવતો હોવાનો વીડિયો ઉતારી નિલેશને જાતિસૂચક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત 12 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસી કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ફરિયાદ નિલેશને ઢોર મારને કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગળ વાંચોઃ "તું નીચી જાતિની છે, હવે લગ્ન નથી કરવા" - રાજકોટમાં 6 વર્ષ લિવ ઈનમાં રહ્યાં બાદ અંકિત અગ્રાવતે પોત પ્રકાશ્યું, દલિત યુવતીએ એસિડ પીધું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.