જાતિવાદીઓને જવાબઃ ભાવનગરના જાળીયામાં પિતાએ દીકરીને ઘોડી પર બેસાડી ફુલેકું કાઢ્યું, ગામમાં 3 કલાક ફેરવી
ગુજરાતમાં લગ્નની સિઝન દરમિયાન જાતિવાદી તત્વો બેફામ બની જાય છે. આ વર્ષે અનુસૂચિત જાતિ સમાજના 16 જેટલા લગ્નોમાં જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. હાલમાં જ ગાંધીનગરના ચડાસણા ગામે દલિત વરરાજાને જાતિવાદીઓએ લાફો મારીને ઘોડી પરથી ઉતારી મૂક્યા હતા. આ ઘટનાનો જાણે જડબાતોડ જવાબ વાળતી હોય એવી એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. શું છે આખો મામલો, વાંચો આ રિપોર્ટ.
ગુજરાતમાં એકબાજુ લગ્નની સિઝનમાં દર વર્ષે અનુસૂચિત જાતિ સમાજના લગ્નોમાં વરઘોડા, જાનમાં ડી.જે. વગાડવા કે વરરાજાને ઘોડી પર બેસાડવા જેવી બાબતે જાતિવાદી તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ વધી છે. એટ્રોસિટીનો કાયદો અસ્તિત્વમાં હોવા છતા લુખ્ખા તત્વો અનસૂચિત જાતિ સમાજના લગ્નોમાં નજીવી બાબતે હુમલો કરતા હોય છે. ચાલુ વર્ષે ગુજરાતમાં આ પ્રકારની 16 જેટલી ઘટનાઓ બની છે. ત્યારે જાતિવાદીઓને જડબાતોડ જવાબ આપતી એક ઘટના ભાવનગર જિલ્લામાંથી સામે આવી છે. અહીંના એક નાનકડા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના એક પિતાએ પોતાની દીકરીને ઘોડી પર બેસાડી, ડી.જે. પાર્ટી સાથે, ડૉ. આંબેડકર સહિતના બહુજન મહાનુભાવોના ગીતો વગાડીને ગામના મુખ્યમાર્ગો પર ફૂલેકું ફેરવ્યું હતું. એ રીતે તેમણે જાતિવાદી તત્વોને જડબાતોડ જવાબ આપી દીધો હતો.
વાત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામની છે. અહીં અનુસૂચિત જાતિ સમાજના પ્રવિણભાઈ ડાયાભાઈ રાઠોડે તેમની દીકરી વર્ષાના લગ્નપ્રસંગે તા. 17 ફેબ્રુઆરી 2024ના રોજ તેને ઘોડી પર બેસાડી, ડો. આંબેડકરનો ફોટો હાથમાં આપી, જય ભીમના નારા સાથે ગામના મુખ્યમાર્ગો પર સતત ત્રણ કલાલ સુધી ફૂલેકું ફેરવ્યું હતું. જાળીયા ગામના ઈતિહાસમાં આજ સુધી અનુસૂચિત જાતિ સમાજની કોઈ દીકરીનું આ રીતે ફૂલેકું નથી નીકળ્યું. ત્રણ કલાક સુધી ગામના મુખ્ય માર્ગો પર ફરેલા આ ફૂલેકાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
.વીડિયોમાં જોઈ શકાય છે કે, દીકરી વર્ષા હાથમાં ડો. આંબેડકરનો ફોટો લઈને ખુલ્લી જીપમાં ઉભી રહીને નાચી રહી છે. અન્ય એક વીડિયોમાં તે ઘોડી પર બેસીને બહુજન નાયકોના ગીતોના તાલે ઝૂમી રહી છે. તેની પાછળ પણ ગાડીઓ અને પરિવારજનોનો મોટો કાફલો દેખાય છે. આમ તેના પિતા પ્રવિણભાઈ રાઠોડે આડકતરી રીતે ગુજરાતભરમાં બેફામ થઈ ગયેલા જાતિવાદી તત્વોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
જાળીયામાં અગાઉ અનેક વિવાદો-ફરિયાદો થઈ છે
ભાવનગર જિલ્લો જાતિવાદને લઈને અનેક વખત છાપે ચડી ચૂક્યો છે. અહીં અનેક નાનામોટા પ્રસંગોએ અનુસૂચિત જાતિ સમાજ પર અત્યાચારની ઘટનાઓ બને છે. અગાઉ આ ગામમાં જમીનને લઈને દલિતો અને કથિત સવર્ણો વચ્ચે ફરિયાદો પણ થઈ છે. એક સમયે આખું ગામ દલિત સમાજની વિરુદ્ધ હતું. આવા ભૂતકાળ છતા પ્રવિણભાઈ રાઠોડે દીકરીને ઘોડીએ બેસાડીને ગામના મુખ્યમાર્ગો પર ફૂલેકું ફેરવ્યું હતું.
ગામમાં પ્રવિણભાઈના પરિવારનું એક જ ઘર છે
તમને જાણીને આશ્ચર્ય થશે કે દીકરીને ઘોડીએ ચડાવીને ફૂલેકું ફેરવનાર પ્રવિણભાઈ રાઠોડના પરિવારનું જાળીયા ગામમાં ફક્ત એક જ ઘર છે. તેમ છતાં તેમણે આટલી હિંમત કરી હતી અને ગામમાં આજ દિન સુધી જે નથી બન્યું તેવું રાજ ઠાઠથી દીકરીને દીકરો માનીને ફૂલેકું કાઢ્યું હતું. તેમણે ગામના મુખ્યમાર્ગો પરથી પસાર થતી વખતે બાબાસાહેબના ગીતો પણ વગાડ્યા હતા. સાથે જ દીકરી વર્ષાને ખુલ્લી જીપમાં અને પછી ઘોડી પર બેસાડીને સૂટ-બૂટ, સાફા અને તલવાર સાથે ડૉ. આંબેડકરના ફોટા સાથે ડી.જે.ના તાલે ગામના મુખ્યમાર્ગો પર ત્રણ કલાક સુધી ફુલેકું કાઢીને ફેરવી હતી.
આ બાબતે વધુ જાણકારી આપતા દીકરી વર્ષાના કાકા પરેશભાઈ રાઠોડ ખબરઅંતર.કોમને જણાવે છે કે, “ગુજરાતભરમાં લગ્નની સિઝન દરમિયાન જાતિવાદી તત્વો બેફામ બની જાય છે. મનુવાદના નશામાં ચૂર આ તત્વો અનુસૂચિત જાતિ સમાજના દીકરા-દીકરીઓના લગ્નમાં વિક્ષેપ ઉભો કરે છે. હમણાં ઉત્તર ગુજરાતમાં આવા એકથી વધુ પ્રસંગો બન્યા છે. ચડાસણા ગામમાં તો જાતિવાદીઓએ વરરાજાને લાફો મારી દીધો હતો. આવા તત્વોને જડબાતોડ જવાબ આપતા મારા મોટાભાઈ પ્રવિણ રાઠોડે દીકરી વર્ષાને ઘોડી પર બેસાડીને આખા ગામમાં ફૂલેકું ફેરવ્યું હતું. અમારા ગામમાં અગાઉ જમીન બાબતે કથિત સવર્ણો સાથે વિવાદો અને ફરિયાદો પણ થઈ છે. તેમ છતાં ગામના ઈતિહાસમાં પહેલીવાર અમે દીકરીનો વરઘોડો કાઢ્યો હતો.”
ઉલ્લેખનીય છે કે દીકરી વર્ષાના પિતા પ્રવિણભાઈ રાઠોડ ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર તરીકે દોઢ દાયકાથી વધુ સમય સુધી કામ કરી ચૂક્યા છે. હાલ પણ તેઓ સ્થાનિક સ્તરે પોતાના સંગઠન થકી દલિત સમાજને એક કરવા માટે કામ કરી રહ્યા છે. ગામમાં તેમનું ફક્ત એક જ ઘર છે, અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના માંડ 10 ઘરો છે. તેમ છતાં તેમણે કોઈની પરવા કર્યા વિના બંધારણીય હકો પર જાતિવાદી તત્વો દ્વારા પડતી તરાપને ખાળવા માટે દીકરીને ઘોડે ચડાવીને જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી હતી.
આ પણ વાંચો : અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.