દિલ્હીમાં AAP-BJP નો જાતિવાદ દલિત મેયરના 7 મહિના ખાઈ ગયો
દિલ્હીમાં આજે દલિત મેયર માટે ચૂંટણી યોજાવાની છે. પણ આપ-ભાજપના જાતિવાદને કારણે દલિત મેયરનો કાર્યકાળ 12 મહિનાને બદલે માત્ર 5 મહિના જ રહેશે.

આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવ્યા બાદ આજે દિલ્હી (Delhi) MCDમાં ત્રીજા મેયરની ચૂંટણી (Mayoral elections) યોજાવા જઈ રહી છે. MCD હાઉસની બેઠક આજે બપોરે 2 વાગ્યે યોજાશે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપના કાઉન્સિલર સત્યા શર્મા (BJP Councilor Satya Sharma) મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાથ ધરશે. MCDના એડમિનિસ્ટ્રેટર એલજી હોય છે, તેમણે સત્યાની નિમણૂંક કરી છે. સિનિયર મોસ્ટ કાઉન્સિલર હોવાના કારણે સત્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
AAPએ વર્ષ 2023માં સત્યાની નિમણૂકનો વિરોધ કર્યો હતો
ડિસેમ્બર 2022 અને 2023માં પહેલીવાર મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર બનવા પર પહેલા એલ્ડરમેનો અને બાદમાં ચૂંટાયેલા કાઉન્સિલરોના શપથ લેવાને લઈને MCD હાઉસમાં ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ઘણી બેઠકો પછી પણ મેયરની ચૂંટણી શક્ય બની ન હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાઉન્સિલર હોવાને કારણે સત્યા શર્માએ ઘણાં એવા પગલાં લીધાં જે ગેરબંધારણીય હતા પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.
પાર્ટી દ્વારા કાઉન્સિલરોને આપવામાં આવેલા આદેશો
સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ તમામ કાઉન્સિલરોને પ્રિસાઇડિંગ ઓફિસરના આદેશનું પાલન કરીને ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે મનીષ સિસોદિયા ઉપરાંત સંજય સિંહ, કોર્પોરેશનના પ્રભારી દુર્ગેશ પાઠકે વિજયનો મંત્ર આપ્યો હતો. જેનો એજન્ડા મેયરની ચૂંટણી જીતવાનો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગૃહમાં મતદાન સમયે મોબાઈલ ફોન સાથે લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતિના સભ્યની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા માર્ગદર્શિકાનો વિરોધ કરવામાં આવ્યો હતો. એમસીડીના 249 કાઉન્સિલરો ઉપરાંત 14 ધારાસભ્યો, દિલ્હીથી લોકસભાના સાત સાંસદો અને રાજ્યસભાના ત્રણ સાંસદો પણ મેયરની ચૂંટણીમાં ભાગ લેશે, પરંતુ તેમને ગૃહમાં મોબાઈલ ફોન સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. આ સંદર્ભમાં MCDએ તમામ કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોને માહિતી મોકલી છે.
આ છે મેયર પદના ઉમેદવારો
AAPએ દેવ નગરના વોર્ડ 84માંથી અનુસૂચિત જાતિના કાઉન્સિલર મહેશ ખીંચીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે શકૂરપુરથી કિશન લાલને મેયર પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. AAP એ અમન વિહારના કાઉન્સિલર રવિન્દર ભારદ્વાજને ડેપ્યુટી મેયર માટે નોમિનેટ કર્યા છે. આ પદ માટે ભાજપે સાદતપુરથી નીતા બિષ્ટને મેદાનમાં ઉતાર્યા છે.
મેયર તરીકે ચૂંટાયા બાદ વર્તમાન મેયર શૈલી ઓબેરોય પૂર્વ મેયર બની જશે. નવા મેયરની ચૂંટણી એપ્રિલ 2024થી અટકી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિનિયમ કહે છે કે નવા મેયરની ચૂંટણીની તારીખ અને સમય મેયર દ્વારા નક્કી કરવામાં આવે છે અને ચૂંટણી યોજવા માટેના પ્રિસાઇડિંગ ઓફિસર દિલ્હીના એલજી દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને AAP બંને પોતાનો મેયર ઈચ્છે છે જેથી તેઓ ઉત્સાહ સાથે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
મેયરની ચૂંટણીના નિયમો શું કહે છે?
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાયદો મેયરની ચૂંટણી મુદ્દે સ્પષ્ટ કહે છે કે, દર વર્ષે એપ્રિલમાં મેયરની ચૂંટણી યોજાવી જોઈએ. જ્યારે ડિસેમ્બર 2022 માં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે AAPએ 134 બેઠકો જીતી હતી. એ પછી AAP કાઉન્સિલર ડૉ. શૈલી ઓબેરોય ફેબ્રુઆરી 2023માં મેયર બન્યા. જ્યારે નાણાકીય વર્ષ પૂરું થયું ત્યારે એપ્રિલ 2023 માં યોજાયેલી મેયરની ચૂંટણીમાં શૈલી ઓબેરોય ફરીથી મેયર તરીકે ચૂંટાયા હતા.
દલિત મેયર બનાવવાના આવ્યા ત્યાં જાતિવાદ શરૂ થયો
દલિતોને મહત્વના પદોથી દૂર રાખવા માટે સવર્ણ જાતિવાદી પક્ષો એક થઈ જતા હોય છે એવું સૌ કહે છે. પણ તેનું મોટું ઉદાહરણ દિલ્હીમાં દલિત મેયર વખતે જોવા મળ્યું. એપ્રિલ 2024માં કાયદા મુજબ દલિત મેયર બનાવવાના આવ્યા ત્યારે બધાંને પેટમાં દુખવા લાગ્યું અને આપ-ભાજપે મળીને રાજકારણ રમવાનું શરૂ કરી દીધું અને આખો મામલો ઘોંચમાં નાખી દીધો. પરિણામે 7 મહિના સુધી મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. MCD એક્ટ મુજબ, મેયરના પદ પર પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે, બીજું જનરલ માટે અને ત્રીજું વર્ષ અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે. આ સિવાય બાકીના બે વર્ષ જનરલ માટે હોય છે. મતલબ પાંચ વર્ષના કાર્યકાળમાં ત્રણ વર્ષ જનરલ માટે હોય છે. MCD એક્ટ મુજબ મેયરની ચૂંટણી દર વર્ષે એપ્રિલમાં યોજાય છે. દર 5 વર્ષે, પાંચ અલગ-અલગ લોકોને દર એક વર્ષ માટે મેયર બનવાની તક મળે છે.
નવા મેયરનો કાર્યકાળ માત્ર 5 મહિનાનો રહેશે.
આ વખતે બંને પક્ષો વચ્ચેની ખેંચતાણના કારણે નવા મેયરનો કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો રહેશે. AAP અને BJP વચ્ચેના સાત મહિનાના લાંબા સંઘર્ષને કારણે MCD હાઉસમાં વારંવાર વિક્ષેપો સર્જાયો અને એપ્રિલમાં યોજાનારી ચૂંટણીમાં વિલંબ થયો. દલિતોએ સમજવાનું એ છે કે, આ રાજકારણ દલિત મેયર ન બની જાય તે માટેનું હતું અને તેમાં ભાજપ-આપની મિલીભગત હતી.
આ રીતે દલિત મેયર ન બનાવી વર્તમાન સવર્ણ મેટરને એક્ટેન્શન આપ્યું
એપ્રિલ 2024 માં મેયરની ચૂંટણી સમયે, ભાજપ અને AAPએ ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરવા માટેની ફાઇલ પર મુખ્યમંત્રીની ભલામણ ન હોવાનું કહીને પરત કરવામાં આવી હતી. નવા મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયરને હોદ્દા પર રહેવા જણાવાયું હતું. તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તે સમયે જેલમાં હતા, તેથી તેઓ ભલામણ કરી શક્યા ન હતા. ત્યારથી એપ્રિલ 2024ની મેયરની ચૂંટણી બાકી છે. એ રીતે એક દલિત મેયરના કાર્યકાળના મહત્વના 7 મહિના જાતિવાદી પક્ષો ચાંઉ કરી ગયા હતા. હવે 5 મહિના માટે દલિતને મેયર બનાવવા ચૂંટણી યોજાઈ રહી છે. હવે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે અને દલિત મેયર તેમની મરજી વિરુદ્ધ કશું કામ કરી શકશે નહીં તે સ્પષ્ટ છે.
આ પણ વાંચો: દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે