પોલીસે દલિત યુવકના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી કરંટ આપ્યો?
યુવક સીએમ કાર્યાલયની પોતાની અરજી પરત ખેંચવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં તેના પર આ ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું તે કહે છે.
એકબાજુ મધ્યપ્રદેશના ડીજીપી તરીકે પહેલીવાર એક વાલ્મિકી દલિત બહુજન સમાજની વ્યક્તિ પદભાર સંભાળી ચૂકી છે. બીજી તરફ એજ મધ્યપ્રદેશમાં પોલીસ પર એક દલિત યુવક પર અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકે પોલીસ પર તેના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ રેડીને ત્યાં ઈલેક્ટ્રીક શોક આપવાનો અને પેશાબ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે. સામે આ તમામ આરોપોને ખોટા ગણાવતા પોલીસે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને જણાવ્યું છે કે, આવી કોઈ ઘટના બની નથી. મોકો જોઈને વિપક્ષ કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
મધ્યપ્રદેશના રાજગઢની ઘટના
ઘટના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા દીપક માલવિયા નામના યુવકે પોલીસ પર અમાનવીય અત્યાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. દીપકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને તેની સાથે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું હતું.
યુવકના કહેવા પ્રમાણે, પોલીસે તેને પાણીની ટાંકીમાં ડુબાડ્યો અને પછી વીજ કરંટ આપ્યો. એટલું જ નહીં, તેના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ રેડ્યું અને ત્યાં પણ કરંટ આપ્યો. યુવકે એવો પણ આરોપ લગાવ્યો કે એક પોલીસકર્મીએ તેના મોં પર પેશાબ કર્યો, જેના કારણે તેના કપડાં ભીના થઈ ગયા.
યુવકે વીડિયોમાં રડતાં રડતાં કહ્યું હતું કે, તે માત્ર મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણની પોતાની ફરિયાદ બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશને ગયો હતો, પરંતુ તેની સાથે આ રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના દલિતો પરના અત્યાચારની જમીની વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને રાજ્ય સરકારની દલિત વિરોધી માનસિકતાનું પ્રતિક છે.
પોલીસે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને ઘટનાને નકારી
દીપકના આરોપો પર રાજગઢ જિલ્લાના નરસિંહગઢ એસડીઓપી ઉપેન્દ્ર સિંહ ભાટીએ જવાબ આપતા સમગ્ર મામલાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું કે બોડા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ઘટના બની નથી. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં 12-13 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના ફૂટેજની તપાસ કરવામાં આવી છે. આ ફૂટેજમાં ક્યાંય પણ દીપક સાથે મારપીટ કે અમાનવીય વર્તનની કોઈ પુષ્ટિ નથી. ભાટીએ યુવકના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે કહ્યું, “અમારી પાસે CCTV ફૂટેજ છે, જે સત્ય સાબિત કરે છે. સમગ્ર જિલ્લામાં આવી કોઈ ઘટના બની નથી."
યુવકનું નિવેદન અને વીડિયો વાયરલ
આ તરફ પીડિત યુવક દીપકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જણાવ્યું હતું કે તે ઝાડ પીપલિયા ગામનો રહેવાસી છે. પોલીસે તેને બપોરે 12:30 વાગ્યાથી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. સાંજે, પોલીસકર્મીઓ તેને એક રૂમમાં લઈ ગયા અને તેના પર અમાનવીય ત્રાસ ગુજાર્યો. દીપકે એમ પણ કહ્યું કે તેણે પોતાના ભીના કપડા સાચવીને રાખ્યા છે, જે ઘટનાના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. વીડિયોમાં તેણે 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા અને દલિત સમાજને મદદ માટે અપીલ કરી હતી.
વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા
આ મામલાએ રાજકીય રંગ લીધો છે. ભાજપ સરકારને ભીંસમાં મૂકતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે અને સરકાર સંપૂર્ણ સંવેદનહીન બની ગઈ છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે જો દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે સરકારની દલિત વિરોધી માનસિકતાનો પુરાવો હશે.
લોકોમાં પોલીસ સામે ભારે રોષ
યુવકના આક્ષેપ બાદ આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. શું ખરેખર પોલીસ આટલી ક્રૂર હોઈ શકે કે પછી આ મામલો કોઈ અંગત અદાવતનું પરિણામ છે તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ સરકાર પાસે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
સાચું કે ખોટું?
આખો મામલો હવે સાચા અને ખોટા વચ્ચે ફસાઈ ગયો છે. પોલીસ CCTV ફૂટેજના આધારે પોતાનો ખુલાસો કરી રહી છે, જ્યારે યુવક પોતાના નિવેદન પર અડગ છે. આવા સંજોગોમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની જરૂર છે, જેથી સત્ય બહાર લાવી શકાય અને ગુનેગારોને સજા મળી શકે, પછી તે પોલીસ હોય કે જુઠ્ઠા આક્ષેપો કરનાર યુવક.
આ પણ વાંચોઃ ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત