"સાસરે ના જતી હું તને સાચવી લઈશ" કહીને આચાર્યે શિક્ષિકાની છેડતી કરી
રાજકોટની એક ખાનગી શાળાના લંપટ પિતાપુત્રએ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી દલિત યુવતીને ચેમ્બરમાં બોલાવી છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
રાજકોટમાં એક ખાનગી શાળાના આચાર્ય અને તેના પુત્રે એ જ શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી દલિત યુવતી સાથે અડપલાં કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સત્તાપક્ષના આશીર્વાદથી મફત અને સરકારી શિક્ષણની ઘોર ખોદીને ખાનગી શિક્ષણનું આખું સામ્રાજ્ય ઉભું કરનારા આવા તત્વો હવે લંપટગીરીમાં પણ કરવા માંડ્યા છે. ખાનગી સ્કૂલોના ટ્રસ્ટીઓ, આચાર્યો દ્વારા શિક્ષકોનું પગારમાં તો શોષણ કરવામાં આવે જ છે, સાથે જ શિક્ષિકાઓના શારીરિક શોષણના બનાવો પણ બને છે. આવી જ આ ઘટના રાજકોટના પેડક રોડ પરની એક ખાનગી શાળામાં બની છે. જ્યાં શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય આ સ્કૂલના ટ્રસ્ટી પિતા-પુત્રએ કર્યું હતું. ટ્રસ્ટી પિતા-પુત્રે ત્યાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને બિભત્સ શબ્દો કહીને તેની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે અહીંના પેડક રોડ પર આવેલી જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળામાં દલિત યુવતી શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. યુવતીના લગ્ન થઈ ગયા હતા પણ પતિ સાથે મનમેળ ન થતા તે રિસામણે હતી અને પિયરમાં તેની માતાના ઘરે રહેતી હતી અને છેલ્લાં ચારેક મહિનાથી જવાહર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ઈન્ટર્નશીપ કરી રહી હતી.
ગઈકાલે સવારે તેને શાળાના આચાર્ય નિરવ ઠુમ્મર અને તેના પિતા જયંતિ ઠુમ્મરે પોતાની ચેમ્બરમાં બોલાવીને બિભસ્ત શબ્દો કહ્યા હતા. આ લંપટ પિતાપુત્રએ યુવતીને કહ્યું હતું કે, સાસરે પાછી ન જતી, તારા પતિ સાથે છુટાછેડા લઈ લે, હું તને આખી જિંદગી સાચવીશ. જો કે યુવતીએ કડક શબ્દોમાં તેમને જણાવી દીધું હતું કે, આ મારા પરિવારનો અંગત મામલો છે અને અમને એમાં તમારી સલાહની કોઈ જરૂર નથી.
એ પછી શિક્ષિકા યુવતીએ આખા મામલાની જાણ તેની માતાને કરી હતી. જેથી તેની માતા અને મામા લંપટ પિતા-પુત્રને સમજાવવા માટે ગયા હતા. જો કે ત્યાં બંને લંપટો લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા અને યુવતીના મામા સાથે ઝપાઝપી કરી હતી. આથી યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બી ડિવિઝન પોલીસ અને SHE ટીમ આવી પહોંચી હતી. અને મામલાની હકીકત જાણ્યા બાદ ફરિયાદ યુવતી તેમજ જવાહર સ્કૂલના લંપટ પિતા-પુત્રને પોલીસ મથકે લઈ આવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં સ્કૂલના ટ્રસ્ટી જયંતિ ઠુમ્મર અને તેના પુત્ર નિરવ ઠુમ્મર વિરુદ્ઘ છેડતી, મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.