મૌલાના આઝાદઃ જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી

આઝાદ ભારતના પહેલા શિક્ષણમંત્રી ભારત રત્ન મૌલાના અબુલ કલામ આઝાદની ગઈકાલે પુણ્યતિથિ હતી. આઝાદીના 75 વર્ષમાં ચોતરફ શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે ત્યારે મૌલાના આઝાદ ચોક્કસ યાદ આવે. કેમ કે, તેમણે શિક્ષણ મંત્રી તરીકે જે કાર્યો કર્યા હતા, તેના પાયા પર આજે પણ દેશનું આખું શિક્ષણતંત્ર ટકેલું છે. પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં બહુમુખી પ્રતિભાના ધણી મૌલાના આઝાદના જીવનના અનેક અજાણ્યા પાસાઓ તરફ આપણને દોરી જાય છે.

મૌલાના આઝાદઃ  જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી

15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણને મળેલી આઝાદી લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતિક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમુદાયોના પુરુષો અને મહિલાઓના યોગદાન અને બલિદાન સામેલ હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી  રહેશ, જે દસ્તાવેજો અને પુસ્તકો રૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જ. "જય હિન્દ", "ભારત છોડો", "સાયમન પાછો જા", "ઇન્કિલાબ જિંદાબાદ", "સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ", "સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા" પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા. સ્વતંત્રતા સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા.

એવા જ અગ્ર હરોળમાં મૂકી શકાય એવા મૌલાના અબુલ કલામ આઝાદની ગઈકાલે પુણ્યતિથી ગઈ. જવાહરલાલ નેહરુએ તેમને મીર-એ-કારવાં (કાફિલાના નેતા) કહ્યા હતા. તેમણે ભારતમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખ્યો. ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ માનતા હતા કે રાષ્ટ્રીય બજેટમાં શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈએ. ખોરાક અને કપડા પછી શિક્ષણ તેમની દ્રષ્ટિએ મૂળભૂત ત્રીજી જરૂરિયાત છે.

મૌલાનાના પિતાના અનેક કિંમતી પુસ્તકોને ઊધઈ ખાઈ જતાં તેમણે ઊધઈને ‘જ્ઞાનનો સૌથી મોટો શત્રુ’ ગણાવ્યો હતો. આજથી સો વર્ષ પહેલાં 1923 માં મૌલાના કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. તેમની એ વખતે ઉંમર ૩૫ વર્ષની હતી. જીવનના અંત સુધી અખંડ ભારત માટે પ્રતિબદ્ધ રહ્યા. રામચંદ્ર ગુહાના શબ્દોનો ઉપયોગ કરીને કહીએ કે  ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા’ એટલે કે આધુનિક ભારતના ઘડતરના પાયામાં રહેલા મુખ્ય સ્તંભો પૈકી મૌલાના આઝાદની શૈક્ષણિક સૂઝ તેમની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે. મૌલાના આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે નિમાયા અને મૃત્યુ પર્યંત (૧૯૫૮ સુધી ) આ સ્થાન શોભાવ્યું. દેશને આપેલી અણમોલ સેવાઓ અને માર્ગદર્શનની કદર રૂપે એમને મરણોત્તર ભારતરત્નના ખિતાબથી ૧૯૯૨માં નવાજવામાં આવ્યા. આઈ.આઈ.ટી (ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી), આઈ.આઈ.એસ(ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ-બેંગ્લોર), આઈ.આઈ.એસ.પી.એસ(ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ્યલ સાયન્સ-નવી દિલ્હી), સાહિત્ય અકાદમી, સંગીત નાટક અકાદમી, લલીત કલા અકાદમી અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચરલ રીસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ, યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન જેવી શિક્ષણ, સંશોધન અને કૌશલ્યોની મહાકાય સંસ્થાઓની સ્થાપનામાં મૌલાનાની અગ્રિમ ભૂમિકા અને પ્રદાનને નજર અંદાઝ કરી શકાય એમ નથી.

ઈતિહાસકાર એસ ઈરફાન હબીબ દ્વારા ઓક્ટોબર ૨૦૨૩માં મૌલાના આઝાદના જીવન ચરિત્ર પરનું પુસ્તક ‘મૌલાના આઝાદઃ અ લાઈફ’ (એલેફ બુક પ્રકાશન) ના વિમોચન પ્રસંગે પ્રસિદ્ધ ઈતિહાસકાર રોમિલા થાપરે જણાવ્યું હતું કે સ્વતંત્રતા ચળવળના નેતાઓની બૌદ્ધિકતા આજના રાજકીય નેતાઓમાં ખૂટે છે.“ તે સમયના ઘણાબધા નેતાઓ બૌદ્ધિક હતા. તેઓ વાંચતા, વિચારતા અને સારા ભાવિ સમાજની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ રહ્યા.” વિમોચનના મુખ્ય અતિથિ રોમીલા થાપરે જણાવ્યું હતું કે, “આઝાદ પરનું આ પુસ્તક વાંચીને, મને સમજાયું કે હું આજે તે વાતાવરણને ખૂબ જ યાદ કરું છું. તે અત્યારે અસ્તિત્વમાં હોય તેવું લાગતું નથી.”

મહાદેવભાઈ દેસાઈએ લખેલા મૌલાના આઝાદના જીવન ચરિત્રની પ્રસ્તાવનામાં ૧૯૪૦માં, ગાંધીજીએ લખ્યું હતું કે, “છેક ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે રાષ્ટ્ર માટે સાથે કામ કરવાનો લાભ મને મળ્યો છે એમનું જ્ઞાન અજોડ રહ્યું છે. તેઓ અરબીના મહાન વિદ્વાન છે. ભારતીય ઇતિહાસના કોઈ પણ અભ્યાસીએ એમના આજના સ્થાન(કૉન્ગ્રેસના પ્રમુખ)નો મર્મ પામવો જોઈએ.”

ડો. મુખ્તાર અહેમદ અંસારી, મૌલાના હસરત મોહાની, હકીમ અજમલ ખાન, બદરુદ્દીન તૈયબજી, રહેમતુલ્લા એમ. સયાની, નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર, મૌલાના મોહમ્મદ અલી જોહર, સૈયદ ઈમામ હસન આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ પણ 1923 અને 1940માં બે વખત પ્રમુખપદે પસંદગી પામ્યા હતા.

ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદના પિતાનું નામ મૌલાના ખૈરૂદ્દીન અને માતાનું નામ આલિયા હતું. મૌલાના અબુલ કલામ આઝાદની બંને બહેનો અબ્રુ બેગમ અને ફાતિમા આરઝુ બેગમ, ભારતના પ્રારંભિક નારીવાદી શિક્ષણશાસ્ત્રી પૈકીમાંના હતા. અલીગઢ મહિલા કોલેજ, મહિલા પરિષદ,ઘણીબધી શાળાઓ, હોસ્પિટલો અને કોલેજોની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓએ ઘણા પુસ્તકો લખ્યા અને સંપાદિત કર્યા.આઝાદનું મૂળ નામ અબુલ કલામ મોહિયુંદ્દીન ખૈરુદ્દીન હતું. તેઓ અરબી, ફારસી, ટર્કીશ અને ઉર્દૂ ભાષાઓના મોટા વિદ્વાન હતા. તેમણે બાર વર્ષની નાની વયે ‘નૈરંગ-એ-આલમ’ મેગેઝિન શરૂ કર્યું. તેમના પિતા મૌલાના સૈયદ મુહમ્મદ ખૈરુદ્દીન બિન અહેમદ અલહુસૈનીએ બાર પુસ્તકો લખ્યા હતા, તેમના હજારો શિષ્યો હતા, અને ઉમદા વારસો હતો, જ્યારે તેમની માતા શેખ આલિયા બિન્ત મોહમ્મદ, જે શેખ મોહમ્મદ બિન ઝહીર અલવતરીના પુત્રી હતા, જે પોતે મદીનાના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. જેમની પ્રતિષ્ઠા અરેબિયાની બહાર પણ વિસ્તરી હતી.

મૌલાના આઝાદનો પરિવાર 1890માં  કલકત્તામાં સ્થાયી થયો હતો. આઝાદે ઘરેથી જ અભ્યાસ કર્યો, એટલે કે સ્વશિક્ષિત હતા. તેમણે ઉર્દૂ, હિન્દી, ફારસી, બંગાળી, અરબી અને અંગ્રેજી સહિતની ઘણી ભાષાઓમાં નાની ઉંમરે નિપુણતા મેળવવાનું શરૂ કર્યું. તેમને તેમના પરિવાર દ્વારા નીમેલા શિક્ષકો દ્વારા હનાફી, મલિકી, શફી અને મ્હાનબલી ફિકહ, શરિયત, ગણિત, ફિલસૂફી, વિશ્વ ઇતિહાસ અને વિજ્ઞાનની મઝહિબમાં પણ તાલીમ આપવામાં આવી હતી. તેઓ એક કાવ્યાત્મક સામયિક (નૈરંગ-એ-આલમ) પ્રકાશિત કરતા હતા અને 1900માં, બાર વર્ષની ઉંમરે સાપ્તાહિક (અલ-મિસ્બાહ)ના સંપાદક બન્યા હતા અને 1903માં લીસાન-ઉસ-સિદક (સત્યવાણી) નામનું માસિક પત્રિકા બહાર પાડ્યુ હતું, જેણે ટૂંક સમયમાં ખુબ લોકપ્રિયતા મેળવી હતી. તેર વર્ષની ઉંમરે તેમના લગ્ન એક યુવાન મુસ્લિમ યુવતી ઝુલૈખા બેગમ સાથે થયા હતા. આઝાદે કુરાન, હદીસ અને ફિકહ અને કલામના સિદ્ધાંતોનું અર્થઘટન કરતા ઘણા ગ્રંથોનું સંકલન કર્યું.

24 વર્ષની ઉંમર હતી ત્યારે 1912માં અલ-હિલાલ(બીજનો ચંદ્ર) નામનું ઉર્દૂ સાપ્તાહિક અખબાર સ્થાપ્યું, તેના એ વખતે ૨૬ હજાર ગ્રાહકો હતા. સામાન્ય લોકો સામેના પડકારોની શોધ કરતી વખતે બ્રિટિશ નીતિઓ પર ખુલ્લેઆમ હુમલો કર્યો, પરંતુ 1914માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને રાંચીમાં નજરકેદ કરવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત સાથે, અંગ્રેજોએ સેન્સરશીપ અને રાજકીય ગતિવિધિઓ પરના નિયંત્રણોને કડક  બનાવ્યા. પરિણામે આઝાદના અલ-હિલાલને પ્રેસ એક્ટ હેઠળ 1914માં પ્રતિબંધિત કરવામાં આવ્યું. આઝાદે એક નવું જર્નલ, અલ-બલાગ શરૂ કર્યું, જેણે રાષ્ટ્રવાદી કારણો અને કોમી એકતા માટે સક્રિય સમર્થન વધાર્યું. આ સમયગાળામાં આઝાદ પણ ખિલાફત આંદોલનના સમર્થનમાં સક્રિય બન્યા હતા. આઝાદને ભારતીય મુસ્લિમોને ઉત્સાહિત કરવાની અને સંઘર્ષ દ્વારા મોટા રાજકીય અને સામાજિક સુધારા હાંસલ કરવાની તક મળી. ભારતભરમાં તેમની લોકપ્રિયતા વધવાથી, સરકારે ડિફેન્સ ઑફ ઈન્ડિયા રેગ્યુલેશન્સ એક્ટ હેઠળ આઝાદના બીજા પ્રકાશનને ગેરકાયદેસર ઠેરવ્યું અને તેમની ધરપકડ કરી.

આમ તેમણે તેર વર્ષની નાની ઉંમરે, સાહિત્યિક ટીકા પર લેખો લખ્યા, જેના માટે તેઓ એક મોટાગજાના વિદ્વાન, કવિ અને બૌદ્ધિક તરીકે વખાણાયા. તેમણે 1904 માં અખિલ ભારતીય મુસ્લિમ શૈક્ષણિક પરિષદ અને અખિલ ભારતીય મુસ્લિમ સંપાદકોના સંમેલનમાં ભાગ લીધો હતો. તેમનો શરૂઆતી અભિપ્રાય હતો કે વિદેશી શાસકોને હરાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ એકમાત્ર સમાધાન છે. તે સમયગાળા દરમિયાન તેમણે વિવિધ ક્રાંતિકારી સંસ્થાઓ શરૂ કરી. પરંતુ, તેમણે પહેલી વાર મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી ત્યારે 1920 જાન્યુઆરીથી તેમણે પોતાનો ક્રાંતિકારી માર્ગ છોડી દીધો. ત્યારથી, તેમણે અહિંસક આંદોલનને ટેકો આપ્યો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ખૂબ સક્રિયપણે ભાગ લઈ રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. વિદેશી શાસન સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે ઘણાં પુસ્તકો લખ્યા. તેમની તમન્ના ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે માહિતી આપવાની અને લોકોને બ્રિટીશરો સામે લડવાની પ્રેરણા આપવાની હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમના સામયિકો પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, તેમણે દસ વર્ષ અને સાત મહિના સુધી દેશની જુદી જેલોમાં પોતાનું જીવન વ્યતીત કર્યું. પોતે અહિંસા માટે ઊંડે પ્રતિબદ્ધ બનીને, અરવિંદો ઘોષ, જવાહરલાલ નેહરુ, ચિત્તરંજન દાસ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા સાથી રાષ્ટ્રવાદીઓની વધુ નજીક આવ્યા.
 
ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ દરમિયાન અને સ્વતંત્રતા પછીના યુગમાં પણ, મૌલાના અબુલ કલામ આઝાદ જીવ્યા ત્યાં સુધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળની ઇચ્છા રાખતા હતા. વતન રૂપે ભારતીય કર્મભૂમિને સમૃદ્ધ કરવામાં સિંહફાળો આપનારા મૌલાના આઝાદ વતન-દેશની સ્વતંત્રતા તેમજ પ્રગતિ માટે આજીવન ઝઝૂમતા રહ્યા. માત્ર અંગ્રેજોએ જ નહિ, સંકીર્ણવાદી નેતૃત્વે પણ એમના માર્ગમાં અનેક અવરોધો ઉભા કરવામાં પાછીપાની કરી નહીં. અડગ પત્રકાર, શિષ્ટ સંપાદક, ઊંડા ચિંતક અને મેધાવી લેખક-વક્તા હિંદુ-મુસ્લિમ એકતાના અસલ ભારતીય પ્રહરી તરીકે એમણે ઉચ્ચારેલા ચિરંજીવી શબ્દો હતાઃ

“આજે અગર કોઈ ફરિશ્તો આસમાનની ઊંચાઈથી ઉતરી આવે અને દિલ્હીના કુતુબમિનાર ઉપર ઉભો રહીને એલાન કરે કે ભારતને આઝાદી 24 કલાકમાં જ મળી શકે છે, શરત એ કે હિન્દુસ્તાન હિન્દુ-મુસ્લિમ એકતાને તોડી નાંખે તો હું આઝાદીને કબૂલ નહીં કરું .અગર આઝાદી મળવામાં સમય લાગશે તો હિન્દુસ્તાનનું નુકશાન થાશે પણ જો આપણી એકતા તૂટી જશે તો એ પૂરી દુનિયાની ઈન્સાનિયતનું નુકશાન થશે.”

મૌલાના અઝાદની નખશિખ દેશભક્તિ અને તેમનું કોમી એકતા પ્રત્યેનું સમર્પણ એ બાબતથી પણ પરખાય છે કે  પોતાની આત્મકથા “ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”ની રોયલ્ટીની અડધી રકમમાંથી તેઓએ ભારત અથવા પાકિસ્તાનના કોઈ બિન મુસ્લિમને અંગ્રેજી ભાષામાં ઈસ્લામ વિશે ઉત્તમ પુસ્તક લખવા કે મુસ્લિમને હિંદુ ધર્મ વિશે પુસ્તક, લખવા પુરસ્કાર આપવાની યોજનાની પોતાના વસિયતમાં જોગવાઈ કરી હતી.

ભારતીય સંસદના નીચલા ગૃહ, 1952માં લોકસભા અને ફરીથી 1957માં ચૂંટાયેલા, મૌલાના આઝાદે નેહરુની સમાજવાદી આર્થિક અને ઔદ્યોગિક નીતિઓ તેમજ મહિલાઓ અને તકોને ભારતીયો માટે સામાજિક અધિકારો અને આર્થિક તકોને આગળ વધારવાનું સમર્થન કર્યું હતું. 1956માં તેમણે દિલ્હીમાં યોજાયેલી યુનેસ્કો જનરલ કોન્ફરન્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આઝાદે તેમના જીવનના અંતિમ વર્ષો તેમના પુસ્તક ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ (ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ) અને તેના નેતાઓનું સંપૂર્ણ વર્ણન, લખવામાં વિતાવ્યા હતા, જે 1959માં પ્રકાશિત થયું હતું,

ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન તરીકે, તેમણે ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે, તેમણે પુખ્તવાય સાક્ષરતા, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ, 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ, કન્યા અને માધ્યમિક શિક્ષણ, વ્યાવસાયિક તાલીમમાં વૈવિધ્યકરણ પર ભાર મૂક્યો હતો. 

તેમનો જન્મદિવસ, 11 નવેમ્બર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત ૨૦૦૮થી સરકારી રહે કરવામાં આવી. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતું, દરેકના ચહેરા ગમગીન હતા. જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:15 10.15કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. 

21 ફેબ્રુઆરીની સવારે જ ડૉક્ટરોએ તેમના મૃત્યુની જાહેરાત કરી દીધી હતી, પરંતુ આશ્ચર્ય થયું કે શરીરના મૃત્યુ પછી પણ મૌલાનાનું મન ચોવીસ કલાક સુધી કેવી રીતે જીવંત રહ્યું! ડૉ. વિધાનચંદ્ર કહે છે જ્યારે હું મૌલાનાને ઈન્જેક્શન આપવા જતો હતો ત્યારે મૌલાના કહે, 'હવે અલ્લાહ પર છોડી દો અને મને આ પાંજરામાંથી (ઓક્સિજનના સિલિન્ડર તરફ ઈશારો કરીને) મુક્ત કરો. મૌલાનાના મૃત્યુએ બધાને શિથીલ કરી દીધા, કારી તૈયબ બેભાન અવસ્થામાં હતા, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ રડી રહ્યા હતા, પંડિત નેહરુ વારંવાર લોકોની ભીડમાં જતા રહેતા અને જ્યારે સુરક્ષાકર્મી તેમને રોકતા ત્યારે તેઓ કહેતા કે તમે કોણ છો? શું તમે મને મૃત્યુથી બચાવી શકો તો અંદર જઈને મૌલાનાને બચાવો! ઘરમાં મૌલાનાની બહેન આરઝૂ બેગમની હાલત ખરાબ હતી, તેમની પાસે ઈન્દિરા ગાંધી, અરુણા અસફ અલી હાજર હતા. મૌલાનાને એક હજાર જમીની સૈન્ય, એક હજાર હવાઈ અને ત્રણસો દરિયાઈ સૈનિકોએ સલામી આપી, મૌલાના અહમદ સઈદ દહલવીએ નમાઝ-એ-જનાઝા અદા કરી અને મૌલાનાને તેમના માલિક હકીકીની મુલાકાત માટે કબરમાં ઊતારી દેવામાં આવ્યા. મૌલાનાને દફનાવ્યા પછી લોકો તેમની કોઠી પર પાછા આવ્યા.  નેહરુ પણ આવ્યા, તેઓ ક્યારેક મૌલાનાના પુસ્તકો હાથમાં લઈ ઊલટતા તો ક્યારેક ઊભા થઈને ક્યારી પર જતા, જ્યાં મૌલાના ચાલતા હતા; નેહરુએ ત્યાં વાવેલા ફૂલોને પૂછ્યું, મૌલાના પછી પણ ખીલશો?

ગુબાર-એ-ખાતીર (Sallies of Mind) એ મૌલાના અબુલ કલામ આઝાદની સૌથી મહત્વપૂર્ણ રચનાઓમાંની એક છે, જે મુખ્યત્વે 1942 થી 1946 દરમિયાન લખવામાં આવી હતી જ્યારે તેઓ અહમદનગર કિલ્લાની જેલમાં કેદ હતા. આ પુસ્તક મૂળભૂત રીતે તેમણે તેમના નજીકના મિત્ર મૌલાના હબીબુર રહેમાન ખાન શેરવાનીને સંબોધીને લખેલા 24 પત્રોનો સંગ્રહ છે. આ પત્રો તેમને ક્યારેય મોકલવામાં આવ્યા ન હતા કારણ કે જેલવાસ દરમિયાન તેના માટે કોઈ પરવાનગી ન હતી અને 1946 માં મુક્ત થયા પછી, તેમણે આ બધા પત્રો તેમના મિત્ર અજમલ ખાનને આપ્યા જેમણે તેને 1946માં પ્રથમ વખત પ્રકાશિત કરી. તાજ્કીરા અને કુરાન પર તરજુમાન અલ-કુરાન લખી.મૌલાના જમાલુદ્દીન અફઘાની અને શિબલી નોમાનીથી ખુબ પ્રભાવિત હતા.

નાની ઉંમરે મેળવેલી વિદ્વત્તાના અનુસંધાને સરોજિની નાયડું કે જેમણે પોતે પણ ખુબ જ નાની ઉંમરે વિદ્વત્તા હાંસલ કરી હતી, વિવેકપૂર્ણ રીતે કહ્યું હતું કે, "મૌલાના જ્યારે જન્મ્યા ત્યારે ૫૦ વર્ષના હતા."

આસફઅલીએ કહ્યું હતું કે “उर्दू जबान को हंमेशा इस बात पर फक्र रहेगा के वो अबुल कलाम की जबां से बोली गई और उनकी कलम से लिखी गई.”

હસરત મોહાનીની કવિતાના શબ્દો હતાઃ
“जब से देखी अबुल कलाम की नस्र 
नज्म ए हसरत में भी मजा न रहा”

હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો : મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.