અમરેલીમાં ડૉ. આંબેડકર છાત્રાલય શરૂ થાય તે પહેલા જ જાતિવાદીઓએ વિરોધ શરૂ કરી દીધો

અમરેલીમાં છેલ્લાં બે વર્ષથી બંધ અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની છાત્રાલયને સરકારે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ છાત્રાલય ફરીથી શરૂ થાય તે પહેલા જ કેટલાક જાતિવાદી તત્વો મેદાનમાં આવી ગયા છે અને આ હોસ્ટેલ પોતાના વિસ્તારમાં શરૂ ન થાય તે માટે જાતભાતના વાંધાઓ રજૂ કરી રહ્યાં છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ.

અમરેલીમાં ડૉ. આંબેડકર છાત્રાલય શરૂ થાય તે પહેલા જ જાતિવાદીઓએ વિરોધ શરૂ કરી દીધો

અમરેલીમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ છેલ્લા બે વર્ષથી બંધ હતી. હાલમાં જ સરકારે તેને ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જૂનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા એક સોસાયટીના એક મકાનમાં તેને શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી. પણ તે શરૂ થાય તે પહેલા જ સોસાયટીના જાતિવાદી તત્વો મેદાનમાં આવી ગયા છે. તેમણે બહેન દીકરીઓની સલામતી સહિતના તદ્દન બાલિશ અને હાસ્યાસ્પદ બહાનાઓ કાઢીને આ હોસ્ટેલનો વિરોધ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં હોસ્ટેલ શરૂ જ ન થાય તે માટે કલેક્ટર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને લેખિત રજૂઆતો કરી છે.

શું છે મામલો?

અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ પર ડૉ. બાબાસાહેબ આંબેડક છાત્રાલય આવેલું છે. જે જર્જરિત હાલતમાં હોવાથી તેને વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ છાત્રાલય બંધ હોવાથી અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને રહેણાંકની સમસ્યા ઉભી થઈ હતી. છાત્રાલયની સગવડ ન હોવાથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો હતો. ખબરઅંતર.કોમ પર આ મામલે વિસ્તારથી રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે મુખ્યમંત્રી સહિત તમામ લાગતા વળગતા વિભાગોને રજૂઆતો કરતા આખરે આ છાત્રાલયને ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. જૂનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી સમાજ કલ્યાણ વિભાગ તરફથી 8 વાર સ્થાનિક સ્તરે જાહેરાત આપવામાં આવી હતી છતાં પણ વિદ્યાર્થીઓ સુવિધાઓ સાથે રહી શકે તેવું બિલ્ડીંગ મળતું નહોતું. આખરે અહીંની વિદ્યાનગર સોસાયટીમાં એક જગ્યા મળતા સરકારે તેમાં છાત્રાલય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

જો કે અહીં કેટલાક કથિત સવર્ણ જાતિવાદી તત્વો અનસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓની હોસ્ટેલ શરૂ થાય તેમ ઈચ્છતા ન હોવાથી તેમણે ખોટા કારણો રજૂ કરીને અત્યારથી તેનો વિરોધ શરૂ કરી દીધો છે. આ અંગે સોસાયટીના રહીશોએ અમરેલી કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરી છે. તેમનું કહેવું છે કે આ રહેણાંક વિસ્તાર છે અને લોકો પોતાના પરિવાર સાથે રહે છે, જો અહીં હોસ્ટેલ શરૂ થાય તો ભવિષ્યમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે. સોસાયટીમાં બહેન-દીકરીઓ આખો દિવસ ઘરે એકલી રહેતી હોય છે અને સોસાયટીનું વાતાવરણ ડહોળાશે. તેથી અહીં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ખોલવામાં ન આવે. સોસાયટીના પ્રમુખ અને સહેવાસીઓએ આ મામલે અમરેલી જિલ્લા અનુ. જાતિ સમાજ કલ્યાણ અધિકારીને પણ લેખિતમાં વાંધા અરજી અને રજૂઆત કરી છે.

વાસ્તવિકતા શું છે?

આ મામલે ખબરઅંતર.કોમ દ્વારા અમરેલીના સ્થાનિક સૂત્રોનો સંપર્ક કરતા હકીકત કંઈક જુદી જ જાણવા મળી હતી. વાસ્તવમાં આ સોસાયટીના રહીશો ઈચ્છતા નથી કે અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓનું છાત્રાલય તેમની સોસાયટીમાં શરૂ થાય. તેના માટે તેઓ સોસાયટીના નિયમો સહિતના ખોટા વાંધાઓ રજૂ કરી રહ્યાં છે. 

અમરેલીના એક સ્થાનિક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સોસાયટીના કથિત સર્વણો અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમની નજીકમાં આવીને ન રહે તે માટે આ વિરોધ નોંધાવી રહ્યાં છે. આખો મામલો સ્પષ્ટ રીતે જાતિવાદનો છે. જેમ આજે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ દલિતોને કથિત સવર્ણોની સોસાયટીઓમાં મકાન ખરીદીથી કે ભાડેથી નથી મળતા તેમ અહીં પણ આ કથિત સવર્ણો ઈચ્છતા નથી કે અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમની સોસાયટીમાં આવીને રહે. આ જાતિવાદી તત્વો સીધો આ છાત્રાલયનો વિરોધ કરી શકે તેમ નથી એટલે તેઓ જાતભાતના વાંધાવચકાઓ, ખોટા કારણો ઉભા કરી રહ્યાં છે. 

સોસાયટીના જાતિવાદી તત્વો આ છાત્રાલયને ન્યૂસન્સ માને છે

આ લોકો અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓની આ હોસ્ટેલને ન્યૂસન્સ માને છે. તેઓ ગમે તેમ કરીને તેમને પોતાની સોસાયટીમાંથી હટાવવા માંગે છે. આ સોસાયટીના પ્રમુખનું કહેવું છે કે અહીં પરિવારો રહે છે અને જુવાન છોકરીઓ ઘરે એકલી રહેતી હોય છે તેમની સલામતીના પ્રશ્નો ઉભા થશે. આ આખો મુદ્દો હાસ્યાસ્પદ છે. આ વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે, તેઓ કોઈ આવારા તત્વો નથી કે તેમનાથી કોઈની બહેન-દીકરીઓને અસલામતી અનુભવવી પડે. સોસાયટીની એક બ્રાહ્મણ મહિલા શ્રૃતિ જોષીએ તો આ હોસ્ટેલને શરૂ થયા પહેલા જ મીડિયામાં ન્યૂસન્સ ગણાવી દીધી હતી. આ તમામ લોકોએ ભેગા મળીને છાત્રાલયને અહીંથી ખસેડવા માટે ખોટા મુદ્દાઓ ઉભા કર્યા છે. હકીકતે આ તમામ લોકો જાતિવાદથી ગ્રસ્ત છે, તેઓ નથી ઈચ્છતા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમની કથિત સવર્ણોની સોસાયટીમાં આવીને અભ્યાસ કરે. આખો મામલો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને તેમનાથી દૂર રાખવાનો છે. એ રીતે તે અસ્પૃશ્યતાનો મામલો છે. એ રીતે ન્યૂસન્સ તો સોસાયટીના રહીશો સ્વયં ઉભું કરી રહ્યાં છે. આ મામલે અમરેલીના અનૂસુચિત જાતિ સમાજના જાગૃત નાગરિકો, આગેવાનો, સામાજિક કાર્યકરો આગળ આવે તો ચોક્કસ કંઈક ઉકેલ આવે.

આ પણ વાંચો : અમરેલીમાં બે વર્ષથી બંધ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ફરી શરૂ થશે, ગાંધીનગરથી મંજૂરી મળી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.




Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.