તિરૂપતિ બાલાજી મંદિરનો પ્રસાદ પશુઓની ચરબીમાંથી બને છે: ચંદ્રબાબુ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ઘીને બદલે પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનું કહેતા હોબાળો મચી ગયો છે.
ગુજરાતમાં ગયા વર્ષે યાત્રાધામ અંબાજીના મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતું ઘી નકલી હોવાનું સામે આવતા જેવો હોબાળો થયો હતો એવા જ કંઈક કૌભાંડનો આરોપ હવે દેશના સૌથી પૈસાદાર મંદિર એવા તિરુપતિ બાલાજીના મંદિર પર લાગ્યો છે. આક્ષેપ પણ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચેની જગન મોહન રેડ્ડીની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ પ્રસાદમ તૈયાર કરવા માટે ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં વાયએસઆર કોંગ્રેસ પર આરોપ લગાવતા નાયડુએ કહ્યું, "તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન મોહન રેડ્ડીની સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી
આ આરોપોને લઈને વાયએસઆર કોંગ્રેસે આકરો જવાબ આપતા કહ્યું કે, "ચંદ્રબાબુ નાયડુએ મંદિરની પવિત્રતા અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદમ વિશે નાયડુની ટિપ્પણી અત્યંત નિમ્ન કક્ષાની છે. આના પરથી ફરી એકવાર સાબિત થયું છે કે તેઓ રાજકીય લાભ માટે કોઈ પણ સ્તર સુધી જઈ શકે છે.”
વાયએસઆર કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અને તિરુમાલા મંદિરનું સંચાલન કરતા બોર્ડ ટીટીડીના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું, “હું અને મારો પરિવાર તિરુમાલા પ્રસાદમના મામલે ભગવાનને સાક્ષી તરીકે રાખીને શપથ લેવા તૈયાર છીએ. પણ જેમણે આ નિવેદન કર્યું છે તેઓ તેમના પરિવાર સાથે શપથ લેવા તૈયાર છે?"
ઉલ્લેખનીય છે કે, જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળ કરાતી હોવાનો વિવાદ થયો હતો. ટીડીપીએ ઘણીવાર તેની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. એ વખતે મંદિર ટ્રસ્ટ પાસે યોગ્ય પ્રયોગશાળાઓ ન હતી અને ખાનગી પ્રયોગશાળાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘીની ગુણવત્તાનું યોગ્ય રીતે પરીક્ષણ કર્યું ન હતું. ઘીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મંદિર ટ્રસ્ટે તાજેતરમાં એક નવી પ્રયોગશાળાની સ્થાપના કરી છે અને તેના સ્ટાફને મૈસૂરમાં પરીક્ષણની તાલીમ અપાઈ રહી છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશ સરકારે મંદિરના પૂજારીઓના પગારમાં 50 ટકા વધારો કર્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Roopcand Rajput???????? good