ડાકોરમાં તસ્કરો શનિદેવના આભૂષણો, દાનપેટીની રોકડ ચોરી ગયા

પનોતીને દબાવી દેનાર શનિદેવ પણ સુરક્ષિત નથી. તસ્કરોએ તેમના મંદિરને નિશાન બનાવ્યું.

ડાકોરમાં તસ્કરો શનિદેવના આભૂષણો, દાનપેટીની રોકડ ચોરી ગયા
image credit - khabarantar.com

હિંદુ ધર્મમાં શનિને સૌથી મજબૂત ગ્રહ માનવામાં આવે છે. શનિદેવનો ભય એટલો મોટો છે કે શ્રદ્ધાળુ લોકો તેમના નામ માત્રથી ડર અનુભવે છે. કેટલાક લોકો પનોતી દૂર કરવા માટે તેમની માનતા રાખે છે. શનિ શીંગણાપુર નામના જાણીતા સ્થળે ગામમાં લોકો પોતાના ઘરને તાળાં મારતા ન હોવાની પણ એક વાત ચાલે છે. જો કે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં તસ્કરોને જાણે શનિદેવની બીક જ ન હોય તેમ તેમના મંદિરમાં ઘૂસી, દાનપેટીમાંથી રોકડ રકમ અને આભૂષણો ચોરીને ફરાર થઈ ગયા હતા. જેને લઈને શનિદેવના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ડાકોરના ઉમરેઠ રોડ પર આવેલા શનિદેવ મંદિરમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરી ચોરી કરવાની ઘટના સામે આવી છે. તસ્કરો મંદિરમાંથી શનિદેવની મૂર્તિ ખંડિત કરી આભૂષણો અને દાન પેટીમાંથી પૈસા ચોરી જતા ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો મંદિરે પહોંચ્યો હતો. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી સમગ્ર ઘટના બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી

આજે વહેલી સવારે શનિદેવ મંદિરે પૂજારી પહોંચ્યા હતા. ત્યારે તેમને તસ્કરો કળા કરી ગયા હોવાનું સમજાયું હતું. તરત સમગ્ર ઘટનાની જાણ મંદિરના વહીવટકર્તા તેમજ પોલીસને કરાઈ હતી. મંદિરમાં અસામાજીક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી છે. તેમજ મંદિરની બાજુમાં આવેલી ઓરડીના તાળા તોડી શનિદેવના આભૂષણો તેમજ દાન પેટીમાંથી ૩૦૦ રૂપિયા જેટલી રકમની ચોરી કરી હતી. આ બાબતે મંદિરના પૂજારી પ્રિતેશભાઈ દ્વારા મંદિરના વહીવટકર્તા સુરેશભાઈને જાણ કરવામાં આવતા તેમણે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તેમજ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ તેમજ ડાકોર પોલીસની ટીમ મંદિર ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટના અંગે નડીયાદ ડીવાયએસપી વી.આર.બાજપેયીએ જણાવ્યું હતુ કે' "ડાકોર ઉમરેઠ રોડ પર એક શનિદેવનું મંદિર આવેલું છે. શનિદેવ મંદિરના વહીવટકર્તા સુરેશભાઈ છે. તેમને પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે. ત્યાં અને મંદિરમાં તોડફોડ થયેલી છે. ઓરડીનું તાળુ તોડી એમાંથી શનિદેવના આભૂષણ અને ૩૦૦ રૂપિયા જેટલું પરચૂરણ ચોરી થઈ ગયું છે. મંદિરમાં શનિદેવની મૂર્તિને પણ નુકશાન કર્યુ છે. આ સંદર્ભે મંદિરના વહીવટકર્તાએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે બીએનએસ કલમ ૩૩૩, ૩૦૫, ૨૯૮, ૨૨૪ અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.