Gujaratમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી હાલત, સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની અછત
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં તબીબોની મોટી અછત સર્જાઈ હોવાથી આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી હાલત ઊભી થઈ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં કુલ મળીને 1327 ડૉક્ટરની અછત છે. પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નથી. એવામાં ચિંતાજનક વાત સામે આવી છે કે, રાજ્યમાં 546 ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી દીધી છે.
રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં 2653 બોન્ડેડ તબીબ મૂક્યા હતા. નોંધનિય છે કે, આ તમામ વિગતો સપ્ટેમ્બર માસમાં યોજાયેલ વિધાનસભા સત્રમાં બહાર આવી હતી. વિગતો મુજબ સરકારી હોસ્પિટલોમાં 1327 ડૉક્ટરની અછત છે તો પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નથી.
આ તરફ વર્ગ 1 ડૉક્ટરની 637 જગ્યાઓ ખાલી તો તબીબી અધિકારી વર્ગ 2ની 630 જગ્યા ખાલી છે. રાજ્યમાં સૌથી વધુ ડોક્ટર્સની ઘટ દાહોદ જિલ્લામાં છે. આ સાથે CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે.
ત્રણ વર્ષમાં 2653 બોન્ડેડ તબીબ મૂક્યા હતા એનું શું થયું?
રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં 2,653 બોન્ડેડ તબીબોને અલગ-અલગ જિલ્લામાં નિમણૂંક આપી હતી. એમાંથી બાદમાં માત્ર 797 ડોક્ટર્સ જ હાજર થયા તો 1,856 ડોક્ટરોમાંથી 546 લોકોએ પોતાની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવી નોકરી ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ 546 ડોક્ટરોએ 5 લાખની બોન્ડની રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. બીજી તરફ હવે 1,310 ડોક્ટર્સ એવા છે કે, જેમણે નોકરી પણ નથી સ્વીકારી અને બોન્ડ પણ નથી ભર્યા.
આ પણ વાંચો:JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી