શિક્ષકો જ નાપાસ! બે વર્ષમાં 9218 શિક્ષકોએ ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરી, 1.54 કરોડનો દંડ ફટકારાયો

કરાર આધારિત જ્ઞાન સહાયકો પર ચાલતું ગુજરાતનું સરકારી શિક્ષણ હવે સરવાળા જેવી સામાન્ય ગણતરીમાં પણ ઉણું ઉતરી રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણની અધોગતિનો વધુ એક પુરાવો આ વખતે ખુદ ગુજરાત વિધાનસભામાં સામે આવ્યો છે. વાંચો આ રિપોર્ટ.

શિક્ષકો જ નાપાસ! બે વર્ષમાં 9218 શિક્ષકોએ ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરી, 1.54 કરોડનો દંડ ફટકારાયો
image credit - Google images

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખાડે ગયું છે તેવું આપણે વારંવાર સાંભળતા આવીએ છીએ. હવે તેનો વધુ એક પુરાવો ખુદ શિક્ષકોએ પુરો પાડ્યો છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં શિક્ષણમંત્રીને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે ખુદ શિક્ષકો સાચો સરવાળો કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, દંડાયેલા શિક્ષકો પૈકી 2657 જેટલા શિક્ષકોએ દંડના બાકી 55 લાખ રૂપિયા ભર્યા નથી.

ગુજરાત વિધાનસભામાં પાટણના કૉંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો હતો કે છેલ્લાં બે વર્ષમાં કેટલા શિક્ષકો ઉત્તરવહીનું ખોટું મૂલ્યાંકન કરતા પકડાયા છે. આ સવાલનો જવાબ આપતા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ધોરણ-10માં બે વર્ષમાં 3350 અને ધોરણ-12માં 5868 શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણીમાં ભૂલો કરી હતી. આ ભૂલો બદલ તમામને શિક્ષણ વિભાગ દ્વારા બન્ને ધોરણમાં અનુક્રમે 48 લાખ અને 1.02 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ-10માં હજી સુધી 787 અને ધોરણ-12માં 1870 શિક્ષકોએ દંડની રકમ ભરી નથી. આ બન્ને ધોરણમાં દંડની રકમ અનુક્રમે 13 લાખ અને 42 લાખ થવા જાય છે. જે શિક્ષકોએ દંડ ભર્યો છે તેની રકમ બંન્ને ધોરણની મળીને કુલ 99 લાખ રૂપિયા થાય છે.

ગુજરાતમાં 13 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી

વિધાનસભા સત્રમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં શિક્ષકોની કુલ 13 હજાર જગ્યાઓ ખાલી છે. જેની ભરતીની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, રાજ્યના શિક્ષણ વિભાગને વાલીઓ તરફથી ઘણી ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં કહેવાયું હતું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પેપર ચેક કરતી વખતે ઘણી ભૂલો થઈ હતી. કોઈએ ઓછા માર્ક્સ આપવાની ફરિયાદ કરી તો કોઈએ જવાબ સાચો હોવા છતાં ઓછા માર્ક્સ આપ્યાની ફરિયાદ કરી. જે બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ શિક્ષકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં માર્કસની ગણતરીમાં ભૂલો થઈ હતી. તપાસ બાદ દરેક શિક્ષકને સરેરાશ 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે શિક્ષક દોષિત ઠરે તો પહેલા તેમને નોટિસ ફટકારવાની અને પછી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાને બદલે સરકાર 11 મહિનાથી કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકોની ભરતી કરીને કામ ચલાવી રહી છે તેનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી છે અને બાળકોને નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.