વડોદરાના ઓટોરિક્ષા ચાલકોએ બહુજન વિચારધારાના વાહક બની રંગ રાખ્યો

વડોદરામાં ભીમા કોરેગાંવ વિજય દિવસ નિમિત્તે વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડનો ભવ્ય ભીમ ડાયરો યોજાયો હતો. જો કે આ પ્રસંગ પહેલા અહીંના ઓટોરિક્ષા ચાલકોએ એક અદ્દભૂત ઉદાહરણ પુરું પાડ્યું હતું.

વડોદરાના ઓટોરિક્ષા ચાલકોએ બહુજન વિચારધારાના વાહક બની રંગ રાખ્યો

ગુજરાતમાં હવે રિક્ષાચાલકો બહુજન વિચારધારાના નવા વાહકો તરીકે ઉભરીને આવી રહ્યાં છે. આવો જ એક મોટો પ્રસંગ હાલમાં જ વડોદરા ખાતે તારીખ 1લી જાન્યુઆરી 2024ના રોજ બની ગયો. અહીં ભીમા કોરેગાંવ શૌર્ય દિવસને લઈને વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડના ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લઈને ઘણાં દિવસો પહેલા જ પ્રચાર-પ્રસાર શરૂ થઈ ગયો હતો અને તેમાં સૌથી મોટો ભાગ વડોદરાના બહુજન ઓટોરિક્ષાચાલકોએ ભજવ્યો હતો. 

વડોદરાની ભીમ સંકલ્પ સમિતિ દ્વારા અહીંના તરસાલી વિસ્તારમાં આવેલા ગંગાસાગર ગ્રાઉન્ડ ખાતે ભીમા કોરેગાંવ શૌર્ય દિવસે વિશનભાઈ કાથડના ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કર્યું હતું. જેના પ્રચારની સંપૂર્ણ જવાબદારી અહીંના બહુજન ઓટોરિક્ષા ચાલક ભાઈઓએ પોતાના માથે ઉપાડી લીધી હતી. વડોદરાના મોટાભાગના બહુજન રિક્ષાચાલકોએ પોતાની રિક્ષા પાછળ આ કાર્યક્રમના બેનર લગાવ્યા હતા. આ રીતે તેમણે વડોદરા અને તેની આસપાસના લગભગ તમામ વિસ્તારોમાં ફરીને આ કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર કરી બહુજન સમાજ સુધી પહોંચાડ્યો હતો. જેનું પરિણામ એ આવ્યું કે કાર્યક્રમની સાંજે હજારોની સંખ્યામાં બહુજન સમાજ વિશન કાથડને સાંભળવા માટે ઉમટી પડ્યો હતો. વડોદરાના 100થી વધુ બહુજન રિક્ષાચાલકોએ એકપણ રૂપિયો લીધા વિના પોતાની રિક્ષા પાછળ આ કાર્યક્રમના બેનરો લગાવ્યા હતા.

સામાન્ય રીતે આપણે ત્યાં રિક્ષાચાલકોને અભણ કે અણસમજુ ગણીને અવગણી દેવામાં આવતા હોય છે. પણ વડોદરાના આ રિક્ષાચાલકોએ સમાજ અને બહુજન વિચારધારા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી બતાવી હતી. એક બાજુ સમાજનો કહેવાતો શિક્ષિત, બૌદ્ધિક વર્ગ જ્યારે ખુલીને વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવવાની આવે ત્યારે શાહમૃગવૃત્તિ દાખવતો પણ આપણે જોયો છે. ત્યારે જેમને કદી વિચારધારાના વાહકની નજરે જોવામાં જ નથી આવતા તેવા આ ઓટોરિક્ષાચાલકોએ સમાજને એક નવી દિશા ચીંધી છે.

અમદાવાદ જેવા શહેરમાં કોર્પોરેટ કંપનીઓ રૂપિયા આપીને ઓટોરિક્ષાની પાછળ પોતાની કંપનીઓની જાહેરાતો ચિપકાવે છે અને અનેક રિક્ષાચાલકો તેના બેનરો પોતાની રિક્ષા પાછળ લગાવીને કમાણી પણ કરે છે. ત્યારે વડોદરાના આ બહુજન રિક્ષાચાલકોએ એ કમાણી જતી કરીને પણ ઘણાં દિવસો સુધી આ કાર્યક્રમના બેનરો કોઈપણ પ્રકારની સ્વાર્થ વિના પોતાની રિક્ષા પાછળ લગાવીને છેવાડાના માણસ સુધી બહુજન વિચારધારાને પહોંચાડવા એક પ્રયત્ન કર્યો હતો. જો આ જ રીતે છેવાડાના માણસને પણ સાથે લઈને ચાલવામાં આવે તો બહુજન મહાનાયકોનું સ્વપ્ન પૂર્ણ થાય તે દિવસ પણ દૂર નથી.

આ પણ વાંચો : મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.