JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી

JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી

અમદાવાદમાં રહેતા અને ધોરણ 12 પાસ કરીને નીટની પરીક્ષાની તૈયારી કરતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એક યુવાનને તેની પારિવારિક આર્થિક પરિસ્થિતિને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, તેની જાણ થતાં જ જય ભીમ ડોનર્સ ક્લબની ટીમે તાત્કાલિક એ વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લઈને તેને નીટની પરીક્ષામાં તૈયારી કરવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે આર્થિક મદદ કરી આપી હતી.

શું બન્યું હતું?

JBDC - JAY BHIM Donors Club દ્વારા તા. 31.10.2023ના રોજ વિદ્યાર્થી ધર્મેન્દ્ર પરમારને ધોરણ 12 સાયન્સ બાદ નીટની તૈયારી માટે ટયુશન કલાસીસ માટે રૂ. 25,000ની શૈક્ષણિક જરૂરિયાત અંગે મદદ કરવામાં આવી હતી. મૂળ ભાલાળા, તા. લખતર(જી. સુરેન્દ્રનગર)ના વતની આ પરિવારજનો અમદાવાદમાં રોનક સોસાયટી, રામદેવનગર ચાર રસ્તા પાસે, સેટેલાઇટ ખાતે રહે છે. ધર્મેન્દ્ર ઇસ્કોન-આંબલી બોપલ રોડ પર આવેલા એક ટ્યુશન ક્લાસમાં નીટની તૈયારી કરે છે. તેની કુલ ફી જરૂરિયાત રૂ. 55,000 છે.

ધર્મેન્દ્ર પરમારના પિતા મથુરભાઈ પરમારે JBDCના સભ્ય રમેશભાઈ ખંડવી પાસે જઈને પોતાની સઘળી પારિવારિક પરિસ્થિતિનું વર્ણન કર્યું અને JBDC પાસે મદદ માંગી. રમેશભાઈ ખંડવીએ JBDC ગ્રુપ એડમીન ભરત મંજુલાબેન અને બિપિન ખંડવીને ફોન મારફત આ સઘળી પરિસ્થિતિથી વાકેફ કર્યા. ત્યારબાદ JBDC એડ્મીન સભ્યો ઉમેશકુમાર પરમાર અને ભરત મંજુલાબેને તા. 28-10ના રોજ ધર્મેન્દ્રના ઘરની રૂબરૂ મુલાકાત કરી.

આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, ધર્મેન્દ્રના પિતા મથુરભાઈને 8 મહિના અગાઉ બાયપાસ સર્જરી કરાવી છે અને તેને લીધે તબિયત થોડી નાદુરસ્ત રહે છે. તેઓએ હાલ છેલ્લા 15 દિવસથી અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી ચાલુ કરી છે અને રૂ. 9 હજાર પગાર ધરાવે છે. વિદ્યાર્થીના માતા રંજનબેન સરોજ સ્મૃતિ પ્રજ્ઞકુલમ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનું નિવાસી કલાકેન્દ્રમાં 15 અંધ કન્યાઓને સંભાળવાની જવાબદારી નિભાવે છે અને બદલામાં સંસ્થા રંજનબેનને રૂ. 10 હજાર પગાર આપે છે. સંસ્થાએ પરિવારને રહેવા માટે સંસ્થાના મકાનમાં જગ્યા ફાળવી છે, જ્યાં વિદ્યાર્થી ધર્મેન્દ્ર અને પરિવાર રહે છે.

 

પરિવારમાં ધર્મેન્દ્રને એક ભાઈ ગણેશ છે જે ગાંધીનગર ખાતે સરકારી હોસ્ટેલમાં રહી ધોરણ 12માં અભ્યાસ કરે છે. આમ પરિવારમાં ધર્મેન્દ્રના પિતાની તબિયત નાદુરસ્ત રહે છે. પરિવારની આર્થિક આવક સીમિત છે અને જાવક વધારે છે. એવામાં ધર્મેન્દ્રને ફી ભરવી અઘરી થઈ પડે એમ છે. ધર્મેન્દ્રને પણ સારામાં સારું શિક્ષણ મેળવી આ પરિસ્થિતિમાંથી પોતે અને પરિવારને બહાર નીકાળવાની ખેવના છે. અગાઉ સેવાભાવી ડોકટર સી.કે.પરમારે તેની રૂ. 20,000ની ફી ભરી હતી પણ હવે પિતાની તબિયત લથડતા ટ્યુશન ફી ભરવાની તકલીફ ઊભી થઈ.

આમ પરિસ્થિતિની ચકાસણી કર્યા બાદ તા. 31 ઓક્ટોબરના રોજ JBDCના એડ્મીન સભ્યો ઉમેશકુમાર પરમાર, ભરત મંજુલાબેન, ડો. પ્રશાંત જાદવ દ્વારા એકવાર ફરીથી ધર્મેન્દ્રના ઘરની મુલાકાત લેવામાં આવી અને રૂ. 25,000ની મદદ કરવામાં આવી.

એ સમયે ધર્મેન્દ્રના પિતા મથુરભાઈએ JBDCને આ પ્રકારના શૈક્ષણિક કાર્યો માટે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા. એટલું જ નહિ ભવિષ્યમાં ધર્મેન્દ્ર પણ સફળતા પ્રાપ્ત કરી JBDCના "PAY BACK TO SOCIETY"ના કાર્યોમાં ભરપૂર સહયોગ આપશે તેવી પાકી ખાતરી આપી હતી.

JBDC દ્વારા કરવામાં આવતા આ પ્રકારના કાર્યોનો સંમ્પૂર્ણ શ્રેય JBDCના તમામ દાતાઓને જાય છે, જેઓ દર મહિને નાનીથી લઈને મોટી રકમરૂપે સંસ્થાને સહયોગ આપતા રહે છે.

આ પણ વાંચો:શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.