ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે

ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે
Photo By Google Images

- ચંદુ મહેરિયા

કેટલીક ઘટનાઓ અને વ્યક્તિઓ ઐતિહાસિક મહત્વનાં હોવા છતાં તે ઈતિહાસમાં નોંધાયેલા હોતાં નથી. દલિત, આદિવાસી, પછાત અને હાંસિયાના લોકો અને તેમનો ઈતિહાસ પૂર્વગ્રહો કે આધાર-પુરાવાના અભાવે ઈતિહાસના પૃષ્ઠોમાં ઓઝલ જોવા મળે છે. ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના મહાન સમાજસુધારક મહાત્મા ફુલે-સાવિત્રી ફુલેના સહયોગી, સમર્થક, સાથી અને કેટલીક બાબતોમાં સમોવડિયા ફાતિમા શેખ ઈતિહાસનું આવું જ એક ગુમનામ પાત્ર છે. સાવિત્રી ફુલે (૧૮૩૧ - ૧૮૯૭) આધુનિક ભારતના આધ્ય મહિલા શિક્ષિકા છે તો તેમના સમકાલીન અને સમવયસ્ક ફાતિમા શેખ (૧૮૩૧,૩૨ થી ૧૯૦૦) આધ્ય મુસ્લિમ મહિલા શિક્ષિકા છે. સબાલ્ટન હિસ્ટ્રીના પ્રતાપે કેટલાક ઈતિહાસવિદો અને સંશોધકોએ ફાતિમા શેખના જીવનકાર્યને ઉજાગર કર્યું છે.

મહાત્મા ફુલેએ ઈ.સ. ૧૮૪૮માં પૂનામાં દલિત કન્યાઓ માટે શાળા શરૂ કરી અને દલિત જાગ્રતિના પ્રયાસો આરંભ્યા તેથી કથિત ઉચ્ચ વર્ણના લોકોએ તેમનો વિરોધ કર્યો. પરંતુ ફુલે ડગ્યા નહીં ત્યારે તેમના પિતા પર પુત્રને આ કામ બંધ કરવા સમજાવવા નહીં તો તેને ઘરમાંથી કાઢી મુકવા દબાણ કર્યું. પિતા રૂઢિવાદીઓ આગળ ઝૂકી ગયા એટલે ફુલે દંપતીએ પિતાનું ઘર છોડી દેવું પડ્યું. એ સમયે તેમને આશરો આપનારાઓમાં એક મુસ્લિમ કુંટુબ પણ હતું. જોતિબાના પિતા ગોવિંદ રાવના મિત્ર અને ઉર્દૂ-ફારસીના શિક્ષક મુન્શી ગફાર બેગની સહાયથી તેઓ પૂનાના ગંજપેટ વિસ્તારમાં ઉસ્માન શેખના ઘરે રહ્યા હતા. ફાતિમા શેખ ઉસ્માન શેખના નાના બહેન હતાં.

શૂદ્રાતિશૂદ્ર બાળકોને ભણાવવા કોઈ શિક્ષકો તૈયાર નહોતા એટલે જોતીરાવે પોતાના પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યા અને પછી તેમણે કન્યા શાળાની બાળાઓને ભણાવવા માંડી. જોકે સાવિત્રીબાઈને તે બદલ ધમકીઓ, ગાળો જ નહીં શારીરિક હુમલા પણ સહેવા પડ્યા હતા. ઘર છોડ્યા પછી પણ ફુલે દંપતીએ શિક્ષણનું કામ જારી રાખ્યું. તેમની શાળામાં ફાતિમા શેખ પણ ભણ્યા અને બાદમાં શિક્ષિકા તરીકે જોડાયા. ઉસ્માન શેખે ફુલેને પોતાનું ઘર શાળા માટે દાનમાં આપી દીધું. સાવિત્રીબાઈની જેમ ફાતિમા શેખને પણ મહાત્મા ફુલેએ શિક્ષિકાની વિધિવત તાલીમ લેવડાવી હતી. ફાતિમા શેખે અહમદનગરની શાળામાંથી શિક્ષિકાની પરીક્ષા પાસ કરી હતી. 

લગભગ પોણા બસો વરસ પહેલાં ફાતિમા શેખ પણ ઘરેઘરે જઈને માબાપોને બાળકોના શિક્ષણનું મહત્વ સમજાવતા અને તેમને સ્કૂલે મોકલવા વિનંતી કરતાં. આ કામ આસાન નહોતું. તેમને હિંદુ ઉપરાંત મુસ્લિમ રૂઢિચુસ્તોના વિરોધનો સામનો કરવો પડતો હતો. શિક્ષણ મેળવવાથી છોકરીઓ બગડી જશે એમ માનતા સમાજમાં જોતીરાવ-સાવિત્રી-ફાતિમાએ શિક્ષણની એવી તો અલખ જગવી કે બહુ થોડા વરસોમાં પૂનામાં પાંચ અને તેની બહાર દસ શાળાઓ સ્થપાઈ. જોતીબા ફુલે વિધવા વિવાહ, કુટુંબના બળાત્કારનો ભોગ બનેલી બાળ વિધવાઓના બાળકોને જન્મતાં જ  મારી નાંખવામાંથી ઉગારવા બાળહત્યા પ્રતિબંધક ગૃહ, સ્ત્રીઓને સમાજમાં સમાન સ્થાન અને ખેડૂતોના શોષણ જેવા મુદ્દે જે સમાજ સુધારણાના કામો કરતા તેમાં  ફાતિમા શેખ પણ જોડાયેલા હતા. સાવિત્રીબાઈની દીર્ઘ બીમારી દરમિયાન તેમના કામનો બધો બોજ ફાતિમાના શિરે હતો. આ સમયગાળામાં તેઓ મહાત્મા ફુલે સ્થાપિત એક ક્ન્યા શાળાના આચાર્યા પણ હતા.

ફાતિમા શેખના દેહ વિલયને આજે તો આશરે સવાસો વરસ થવા આવ્યા છે પરંતુ તેમણે આરંભેલા શિક્ષણની, ખાસ તો મુસ્લિમ કન્યાઓના શિક્ષણની,  શું હાલત છે તે વિચારણીય છે. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ઈ.સ. ૧૯૦૧માં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ૯.૮૩ ટકા હતું.. મુસ્લિમ મહિલાઓમાં તો તે માત્ર ૦.૬૯ ટકા જ હતું.. ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે મુસ્લિમ મહિલાઓનો સાક્ષરતા દર ૫૧.૯ ટકા છે. એટલે  એક સો દસ વરસ પહેલાં શૂન્યથી શરૂ થયેલો મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે પચાસ ટકાએ પહોંચ્યો છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે.

મુસ્લિમો આપણા દેશનો બીજો મોટો ધાર્મિક સમૂહ છે. વિશ્વના દર દસે એક મુસ્લિમ ભારતીય છે. દુનિયાની કુલ વસ્તીમાં ૧૮૦ કરોડ કે ૨૩ ટકા વસ્તી મુસલમાનોની છે. ૧૯૫૧માં ભારતમાં ૩.૪ કરોડ મુસલમાનો હતા. આજે આશરે ૧૫ ટકા કે ૧૯.૩ કરોડ છે. ઉત્તરપ્રદેશમાં ૩.૦૭ કરોડ(૧૯.૩  ટકા) પશ્ચિમ બંગાળમાં ૨.૦૨ કરોડ(૨૫ ટકા) અને બિહારમાં ૧.૩૭ કરોડ( ૧૬.૯ ટકા) મુસ્લિમ વસ્તી છે. એ હિસાબે દેશની કુલ મુસ્લિમ વસ્તીનો અડધોઅડધ હિસ્સો આ ત્રણ રાજ્યોમાં છે. ગુજરાતમાં ૯.૭ ટકા કે ૫૮.૫૭ લાખ મુસલમાનો  છે.

૨૦૦૬ના જસ્ટિસ રાજિન્દર સચ્ચર સમિતિના અહેવાલ પ્રમાણે  ભારતમાં મુસ્લિમોની આર્થિક-શૈક્ષણિક સ્થિતિ અનુસૂચિત જાતિ ,જનજાતિ કરતાં પણ બદતર  છે. ૨૦ થી ૩૦ વરસના હાલના દલિત યુવાનો તેમની આગળની પેઢી (૫૧ વરસથી વધુ) કરતાં ત્રણ ગણા ગ્રેજ્યુએટ છે પરંતુ મુસ્લિમ યુવાનોમાં આ પ્રમાણ બે ગણું છે. ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની રાષ્ટ્રીય સરેરાશ ૨૩. ૬ ટકા છે. દલિતોની ટકાવારી ૧૮.૫ અને અન્ય પછાતોની ૨૨.૧ ટકા છે. પરંતુ મુસ્લિમોની ટકાવારી તેનાથી ઘણી ઓછી એટલે કે ૧૩.૮ ટકા જ છે.દેશની મહત્વની કોલેજોમાં દર ૫૦ વિધાર્થીએ એક જ મુસ્લિમ યુવાન ગ્રેજ્યુએશન ડિગ્રીના અંતિમ વરસમાં શિક્ષણ મેળવે છે. છેલ્લા ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન પ્રમાણે ૨૦૧૯-૨૦માં હાયર એજ્યુકેશન મેળવતા મુસ્લિમોની સંખ્યા ૨૧.૦૧ લાખ હતી. ૨૦૨૦-૨૧માં તે ૧૯.૨૨ લાખ થઈ ગઈ છે.એટલે કે ૧.૭૯ લાખ મુસ્લિમ વિધ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ છોડી દીધું છે. આ ઘટાડો દેશના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયો હોઈ તે દેશવ્યાપી હોવાનું કહી શકાય. શાળા છોડી જતાં વિધ્યાર્થીઓની રાષ્ટ્રીય સરેરાશ ૧૩.૨ ટકા છે પરંતુ મુસ્લિમ બાળકોમાં તે ૧૭.૬ ટકા છે. 

૨૦૧૧માં હિંદુ પુરુષોનો સાક્ષરતા દર ૭૦.૭૮ ટકા હતો તો મુસ્લિમ પુરુષોનો ૬૨.૪૧ ટકા હતો. દેશમાં ૫૫.૯૮ ટકા હિંદુ અને ૫૧.૯ ટકા મુસ્લિમ મહિલાઓ શિક્ષિત હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ૨૦૧૭-૧૮ના સર્વેમાં મુસ્લિમ મહિલાઓના શિક્ષણની ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે. ૩ થી ૩૫ વરસની ૨૧.૯ ટકા મુસ્લિમ મહિલાઓ કદી શાળાનું પગથિયુ ચઢી  નથી. ૧૮ ટકા જ બારમું કે તેથી વધુ ભણી છે. ૩૦ ટકા મુસ્લિમ મહિલાઓ સાવ જ નિરક્ષર છે.

નબળી સામાજિક-આર્થિક સ્થિતિ મુસ્લિમોમાં ઉચ્ચ શિક્ષણ અને એકંદર શિક્ષણ ઓછું હોવા માટે જવાબદાર પરિબળ છે. મુસ્લિમોની ગરીબી અને બેરોજગારી તેમના બાળકોના શિક્ષણપ્રાપ્તિના માર્ગમાં મોટો અવરોધ છે. વળી શિક્ષણમાં જે અસમાનતા છે તે પણ મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રાખે છે. મુખ્યત્વે સરકારી શિક્ષણ સંસ્થાઓમાં મુસ્લિમ વિધાર્થીઓ શિક્ષણ મેળવે છે. તેની બદતર હાલત, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પૂરતી માળખાકીય સગવડોનો અભાવ  તથા મુસ્લિમબહુલ વિસ્તારોની શાળા-કોલેજોમાં શિક્ષકો-અધ્યાપકોની ખાલી જગ્યાઓનું મોટું પ્રમાણ મુસ્લિમ વિધાર્થીઓને ઉત્તમ નહીં તો સારા શિક્ષણથી દૂર રાખે છે.

મુસ્લિમોમાં ગરીબી, છોકરા કરતાં છોકરીઓનું નીચું સ્થાન,  ધાર્મિક ખ્યાલો જેવા કારણોથી કન્યા શિક્ષણ ઓછું છે. શિક્ષણ સ્ત્રીમાં આત્મસન્માન જગાડે છે, આત્મનિર્ભર બનાવે છે. મહિલાના સર્વાંગી વિકાસનો માર્ગ ખોલે છે. એક સફળ માતા, જવાબદાર નાગરિક અને બહેતર ઈન્સાન બનાવવા માટેની પ્રાથમિક શરત મહિલાનું શિક્ષિત હોવું છે. પોણા બસો વરસ પહેલા ફાતિમા શેખે મુસ્લિમ મહિલા શિક્ષણનો માર્ગ કંડાર્યો હતો. આજના મુસ્લિમ સમાજે તેને અજવાળીને તેમના કાર્યને સાર્થક કરવાનું છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.