મુસ્લિમ યુવકે ધસમસતા પૂર વચ્ચે જીવ જોખમમાં મુકી પૂજારીનો જીવ બચાવ્યો
અમરેલીના લાઠીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મુસ્લિમ યુવક પૂજારીનો જીવ બચાવતો જોવા મળે છે.

થોડા દિવસ પહેલા અમરેલીના લાઠી તાલુકાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગાગડિયા નદીના ધસમસતા પૂરના પ્રવાહ વચ્ચે એક યુવક જાણે મસ્તી કરતો હોય તેમ જણાતું હતું. જો કે વાયરલ આ વીડિયોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે યુવક પૂરના પાણી વચ્ચે મસ્તી નહોતો કરી રહ્યો પરંતુ તેનાથી થોડે દૂર પૂરના પાણીમાં ફસાયેલા એક પૂજારીનો જીવ બચાવવા માટે જઈ રહ્યો હતો. લાઠીમાં એ વખતે એકસાથે ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવક ઊભો હોય તેવાં દૃશ્યો વાયરલ થયા હતા. એ સાથે જ લોકો એ સવાલ પણ કરી રહ્યા હતા કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આવા જોખમી સ્ટંટ શા માટે? શું યુવાનને એટલી પણ સમજણ નથી પડતી કે તેનું આ વર્તન ‘જીવલેણ’ સાબિત થઈ શકતું હતું? પરંતુ, હવે સમગ્ર ઘટનામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવા સામે ખુદ સરકારી આંકડા સવાલ ઉઠાવે છે
પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઉતરેલો તે યુવક હકીકતમાં મુસ્લિમ સમાજનો છે અને તે ગામના ખોડિયાર માતાના મંદિરના પૂજારીને બચાવવા માટે પાણીના ધસમસતા પ્રવાહમાં ઉતર્યો હતો. એકાએક ધોધમાર વરસાદ ખાબકતા વયોવૃદ્ધ પૂજારી મંદિરમાં ફસાઈ ગયા હતા. ત્યારે મુસ્લિમ યુવક પાણીના પ્રવાહમાં ઉતરીને તેમને બચાવીને સામે કાંઠે લાવ્યો હતો.
આ વીડિયો એ વાતની સાબિતી તો આપી જ રહ્યો છે કે યુવક કોઈ સ્ટંટ માટે પાણીમાં ન હતો ઉતર્યો. આ દ્રશ્યોએ કોમી એકતાનું મોટું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. પાણીનો પ્રવાહ એકાએક વધતાં પૂજારીના જીવ પર જોખમ ઊભું થયું હતું. ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના મુસ્લિમ યુવકે તેમનો જીવ બચાવ્યો. હાલ યુવાનના આ કામની ઘણી પ્રશંસા થઈ રહી છે. હાલ દેશભરમાં ચોતરફ હિંદુ-મુસ્લિમ વચ્ચેની ખાઈ સતત પહોળી થતી જઈ રહી છે, ખાસ કરીને હિંદુત્વવાદીઓ દ્વારા સતત મુસ્લિમોને નિશાન બનાવીને હુમલાઓ કરાઈ રહ્યાં છે ત્યારે આ વીડિયોએ કોમી એકતાનું એક નવું ઉદાહરણ પુરું પાડ્યું છે.
આ પણ વાંચો: મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા