મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા

સાઉદી અરેબિયામાં આવેલા ઈસ્લામના પવિત્ર ધર્મસ્થાન મક્કામાં ચાલુ વર્ષે ભીષણ ગરમીના કારણે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા છે.

મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા
image credit - Google images

મહાન તત્વચિંતક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સાથે શા માટે સરખાવ્યો છે તેના ઉદાહરણો ક્યાંય શોધવા જવાની જરૂર નથી. હિંદુઓ જેમ મંદિરોમાં ટોળેટોળાં બનીને ઉમટી પડે છે અને જીવ ગુમાવે છે, તેવી જ સ્થિતિ અન્ય ધર્મોમાં પણ જોવા મળે છે. ધર્મના નશામાં માણસને પોતાના જીવની પણ પરવા નથી રહેતી. ઈશ્વર, અલ્લાહ, ગોડ કે કોઈ અન્ય અદ્રશ્ય શક્તિ તમને બચાવવા માટે નથી આવવાની એટલી સાદી સમજણ પણ તે ગુમાવી બેસે છે, અને તેનું તાજું ઉદાહરણ મક્કાની હજયાત્રામાં જોવા મળી રહ્યું છે, જ્યાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા છે. 

સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ખૂબ જ ગરમી પડી રહી છે. જેના કારણે અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ હજ યાત્રીઓ મોતને ભેટ્યાં છે. આમાં મોટી સંખ્યામાં ભારતીય હજ યાત્રીઓનો સમાવેશ થાય છે જેઓ થોડા સમય પહેલા હજ માટે સાઉદી અરેબિયા ગયા હતા. સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહદ અલ-જલાઝેલે રવિવારે જણાવ્યું હતું કે આ વર્ષની હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧,૩૦૧ લોકોના મોત થયા છે. 

આ પણ વાંચો: મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે 'ભૂલ થઈ'

મીડિયાએ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે “આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરી કરવાને કારણે” યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ઘણા વૃદ્ધ લોકો અને લાંબી બિમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે લગભગ ૮૩ ટકા મૃત્યુ એવા લોકોના થયા છે જેઓ તીર્થયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં ઉનાળાનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી.” 

શુક્રવારે માહિતી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ વર્ષે હજયાત્રા દરમિયાન ૯૮ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ૧ લાખ ૭૫ હજાર શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે. ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન ૧૮૭ ભારતીય નાગરિકોના મોત થયા હતા. ઈસ્લામના પાંચ સ્તંભોમાં હજને મુખ્ય સ્તંભ ગણવામાં આવે છે. શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. એવું માનવામાં આવે છે કે હજ કરવાથી તમામ પાપો ધોવાઇ જાય છે અને વ્યક્તિ મક્કાથી પવિત્ર બનીને પરત ફરે છે.

આ પણ વાંચો: આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.