આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

દેશની આઝાદી બાદ આ પહેલી સરકાર છે, જેમાં દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમ સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી.

આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
image credit - Google images

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધાં છે. બિનસાંપ્રદાયિક ભારત દેશમાં આઝાદી બાદ આ પહેલી એવી સરકાર છે જેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ મંત્રીમંડળમાં સામેલ નથી. રવિવારે નરેન્દ્ર મોદીની સાથે ૭૧ મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સરકારના મંત્રીમંડળમાં એક પણ મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું નથી. આઝાદી પછી આ પહેલી કેન્દ્ર સરકાર છે, જેમાં તેની કેબિનેટની રચનામાં કોઈ મુસ્લિમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો ટ્રેન્ડ ત્રણથી શરૂ થયો હતો અને હવે શૂન્ય પર અટકી ગયો છે.

છેલ્લે મુખ્તાર અબ્બાસ નકવી હતા

વડાપ્રધાન મોદીની કેબિનેટમાં છેલ્લા મુસ્લિમ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની અને પ્રથમ કાર્યકાળમાં નઝમા હેપતુલ્લા, એમ.જે. અકબર અને મુખ્તાર અબ્બાસ નકવીના રૂપમાં ત્રણ મુસ્લિમ મંત્રીઓને મંત્રીમંડળમાં બનાવવામાં આવ્યા. ત્યારપછી કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ ત્રણ મુસ્લિમ મંત્રીઓ સાથેનો ટ્રેન્ડ હવે શૂન્ય પર પહોંચી ગયો છે.

જનસંઘ દ્વારા જનતા પાર્ટી અને બીજેપીના પ્રારંભિક તબક્કાથી પાર્ટીમાં મુસ્લિમ નેતૃત્વ હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં ભાજપના વરિષ્ઠ મુસ્લિમ નેતાઓમાં સિકંદર બખ્ત, આરીફ બેગ, મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈનનો સમાવેશ થતો હતો. સિકંદર બખ્ત અને આરીફ બેગ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. શાહનવાઝ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા છે. શાહનવાઝ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપના મુસ્લિમ નેતા માટે લોકસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મુશ્કેલ કામ હતું.

ક્યા મુસ્લિમ મંત્રી સાથે શું થયું?

આમ તો મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ત્રણ મુસ્લિમ હતા, પરંતુ આ જ કાર્યકાળમાં મી ટુ અભિયાનના નિશાના પર બનેલા એમ. જે. અકબરને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે નઝમા હેપતુલ્લા રાજ્યપાલ બન્યા હતા અને મુખ્તાર અબ્બાસ નકવીને છોડી દેવામાં આવ્યા હતા. એકમાત્ર મુસ્લિમ મંત્રી તરીકે ૨૦૧૯માં, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત સરકારની રચના થઈ ત્યારે મુખ્તાર અબ્બાસ નકવીને મુસ્લિમ ચહેરા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. જુલાઈ ૨૦૨૨માં મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભામાં લઘુમતી કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો.

આ પણ વાંચો: મુસ્લિમ પરિવારને ગામે મદદ કરીને હજ માટે મોકલતા ભાવુક દ્રશ્યો સર્જાયા

પાર્ટીએ તેમને રાજ્યસભામાં ન મોકલ્યા, જેના કારણે તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને આ સાથે મોદી કેબિનેટમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નથી.

દેશમાં મુસ્લિમ સમાજની વસ્તી અંદાજે 20 કરોડ

દેશમાં જ્યારે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવી ત્યારે એવી અપેક્ષા હતી કે કોઈ મુસ્લિમને મંત્રી બનાવવામાં આવશે, પરંતુ રવિવારે મંત્રીમંડળની રચનામાં કોઈ મુસ્લિમને સ્થાન મળ્યું નથી. દેશમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨૦ કરોડ છે, પરંતુ ભારત સરકારમાં તેમની ભાગીદારી શૂન્ય છે. જો કે, મોદી સરકારમાં લઘુમતી સમુદાયના ૫ મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં કિરેન રિજિજુ અને હરદીપ પુરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રવનીત સિંહ બિટ્ટુ, જ્યોર્જ કુરિયન અને રામદાસ આઠવલે રાજ્યકક્ષાના મંત્રી છે. રિજિજુ અને કુરિયન ખ્રિસ્તી સમુદાયમાંથી છે, જ્યારે હરદીપ પુરી અને બિટ્ટુ શીખ સમુદાયમાંથી છે. રામદાસ આઠવલે બૌદ્ધ ધર્મના છે. પણ મંત્રીમંડળમાં એકેય મુસ્લિમ મંત્રી નથી.

મુસ્લિમ સમાજ ભાજપથી દૂર જઈ રહ્યો છે

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સાત મુસ્લિમોને અલગ-અલગ બેઠકો પર ટિકિટ આપી હતી, પરંતુ એક પણ મુસ્લિમ નેતા તેમની બેઠક જીતવામાં સફળ થયો ન હતો. આ પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છ મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. આ વખતે ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપે કેરળની મલપ્પુરમ બેઠક પરથી અબ્દુલ સલામને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ આ બેઠક પરથી હારી ગયા હતા. આ રીતે મુસ્લિમ સમુદાય ભાજપથી અંતર બનાવી રહ્યો છે, અને સામે ભાજપ પણ તેમનાથી અંતર જાળવી રહ્યું છે.

કથિત બિનસાંપ્રદાયિક પક્ષો પણ ભાજપને રસ્તે

રાજકીય વિશ્લેષકો કહે છે કે, ભાજપ અને મોદી સરકારમાં મુસ્લિમ ચહેરો હોવો એ માત્ર ઔપચારિકતા છે, પરંતુ ૧૪ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ ન હોવું એ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે હવે દેશમાં મુસ્લિમ રાજકારણ સાવ અપ્રસ્તુત બની રહ્યું છે, માત્ર ભાજપ જ નહીં પણ કહેવાતા સેક્યુલર પક્ષો પણ તેમને ટિકિટ આપવાનું ટાળી રહ્યાં છે અને તેમને રાજકારણમાં આગળ લાવવાથી મોં ફેરવી રહ્યા છે. ચૂંટણી લડવાની મર્યાદિત તકોને કારણે વર્તમાન લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ પણ ઘટ્યું છે.

આ પણ વાંચો: ચુંટણીમાં  BSP ની હાર થતાં માયાવતી નિરાશ, મુસ્લિમોને લઈને જાહેરાત કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.