વિધાનસભાની ચૂંટણી હારી ગઈ તેના આઘાતમાં મારા પિતા મૃત્યુ પામ્યા...
રાજસ્થાનની ભરતપુર લોકસભા સીટ મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ગઢ ગણાય છે, પણ એક 26 વર્ષની દલિત મહિલાએ તેના કાંગરા ખેરવી નાખ્યા. જાણો કોણ છે એ મહિલા.
રાજસ્થાનના પાટનગર જયપુરથી 160 કિમી દૂર અલવર જિલ્લાનું સમૂચી નામનું ગામ છે. દલિતો મહોલ્લામાં જે કેટલાક પાકા મકાનો છે, તે પૈકી બે માળનું એક મકાન છે, જે સંજના જાટવનું છે, જેઓ દેશમાં સૌથી નાની ઉંમરની સાંસદ બની ગઈ છે અને ચોતરફ ચર્ચામાં છે.
સંજના જાટવનો જન્મ 1 મે, 1998ના રોજ ભરતપુર જિલ્લાની વૈર વિધાનસભાના ભુસાવરના એક ગામમાં થયો હતો. એક સામાન્ય દલિત પરિવારમાં જન્મેલી સંજનાએ 12મું પાસ કર્યું અને વર્ષ 2016માં તેના લગ્ન ભરતપુર બોર્ડરને અડીને આવેલા અલવર જિલ્લાના સમૂચી ગામમાં થયા. તેના પતિ કપ્તાનસિંહ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. પતિથી પ્રેરિત થઈને સંજના પણ સ્નાતક થઈને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખતી હતી. પણ નિયતિ તેને જુદી જ દિશામાં ખેંચી ગઈ. આજે તે દેશની સૌથી નાની ઉંમરના ચાર લોકસભા સાંસદો પૈકીની એક છે અને તેણે રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ગઢ ગણાતી ભરતપુર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારને હરાવીને છાકો પાડી દીધો છે.
સંજના કહે છે, "સાસરિયામાં મને વહુ નહીં પરંતુ દીકરીની જેમ રાખવામાં આવી છે. મારા પતિ સરકારી નોકરી કરતા હોવાથી હું પણ ઈચ્છતી હતી કે સ્નાતક થઈને સરકારી નોકરી કરીશ. પણ પરિસ્થિતિ મને જુદી જ દિશામાં ખેંચી ગઈ. લગ્ન બાદ ગ્રેજ્યુએશન કર્યું અને પછી એલએલબી કર્યું. મારા જીવનમાં મારા પતિનો મુખ્ય રોલ રહ્યો છે."
આ પણ વાંચો: કોણ છે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર?
સંજનાના પતિ કપ્તાનસિંહ કહે છે, "સંજનાએ લગ્ન પછી સ્નાતકનું ભણતર ચાલું રાખ્યું હતું. મહિલાઓને લઈને અમારા પરિવારમાં સકારાત્મક વાતાવરણ છે. સંજના રાજકારણમાં સમય આપવા નહોતી માંગતી, પણ અમે ઈચ્છતા હતા કે તે રાજકારણમાં આવે અને પરિવાર તથા ગામનું નામ રોશન કરે છે."
સાસરિયામાં સંયુક્ત પરિવારમાં રહેતી સંજના જાટવ એક પત્ની, વહુ અને બે બાળકોની માતાની જવાબદારી નિભાવે છે. સંજના કહે છે, "લગ્નના બે વર્ષ પછી મારા દીકરાનો જન્મ થયો, હવે તે છ વર્ષનો છે અને એક ચાર વર્ષની દીકરી છે. રાજનીતિમાં સમય આપવાનો હોવાથી મારા સાસુ જ બંનેને સાચવે છે. હું ઘરકામ કરું છું અને રાજનીતિ માટે પણ સમય ફાળવું છું."
લોકસભામાં જિત્યા બાદ સંજના જાટવના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયો હતો. જેને લઈને સંજના કહે છે, "એ ખુશીનો માહોલ હતો એટલે ડાન્સ કરી લીધો. પણ વ્યક્તિગત રીતે હું ગંભીર પ્રકૃતિની વ્યક્તિ છું. પિયરમાં મારા પિતા ટ્રેક્ટર ચલાવતા હતા અને ત્યાં કોઈ રાજકારણ સાથે સંકળાયેલું નથી. પણ લગ્ન બાદ સાસરિયામાં આવી તો મારા પતિના દાદા સરપંચ હતા, અહીંથી જ રાજનીતિનો પહેલો અનુભવ મળ્યો."
સંજના અલવર જિલ્લા પરિષદની સભ્ય પણ રહી ચૂકી છે અને તે તેની રાજનીતિનું પહેલું પગથિયું પણ રહ્યું. અગાઉ તે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' અને પ્રિયંકા ગાંધીની 'લડકી હું, લડ સકતી હું' કેમ્પેઈન સાથે પણ જોડાયેલી હતી.
આ પણ વાંચો: કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અલવરની કઠૂમર સીટ પર ચાર વખતના ધારાસભ્ય બાબુલાલ બૈરવાની ટિકિટ કાપીને સંજના જાટવ પર ભરોસો મૂક્યો હતો, પણ તે 409 મતોથી ચૂંટણી હારી ગઈ હતી. એવામાં ભરતપુર લોકસભા સીટ પરની જીતને તે ઘણી મોટી જીત માને છે.
સંજના કહે છે, "મારા માટે આ બહુ મોટી જીત છે. અગાઉ વિધાનસભા ચૂંટણી લડી અને માત્ર 409 મતોથી હારી ગઈ એટલે મને ખબર છે કે એક એક મતની શું કિંમત હોય છે. વિધાનસભા ચૂંટણી હારી ગઈ ત્યારે તેના આઘાતમાં મારા પિતાનું નિધન થઈ ગયું હતું. વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ જ્યારે લોકસભાની ટિકિટ મળી ત્યારે અનેક સવાલો મનમાં ઘેરાતા હતા. પણ જનતાએ મને ઘણો પ્રેમ આપ્યો અને મારી હિંમત વધારી. મને એવો ખ્યાલ ન આવવા દીધો કે હું વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી. પાર્ટી પણ મને હારેલી ઉમેદવાર ન સમજી અને મને સાંસદની ટિકિટ આપી. તેનું પરિણામ આજે આપણી સૌની સામે છે."
સંજના જાટવની ચર્ચા દેશભરમાં તેમની ઓછી ઉંમરના કારણે થઈ રહી છે. પણ રાજસ્થાનમાં તેમની ચર્ચા એટલા માટે જોરશોરથી થઈ રહી છે, કેમ કે તેમણે ભાજપ સરકારના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લામાં ભાજપના ઉમેદવાર અને ભરતપુરથી જ પૂર્વ સાંસદ રહી ચૂકેલા રામસ્વરૂપ કોળીને હરાવ્યા છે. સંજના કહે છે, "મેં નહીં પણ જનતાએ તેમને હરાવ્યા છે. એટલું જ નહીં તેમના ગામ અટારીમાંથી પણ મને વધારે મત મળ્યા છે."
સંજના જાટવને કુલ 5,79,890 વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોળીને 5,27,907 વોટ મળ્યા. એ રીતે સંજના જાટવ 51,983 મતોથી જીત્યા છે.
ભરતપુર લોકસભા સીટમાં આઠ વિધાનસભા સીટો આવે છે. જેમાંથી સંજના જાટવે કઠુમર, માંમા, નગર, ડીગ-કુમ્હેર, નદબઈ, વૈર અને બયાણા બેઠકો પર ભાજપના ઉમેદવાર કરતાં વધુ મત મેળવ્યા છે. પરંતુ, ભરતપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલીને સૌથી વધુ મત મળ્યા છે.
આ પણ વાંચો: વોટ આપતી વેળાનું ચિંતન
એવી પણ ચર્ચાઓ છે કે તેમની નાની ઉંમર અને રાજકારણનો વધુ અનુભવ ન હોવાને કારણે તેમને ભરતપુરના વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડશે. પરંતુ, સંજના જાટવ આત્મવિશ્વાસ સાથે કહે છે, "હું ભરતપુરને વિકાસની નવી દિશા આપીશ. ભરતપુરમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. સાથે જ રોજગાર માટે કોઈ મોટા ઉદ્યોગો નથી. બાળકોને ભણવા માટે બહાર જવું પડે છે, એવી વ્યવસ્થા કરવાના પ્રયાસો કરવામાં આવશે કે જેથી તેમને મુશ્કેલી ન પડે. જ્યાં સુધી મેં જોયું છે, ભાજપના શાસનમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ઘણો વધારો થયો છે. હું મહિલાઓનો અવાજ ઉઠાવીશ અને હંમેશા તેમની સાથે ઉભી રહીશ."
સંજના દલિત સમાજમાંથી આવે છે, હવે જ્યારે તે સાંસદ બની ગઈ છે તો તે પોતાના સમાજ માટે શું કરશે? આ પ્રશ્ન પર તે કહે છે, "હું માત્ર મારા સમાજ માટે જ નહીં પરંતુ દરેક સમાજ માટે કામ કરીશ. મને સૌ સમાજે પસંદ કરી છે."
લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ સંજના જાટવ 26 વર્ષની થઈ હતી. તેની પહેલા સચિન પાયલોટ 26 વર્ષની ઉંમરે સાંસદ ચૂંટાયા હતા અને સૌથી નાની ઉંમરના સાંસદનો રેકોર્ડ તેમના નામે હતો. પણ સંજનાએ તેને તોડી દીધો છે. સચિન પાયલોટને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, "રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે. મને ખુશી છે કે, એક દલિત પરિવારમાંથી આવતી સજ્જન મહિલાએ આ રેકોર્ડ તોડ્યો છે અને સાંસદ બની છે. સંજના જાટવને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું."
આ પણ વાંચો: કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Rohit Girish LaxmambhaiJaybhim
-
C p solankiJay bheem namo buddhay
-
C p solankiJay bheem namo buddhay