હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે

હાલની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ-સંઘ બ્રાન્ડ હિંદુત્વના કોમવાદી ઝેરની અસર ઓછી નથી થઈ તેવું આંકડાઓ કહે છે. વાંચો આ રિસર્ચ લેખ.

હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે
all image credit - Google images

લોકસભા ચૂંટણી-2024ના પરિણામોથી લોકશાહી, માનવ અધિકારો, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ સિદ્ધ કરવાના ઉદ્દેશો માટે લડતા લોકોને થોડી રાહત થઈ છે પણ તેથી તેમણે શાંત બેસી રહેવાની જરૂર નથી. ભૂકંપ, સુનામી કે પૂર જેવી કુદરતી આપત્તિ આવે ત્યારે સૌથી પહેલું કામ લોકોને જીવતા બચાવી લેવાનું અને રાહત આપવાનું થાય છે. પછી જ પુનર્વસન અને પુનર્સ્થાપનનું કામ થાય છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતની લોકશાહી પર નરેન્દ્ર મોદી, ભાજપ, RSS અને NDA સર્જિત તાનાશાહીની જે આપત્તિ આવી પડી હતી તેમાંથી લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ભારતનો અને ભારતના નાગરિકોનો બચાવ કર્યો છે અને મજબૂત વિપક્ષ મળ્યો છે, થોડી રાહત થઈ છે એટલું જ. પણ બંધારણના આમુખમાં જે આદર્શો સિદ્ધ કરવા માટે લખવામાં આવ્યું છે તે સિદ્ધ કરવા માટેની લડાઈ વધુ મજબૂત રીતે ચાલુ રાખવાની જરૂર છે. 

આ વૈચારિક લડાઈ છે, લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોની લડાઈ છે અને તેમાં માત્ર બચાવનું જ કામ આ પરિણામોએ કર્યું છે, આ મૂલ્યોનું પુનર્વસન અને પુનર્સ્થાપન નથી થયું. જે હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી મોદી, ભાજપ અને NDA દ્વારા ઊભી કરવામાં આવી હતી તે સહેજે હારી નથી એ સમજવા માટે કેટલીક હકીકતો જોઈએ : [1] ભાજપને 23.6 કરોડ મતદાતાઓએ મત આપ્યા છે કે જે 2019 કરતાં આશરે 70 લાખ વધારે છે. આ દેશની 140 કરોડની વસ્તીના એ લગભગ 17 ટકા થયા. એટલે, હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહીની જે રીતરસમ મોદીની સરકાર દ્વારા દસ વર્ષ અપનાવાઈ તે વધુ 70 લાખ નાગરિકોને ગમી છે. તેમને લોકશાહી મૂલ્યો સાથે કશી લેવાદેવા નથી. આ લોકોનું લોકશાહી મૂલ્યોમાં પુનર્વસન કેવી રીતે થઈ શકે? [2] દેશમાં જે પ્રાદેશિક પક્ષો છે તેમને તેમના પ્રદેશમાં સત્તા જોઈએ છે અને મળેલી સત્તા ટકાવવી છે. તેમને સમગ્ર દેશની લોકશાહીની ઝાઝી ચિંતા છે જ નહિ. એટલે તેઓ ભાજપ સાથે હાથ મિલાવે છે. [3] ઇન્દિરા ગાંધીએ 1975-77ના 19 મહિના દરમ્યાન કોંગ્રેસને તાનાશાહી પક્ષ બનાવી દીધો હતો. એ જ કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ છેલ્લાં દસ વર્ષથી ભારે અવરોધો વચ્ચે લડે છે. તેને આ ચૂંટણીમાં 13.7 કરોડ મત મળ્યા છે કે જે 2019 કરતાં 1.8 કરોડ વધારે છે. આ મત દેશની વસ્તીના માત્ર 10 ટકા જ થયા. એટલે એમ કહી શકાય કે દેશની વસ્તીના માત્ર 10 ટકાને જ રાષ્ટ્રીય સ્તરે લોકશાહી પ્રકારની પરિસ્થિતિ ટકે તેમાં ખરો રસ છે.

આ પણ વાંચો: ધર્મની તાકાત શું છે?

[4] ભાજપને 2019માં 37.36 ટકા મત મળ્યા હતા. 2024માં તેને 36.56 ટકા મત મળ્યા છે. માત્ર 0.8 ટકાનો જ ઘટાડો તેમાં થયો છે. એટલે, જેમને 2014-19 દરમ્યાનની હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી 2019ની ચૂંટણી સમયે ગમી હતી તેમાં કોઈ જ મોટો ફેરફાર થયો નથી, ભલે ભાજપની બેઠકોની સંખ્યા 63 જેટલી ઘટી ગઈ હોય. ભાજપને 44.20 ટકા બેઠકો મળી છે અને તે સૌથી વધુ છે. એટલે મોદીને પરમાત્માએ મોકલ્યા છે એમ ભાજપને મત આપનારા લોકો માને જ છે. 2014માં ભાજપને 31 ટકા મત મળ્યા હતા. આમ, ભાજપને 2019માં જે વધુ 6.36 ટકા મત મળ્યા હતા તેમાં કોઈ જ મોટો તફાવત ઊભો થયો નથી. આ બધા વંડી પર બેઠેલા હતા પણ તેઓ ભાજપના ખેતરમાં આવી ગયા છે એમ પણ કહેવાય. [5] મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં ભાજપને બધી જ બેઠકો મળી છે. 

છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન અને તેલંગણામાં ભાજપ બહુમતી બેઠકો જીત્યો છે. અને વળી, તે ઓડિશામાં એકલે હાથે વિધાનસભાની ચૂંટણી જીતી ગયો છે અને આંધ્ર પ્રદેશમાં TDP સાથે ગઠબંધનમાં વિધાનસભા જીત્યો છે. આ રાજ્યોમાં હવે લોકશાહી મૂલ્યો કેટલાં જળવાશે તે મોટો સવાલ છે. કારણ કે ગુજરાતનો તો 24 વર્ષનો અનુભવ એવો રહ્યો છે કે ભાજપે રાજ્યમાં લોકશાહી મૂલ્યોનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. આ બધાં રાજ્યોની વસ્તી દેશની લગભગ 50 ટકા કરતાં પણ વધારે થાય છે. ત્યાંના લોકોને દેશની લોકશાહીની ઝાઝી ચિંતા નથી એમ જ અર્થ થાય. [6] જે તમિલનાડુમાં ભાજપને એક પણ બેઠક મળી નથી ત્યાં પણ તેને સાથી પક્ષો સાથે 18.27 ટકા મત મળ્યા છે. એટલે ત્યાં ભલે તાનાશાહીનો અનુભવ થયો ના હોય, પણ એટલા નાગરિકો હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહીને આવકારે છે એમ કહેવાય. ત્યાં પણ સ્થાનિક રાજકારણને આધારે પ્રાદેશિક પક્ષો ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર થાય છે. એમના માટે સત્તા મહત્વની છે, લોકશાહી નહિ. આમ, રાજકીય હિંદુત્વ અને તાનાશાહી વલણોનું જે મિશ્રણ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેને દેશના મતદાતાઓએ સદંતર નકારી કાઢ્યું છે એવું છે જ નહિ, પણ વધુ 70 લાખ લોકોએ તેને આવકાર્યું છે. હિંદુ ધર્મ અને RSS બ્રાન્ડ કે ભાજપિયું હિંદુત્વ એક જ છે અને દેશમાં હિંદુઓ અને હિંદુ ધર્મ ખતરામાં છે એવું જે ખોટું કથાનક ઊભું કરવામાં આવ્યું તેને દેશના બહુમતી મતદારોએ સ્વીકાર્યું છે એમ કહેવાય, કારણ કે ‘ઇન્ડિયા’ ગઠબંધનને પણ એટલા મત તો મળ્યા જ નથી જેટલા એનડીએને મળ્યા છે.

આ પણ વાંચો: લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ

   

બેકારી, મોંઘવારી, ગરીબી, ભૂખમરો અને અસમાનતા જેવા કોઈ વાસ્તવિક મુદ્દા આ ચૂંટણીમાં ઝાઝો પ્રભાવ પાડી શક્યા છે એવા ભ્રમમાં રહેવું જોઈએ નહિ. એ કોઈ સમગ્ર રાજ્યોમાં પણ નહિ, પણ કેટલાક પ્રદેશોમાં જ ચિંતાજનક મુદ્દા બન્યા હોઈ શકે છે. તમિલનાડુ સિવાય એક પણ મોટું રાજ્ય એવું નથી કે જ્યાં ભાજપ સાવ સાફ થઈ ગયો હોય. ઉપરાંત, જે 63.44 ટકા મતદારોએ ભાજપને મત આપ્યા નથી તેઓ બધાને લોકશાહી અને બંધારણ પ્રેરિત મૂલ્યોની ચિંતા છે એમ પણ સમજવાની જરૂર નથી. તેમાં ઘણા મતદારો એવા છે કે જેમણે ભાજપને નહિ પણ NDAને તો  મત આપ્યા જ છે. ‘ઇન્ડિયા’માં જે પક્ષો જોડાયા તેઓ પણ બેઠકોની ભાગીદારીમાં બધે જોડાયા છે એવું નથી. ‘ઇન્ડિયા’ના સાથી પક્ષોમાં સૌને જે રાજકીય રીતે પોતાને લાભદાયક લાગતું હતું તે જ કર્યું છે.

આ પણ વાંચો: શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?

આવા સંજોગોમાં જેમને ભારતમાં લોકશાહી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કાયદાનું શાસન અને માનવ અધિકારો ટકે તેની ખરેખર ચિંતા છે તેમણે મતદારોમાં વૈચારિક ક્રાંતિ માટે પ્રયાસ કરવાની જરૂર રહે છે. RSSની શાખા, બે જણા હોય તો પણ ઝંડો લઈને રોજ સવારે તેના નિયત સ્થાને મળે છે અને ભાજપે આ લોકસભાની ચૂંટણી વેળાએ આશરે 60 લાખ વોટ્સએપ ગ્રૂપ બનાવીને જુઠ્ઠાણું ફેલાવી પ્રચાર કર્યો હતો. ભાજપનો IT Cell અને કોર્પોરેટ ગોદી મીડિયા ભાજપિયા હિન્દુત્વથી આગળ લોકો વિચારે નહીં તેની ચીવટ રાખે છે. આ વાસ્તવિકતા પિછાણીને લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોનું પ્રશિક્ષણ લોકોમાં થાય તેનો સતત પ્રયત્ન કરવામાં આવે તો જ લોકશાહી બચે, ટકે અને તેનું સંવર્ધન થાય. દેશની લોકશાહીનો બચાવ થયો છે એટલું જ, લોકશાહીનું પુનર્વસન અને પુનર્સ્થાપન બાકી છે, એ લાંબા ગાળાનો વૈચારિક પ્રોજેક્ટ છે.

રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)

આ પણ વાંચો: RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Sahil Parmar
    Sahil Parmar
    The article is an eye opener piece.No political party is interested in preservation of democratic values.every political party is running after power.Feaudal mind-set of people of India has not changed,so Hindutva which keep caste hegemony intact attracts them (POI) POI are still not worthy for democracy.Most of the people of India are mean because hindutva teaches them meanness.
    5 months ago