રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી

રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી
હેમન્તકુમાર શાહ

લેખક: રોબર્ટ સ્કિદેલસ્કી
ભાવાનુવાદ: હેમન્તકુમાર શાહ

કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’(happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન(1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે. 

આ એમ બતાવે છે કે કોઈ પણ નીતિમાં આવકના વધારાને બદલે સુખમાં વધારો થાય તેવું ધ્યેય હોવું જોઈએ. એનો અર્થ એ છે કે લોકો સુખી કે અસુખી થાય તે માટેનું કારણ માત્ર પૈસા નથી હોતા. સુખ અને અસુખનાં વ્યક્તિલક્ષી પગલાંને વસ્તુલક્ષી પરિસ્થિતિ સાથે જોડવાં પડે. અનેક સર્વે એમ બતાવે છે કે લોકો આવી બાબતોથી વધુ સુખી થાય છે: પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો, આવક ઊભી કરતા કામમાં સંતોષ મળવો, આવકની સલામતી હોવી વગેરે. કોઈ પણ નીતિમાં આ ધ્યેયોને સુખ સાથે જોડવાં જોઈએ. 

સુખનો ખ્યાલ પોતે જ બહુ નબળો છે. મોટા ભાગના સંશોધકો એમ કહે છે કે તેનો અર્થ એ છે કે તે માનસિક સુખાકારી અથવા મનના આનંદ સિવાય બીજું કશું નથી. ધર્મગુરુઓ સુખ વિષે ઉપદેશો આપે છે, શાળાઓમાં સુખ વિષેના અભ્યાસક્રમો ચાલે છે; વગેરે બધું વધતું ચાલ્યું છે. 2008ની મંદી પછી સત્તા પર આવેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ મહિને દેશના નાગરિકોની સુખાકારી માપશે અને સુખાકારીમાં જે ફેરફાર થયો હશે તેને આધારે તેમની નીતિઓ સફળ થઈ કે નહિ તે જોશે અને એને માટે તેઓ પોતાની જાતને જવાબદાર ગણશે. પછી આ પ્રયાસ વિષે કશું સાંભળવા મળ્યું નહોતું. જ્યારે અર્થતંત્ર ખાડામાં પડી રહ્યું હોય ત્યારે સુખાકારી માપવાનું તદ્દન વિચિત્ર લાગે છે. 

પહેલી વાર જોતાં જ એમ લાગે છે કે કોઈ પણ નીતિનું ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો એ કાચી રાષ્ટ્રીય આવકમાં સુધારો છે. તે આવકની વૃદ્ધિના ચક્રમાંથી બહાર નીકળવામાં અથવા તેને ધીમી કરવામાં સહાય કરે છે અને જે સારું(good) છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. 

પરંતુ સુખને મજબૂતપણે કેવી રીતે માપવું એ મુદાને બાજુ પર મૂકીએ તો પણ આમાં એક ખતરનાક ફસામણી છે. જો સુખને કાયમી રીતે સંમત થઈ શકાય તેવી મનની બાબત ગણીએ તો તે આનંદ વધારતી દવાઓ મફત વહેંચવાથી, અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન રોબોટ ઉપર છોડી દેવાથી, મોજશોખની જિંદગી જીવવાથી કે પછી નશામાં રહેવાથી સુખ મહત્તમ થઈ શકે છે. આ તો અક્ષરશ: લોકો  માટે અફીણ કહેવાય. 

અલબત્ત, સુખની ચિંતા કરનારા અર્થશાસ્ત્રીઓ પણ આની હિમાયત કરતા નથી. જો કે, રિચર્ડ લેયાર્ડ(1934-) તેમના સુખ પેદા કરવાના એજન્ડામાં ઔષધીય અને મનોરંજક દવાઓનો સમાવેશ કરે છે ખરા. તેઓ એમ ઈચ્છે છે કે નીતિ એવી હોવી જોઈએ કે જે એવી સ્થિતિનું નિર્માણ કરે કે જે સ્થિતિ લોકો માટે ઓછી દુઃખદાયી હોય. તેઓ એમ પણ માને છે કે આવી સ્થિતિની શોધ થઈ શકે છે. 

ઓછા દુઃખની બાબતને વચગાળાના નૈતિક ધ્યેય તરીકે ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ, એટલે કે લોકો વધુ સારી જિંદગી જીવી શકે તે શક્ય બનાવવું જોઈએ. પરંતુ સુખને જ અંતિમ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુખ તો સારી જિંદગી જીવવાનું પરિણામ છે. પ્રાચીન ગ્રીક દર્શનમાં એમ જ જણાવવામાં આવ્યું છે. સુખ એ કોઈ અલગ ધ્યેય નથી અને તે ઘણી વાર આપોઆપ બની જતી ઘટના છે. 

અમર્ત્ય સેન સુખ માટે બીજાં કેટલાંક માપ બતાવે છે. આલ્ફ્રેડ માર્શલની જેમ અમર્ત્ય સેન એમ વિચારે છે કે નીતિનું ધ્યેય સુખાકારીમાં વધારો હોવું જોઈએ. પરંતુ સુખાકારીને માત્ર ભૌતિક વપરાશ જ ન સમજવી જોઈએ. તેને બદલે તે અનેક અને એકબીજાને વળગતી ક્ષમતાઓ કે સમર્થતાઓ(capabilities)થી થાય છે. તે ક્ષમતાઓ એકબીજાથી અલગ ન પણ થઈ શકે. તે ભૌતિક  કલ્યાણ તો છે જ, પણ તેમાં બિન-આર્થિક પાસાં પણ છે, જેમ કે, વ્યક્તિની પોતાને માટે પોતાની યોજના બનાવવાની સ્વતંત્રતા. પરિણામે, આર્થિક વિકાસને વિસ્તરતી ક્ષમતાઓ કે સમર્થતાઓ તરીકે સમજવો જોઈએ, અને ગરીબીને એ સમર્થતાઓના અભાવ તરીકે સમજવી જોઈએ. 

સમર્થતાને નીતિનું ધ્યેય બનાવવામાં આવે તો અંતિમ ધ્યેયની વ્યાખ્યા કરવાની ફસામણીમાંથી બચી શકાય છે. પરંતુ ‘શાની સમર્થતા?’ એવા પ્રશ્નનો ઉત્તર આપવામાં તે નિષ્ફળ જાય છે. વ્યક્તિઓ તંદુરસ્ત કે શિક્ષિત થવા માટે સમર્થ બને તેની કે તેના જેવી બીજી ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? હકીકતમાં જે બાબત મહત્ત્વની છે તે તો એ છે કે તેઓ ખરેખર તંદુરસ્ત અને શિક્ષિત હોય. તંદુરસ્ત અને શિક્ષિત હોવું એટલે શું તે અંગે સરકાર વલણ નક્કી કરે તો તેને તાનાશાહી કહેવાય. એટલે કે સમર્થતા વ્યક્તિગત પસંદગીનું જતન કરે છે.

સ્રોત: 
લેખનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics

આ પણ વાંચો : આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.