હું બહુજન સમાજ પાર્ટીથી ચૂંટણી લડ્યો, મારા કડવા અનુભવો

ગુજરાતમાં એક સમયે બહુજન સમાજ પાર્ટીનો આધાર ગણાતા વરિષ્ઠ નેતા, સમાજસેવક વાલજીભાઈ પટેલ હાલ સુરતમાં બનેલી ઘટનાના સંદર્ભમાં પોતાના જૂનાં અનુભવો વાગોળે છે.

હું બહુજન સમાજ પાર્ટીથી ચૂંટણી લડ્યો, મારા કડવા અનુભવો
યુવાન વયે વાલજીભાઈ પટેલ. image credit - Raju Solanki

બહુજન સમાજ પાર્ટીના સુરતના બનાવ પછી પાર્ટીના લાગણીશીલ નિરાશ યુવા  મિત્રોને માર્ગદર્શન મળે તે માટે મેં અનુભવેલો કડવો પ્રસંગ લખવો મને જરૂરી લાગે છે. એટલે લખી રહ્યો  છું. આમ તો મને લખવાની આદત નથી. હું તો લડનાર માણસ છું.

દિવંગત શ્રી યશવંત વાઘેલાનાં પ્રયત્નોથી અમે આંબેડકરવાદી વિચારધારાવાળા મિત્રો ૧૯૯૪માં  અમદાવાદમાં ભેગા થયા અને ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટીને મજબુત કરવાનો નિર્ણય લેવાયો. ભરૂચના સિનીયર એડવોકેટ મારા મિત્ર દિવંગત શ્રી છગનભાઈ ગોળીગજબારને ગુજરાતના પ્રમુખ અને મને ગુજરાતના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ. બીજા મિત્રોને પણ હોદ્દાઓ આપી સંગઠન મજબૂત બનાવ્યું. તે વખતે બહુજન સમાજ પાર્ટીના નિરીક્ષક મુંબઈના એક મુસ્લિમ અસર્ફી હતા. અમે એક મોટા હોલમાં સંમેલન લીધું. અને પછી તો ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમો સહીત ઘણા મિત્રો પાર્ટીમાં જોડાયા. હું ઉંમરના કારણે ઘણા સાથીઓના નામ ભૂલી ગયો છું. અને અમે  જુદાજુદા જીલ્લાઓમાં  સભાઓ કરી ગુજરાતમાં પાર્ટીનું મજબુત સંગઠન બનાવ્યું. અમદાવાદમાં ત્રણ દરવાજા ખાસ બજારમાં રાત્રે એક મોટું જાહેર સંમેલન લીધું. મુસ્લિમ સમાજનો જબરજસ્ત ટેકો મળ્યો. મારા મિત્ર  એક મોટા મુસ્લિમ વેપારીએ ખાસ બજારમાં ૧૦૦ લોકો બેસી શકે એવી મોટી નવી  બિલ્ડીંગ બહુજન સમાજ પાર્ટીની ઓફીસ બનાવવા મફત  આપી. પંખા અને અન્ય ફર્નિચર પણ તેમણે આપ્યું. મેં મારા સ્વભાવ મુજબ સંમેલનમાં જાહેરાત કરી હું માત્ર પાર્ટીના સંગઠનની ઓફિસ સંભાળીશ. કોઈ ચૂંટણીમાં ઉભો નહીં રહું. ભાઈશ્રી યશવંત વાઘેલાએ પણ મારી જેમ જાહેરાત કરી અને અમે બંનેએ ઓફિસની જવાબદારી સ્વીકારી લીધી. તે વખતે કચ્છના ગાંધીધામમાં મ્યુનિસિપાલીટીની ચૂંટણી આવી. બહુજન સમાજ પાર્ટીના ૬ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. અમે ત્રણ દિવસ સુધી ગણેશનગરમાં રહી ચૂંટણી લડ્યા. જેનાથી લોકોમાં ઉત્સાહ આવ્યો. કાંશીરામ સાહેબ ગુજરાતની કામગીરીથી ખુબ જ ખુશ થયા અને અમને લખનૌ બોલાવ્યા, અમે કાંશીરામ સાહેબને મળ્યા અને વિસ્તૃત ચર્ચા કરી.  

૧૯૯૫માં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી. હવે ખેલ શરૂ થાય છે. ઉમેદવારો નક્કી કરવા કેન્દ્રના પ્રતિનિધિ અસર્ફી ગુજરાતમાં આવી ગયા. એમને હોટેલમાં ઉતારો આપ્યો. અને આ નિરીક્ષકે અમને હોદ્દેદારોને પણ બાજુમાં રાખી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કર્યું. અમદાવાદની શહેર કોટડાની દલિત અને મુસ્લિમની મોટી વસ્તી ધરાવતી  અનામત સીટ પરથી કોંગ્રેસના પ્રધાન મનુભાઈ પરમાર કાયમ ચૂંટાઈને આવતા હતા.  અને ક્યારેય હારે નહિ તેવા અજાતશત્રુ ગણાતા હતા. પણ ગુજરાતની મજબૂત બનેલી બહુજન સમાજ પાર્ટી તેમને ખતરારૂપ લાગી. એટલે તેમણે પોતાના એક અંગત માણસને પૈસા આપી કેન્દ્રના નિરીક્ષક અસર્ફી પાસે મોકલ્યા અને અસર્ફીને નાણાં આપી તેને બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર બનાવી દીધો. સુરતની જેમ છેલ્લા દિવસે આ ડમી ઉમેદવાર ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસના મનુભાઈની જીત પાકી કરવા કૌભાંડ કરાયું. પાર્ટીના પ્રમુખ છગનભાઈ ગોડીગજબારને ખબર પડી. નિરીક્ષક અસર્ફી સાથે તો વાત કરવાનો કોઈ અર્થ નહોતો. એટલે  તેમણે કાંશીરામ સાહેબ સાથે સીધો ફોન કરી આખો રિપોર્ટ આપ્યો. અને સાહેબે બીજા ઉમેદવારને નક્કી કરવા હુકમ કર્યો. છગનભાઈએ મારા નામની દરખાસ્ત મૂકી અને કહ્યું કે, વાલજીભાઈ ચૂંટણી લડવા તૈયાર નથી. એટલે આપ તેમને સમજાવો. તે વખતે  હું અને યશવંતભાઈ બંને બહારગામ હતા. અમને તાત્કાલિક અમદાવાદ બોલાવવામાં આવ્યા અને બધી માહિતી મળી. મારું નામ શહેર કોટડામાં ચૂંટણી લડવા નક્કી કર્યું. મેં ના પાડી, એટલે મને પ્રમુખે કાંશીરામ સાહેબ સાથે વાત કરાવી. સાહેબે મને કહ્યું કે, આપ ખડે રહેંગે ઔર મેં આપકા પ્રચાર કરને લિયે આઉંગા. આમ કાંશીરામ સાહેબે મારા પ્રચાર માટે આવવાની મને પ્રોમિસ કરી અને મને શહેરકોટડામાં ચૂંટણી લડવાની ફરજ પડી. પાર્ટીના બધા જ સાથી મિત્રો શહેરકોટડાને ટારગેટ કરી ચૂંટણી પ્રચાર માટે મંડી પડ્યા.

કોંગ્રેસ સરકારના માજી શિક્ષણ મંત્રી આયેશા બેગમ શેખ મારા સંબધોના કારણે મુસ્લિમ બહેનોમાં પ્રચાર માટે આવ્યા. કાંશીરામ સાહેબે પણ તેમની પ્રોમિસ નિભાવી. અને હેલિકોપ્ટર લઇ સાહેબ માત્ર મારી ચૂંટણી સભા સંબોધવા જ અમદાવાદ આવ્યા. અને રાજપુર ચારરસ્તા પર ભવ્ય સભા થઈ.  જબરજસ્ત વાતાવરણ સર્જાયું.  બહુજન સમાજ પાર્ટીનો હાથી આગળ ચાલે છે તેવી અખબારી નોંધ આવવા લાગી. કાંશીરામ સાહેબે નિરીક્ષક અસર્ફીને યે સીટ નિકલ સકતી હૈ ઇસ પર ધ્યાન રખ્ખો. કહી નાણા આપ્યા. પણ નિરીક્ષક અસર્ફીએ કોઈ ખર્ચ ન કર્યો અને હું મારા પોતાના તેત્રીસ હજાર રૂપિયા ખર્ચી ચૂંટણી લડ્યો. પરિણામ જોરદાર આવ્યું. આપણી બહુજન સમાજ પાર્ટીને ૧૩૪૪૦ ( તેર હજાર ચારસો ચાલીશ) મત મળ્યા. કોંગ્રેસ ના સીટીંગ મજૂર પ્રધાન મનુભાઈ પરમારને બહુજન પાર્ટી કરતા માત્ર ને માત્ર ૫૭૦૮ મત જ વધારે મળ્યા. અને લાભ બીજેપીને મળતા તેને ૨૬૧૨૬ મત મળ્યા અને તે જીતી ગયા. શહેર કોટડામાં કોંગ્રેસની મોનોપોલી તૂટી. શહેર કોટડા ખૂબ મોટો વિસ્તાર છે. પૈસાને અભાવે સમગ્ર વિસ્તારમાં અમે તંત્ર ગોઠવી શક્યા નહિ. માન્યવર કાંશીરામ સાહેબે આપેલ નાણા જો નિરીક્ષક અસર્ફીએ ખર્ચ્યા હોત તો બી.એસ.પી. નો એક ધારાસભ્ય ૧૯૯૫માં બન્યો હોત અને બહુજન સમાજ પાર્ટીનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું હોત. 

વાલજીભાઈ પટેલ

માન્યવર કાંશીરામ સાહેબે કહ્યું છે કે, ચૂંટણીમાં પાર્ટીનો પહેલો તબક્કો હારનેવાલી પાર્ટી, બીજો તબક્કો હરાને વાલી પાર્ટી અને ત્રીજો તબક્કો જીતને વાલી પાર્ટી બને છે. ગુજરાતમાં આપણી બહુજન સમાજ પાર્ટી મજબૂત હરાનેવાલી બીજા તબક્કામાં આવી ગઈ. માત્ર બી.એસ.પી.નાં કારણે જ કોંગ્રેસના શાસનનાં સીટીંગ પ્રધાનને હારવાની ફરજ પડી. ગુજરાતમાં બહુજન સામાજ પાર્ટી  હારવા છતાં મોટું બળ બન્યું. અને પાર્ટીનું સંગઠન વિશાળ થવા લાગ્યું. પણ માન્યવર કાંશીરામ સાહેબના અવસાન પછી સત્તા માયાવતીના હાથમાં આવી. અને પાર્ટીમાં વૈચારિક સિંધ્ધાંત બાજુમાં રાખી માત્ર સત્તાલક્ષી માનસિકતાએ પાર્ટીના પાયા હચમચાવી દીધા. ગુજરાતમાં અમે મહેનત કરી દલિત-મુસ્લિમ એકતાની એક મોટી ધરી બનાવી હતી. પણ વર્ષ ૨૦૦૨ના અત્યાચારોમાં સમગ્ર મુસ્લિમ સમાજ બેબસ અને લાચાર બની ગયો હતો. બરાબર તે જ વર્ષ ૨૦૦૨માં  અમદાવાદના કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં બહુજન સમાજ પાર્ટીનું અધિવેશન મળ્યું. અને અમારા આશ્ચર્ય વચ્ચે માયાવતીએ નક્કી મુજબ તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ પર પ્રગટ થઇ ગયા અને માયાવતીએ મોદીનો હાથ પકડી ઉંચો કરી જાહેરાત કરી કે આવતી કાલથી નરેન્દ્ર મોદી સાથે કામે લાગી જાવ. અમારી સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઈ. સંમેલનમાં દૂર દૂરથી આવેલા બહુજન સમાજ પાર્ટીના મુસ્લિમ હોદ્દેદારો-મિત્રો અવાક થઇ ગયા. હું આ આઘાત ક્યારેય ભૂલી શકું નહિ. માયાવતીના આવા સિધ્ધાંત વિરૂદ્ધના વર્તનથી અમે સૌ મિત્રોએ બહુજન સમાજ પાર્ટીનું વિસર્જન કરી છૂટા થઇ ગયા. ગુજરાતના ૨૦૦૨ નાં ભયંકર અત્યાચારોના સમયમાં જવાબદાર નરેન્દ્ર મોદીનો હાથ પકડી તેમની સાથે કામ કરવાના માયાવતીએ કરેલા આદેશનું કારણ મને આજે પણ સમજાતું નથી.   

કાંશીરામ સાહેબ દેશભરમાં પાર્ટીના વિસ્તાર માટે ગંભીરતાથી વિચારતા હતા અને જાતે દોડધામ કરતા હતા. દરેક રાજ્યોના હોદ્દેદારો સાથે સંપર્કમાં રહેતા હતા. અમે ગમે ત્યારે સાહેબ સાથે વાત કરી શકતા હતા. તે અમારી ખૂબ ઈજ્જત કરતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, આ બધું  માયાવતીના વહીવટમાં કેમ થતું નથી? જુદા જુદા રાજ્યોના હોદ્દેદારો સાથે પણ તેમનો કોઈ સંપર્ક નથી. હકીકતમાં રાજ્યોનાં સંગઠન મુદ્દે માયાવતીજીને કોઈ જ રસ નથી. માત્ર બહુજન સમાજ પાર્ટીનું રજિસ્ટ્રેશન નેશનલ લેવલ પાર્ટી તરીકે ચાલુ રહે તેવા એક માત્ર ઉદ્દેશથી જુદા જુદા રાજ્યોમાં ઉમેદવારો ઉભા રાખતા હોય તેમ લાગે છે. પરિણામે તોડબાજ નિરીક્ષકોને મોકળું મેદાન મળી ગયું છે. બહુજન સમાજ પાર્ટીને આ વખતે સુરતમાં એક જબરજસ્ત રાજકીય તક મળી હતી. માત્ર ને માત્ર ભાજપ વિરુધ્ધ બહુજન સમાજ પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાત. વિરોધ પક્ષો કોંગ્રેસ કે આપ પાર્ટી કે  હાલ વિરુદ્ધમાં આવેલ ક્ષત્રિયો માટે પણ બહુજન સમાજ પાર્ટી એક માત્ર વિકલ્પ હતો. અને એ બધાનાં મત માત્ર ને માત્ર બહુજન સમાજ પાર્ટીને મળ્યા હોત. ગુજરાતમાં એક મોટો ઈતિહાસ સર્જાઈ જાત. આજે સમગ્ર દેશમાં સુરતમાં બહુજન સમાજ પાર્ટીની ભૂમિકાને લઈને ચર્ચા થઇ રહી છે ત્યારે માયાવતીજી અને તેમની બહુજન સમાજ પાર્ટી ચૂપ કેમ છે? કોઈ તપાસની પણ વાત કરતા નથી. એનું કારણ શું? નિરીક્ષક કલોરીયા એકલાથી આવી કામગીરી કરવાની હિંમત ન થઇ શકે. દેશભરમાં માત્ર એક જ રાજ્યમાં સંસદ સભ્ય બિનહરીફ ચૂંટાય તે ચર્ચાનો વિષય છે ત્યારે જવાબદાર બહુજન સમાજ પાર્ટી અને એના રાષ્ટ્રીય નેતાઓ કેમ બોલતા નથી? 

ડૉ. બાબાસાહેબ આંબેડકરે નેતાઓની અંધ ભક્તિનો વિરોધ કરેલ છે. ગુજરાતના દલિતો અન્ય રાજ્યો કરતા વધુ વિચારશીલ છે. ક્ષીર-નીર અલગ કરતા તેને આવડે છે. સુરતમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને બેસાડી દેવાનું કૃત્ય કોઈ સામાન્ય ખેલ નથી. છેક ઉપરથી ખેલ ખેલાયો છે. ચૂંટણી જ ન થાય તે માટે ષડયંત્ર એક હાથે થાય નહિ. સુરતના બહુજન સમાજ પાર્ટીના એક આગેવાનના જણાવ્યા અનુસાર બહુજન સમાજ પાર્ટીના એક સંસદ સભ્યના ઈશારે કલોરીયા આ રમત રમ્યા છે. અને તેમાં કેટલાય ખોખા કામ કરી ગયા છે. હાલના સંજોગોમાં ગુજરાતમાં વચેટીયા વગર સ્વતંત્ર કામ કરી શકીએ તેવી બહુજન સમાજ પાર્ટી ન બને ત્યાં સુધી ધીરજ ધરવી જોઈએ એવો મારો અભિપ્રાય છે. નહી તો ખૂબ જ પરિશ્રમ અને પૈસા ખર્ચી ગુજરાતના દલિત યુવાનો પાર્ટી ઉભી કરે અને ચૂંટણીનાં એક જ દિવસમાં સફાચટ કરી કોઈ ઉપડી જાય તેવો ખેલ કાયમ ચાલુ જ રહેશે. જયભીમ. 

વાલજીભાઈ પટેલ

આ પણ વાંચો:બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે   

   


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Shaileshkumar Hadiyal
    Shaileshkumar Hadiyal
    વાલજી દાદાના કામ પ્રત્યે આદર છે પરંતુ, લેખનો અંત નિરાશાજનક અને દુરોગામી દ્રષ્ટિ-વિહિન છે.
    2 months ago