ભાજપને મત ન આપતા દલિતોના ઘર સળગાવ્યા, બાબાસાહેબની પ્રતિમા તોડી
મતદાન ન કરવા બદલ ભાજપ સમર્થકોએ દલિતોના ઘરો સળગાવ્યા, પથ્થરમારો કર્યો, બાબાસાહેબની પ્રતિમા પણ તોડી નાખી.
સ્થિતિ એ આવીને ઉભી રહી છે કે, આ દેશનું બંધારણ અને કાયદા ઘડનાર, દેશના પ્રથમ કાયદામંત્રી ડો. આંબેડકરની પ્રતિમાને જાતિવાદી તત્વો તોડવા માંડ્યા છે. એક ગામમાં દલિતવાસ પર હુમલો થયો છે, જેમાં કથિત રીતે ભાજપના સમર્થકોએ મત નહીં આપવા બદલ દલિતોના ઘરોને આગ લગાવી દીધી હતી. હુમલખોરોએ દલિતવાસ પર પથ્થરમારો કર્યો અને ડો. આંબેડકરની પ્રતિમાને તોડી નાખી. ચોંકાવનારી વાત એ છે કે, આ દરમિયાન પોલીસની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી નહોતી કરી.
મધ્યપ્રદેશના વિજયપુરના ગોહટા ગામની ઘટના
ઘટના મધ્યપ્રદેશના વિજયપુર જિલ્લાના ગોહટા ગામની છે. અહીં ગામના કેટલાક લોકોએ દલિત સમાજના ઘરો પર હુમલો કર્યો હતો, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત નહોતો આપ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. હુમલો બુધવારે મોડી રાત્રે થયો હતો. એ વખતે ભાજપ સાથે કથિત રીતે સંકળાયેલા કેટલાક માથાભારે લોકો દલિતવાસમાં ઘૂસી ગયા હતા અને તેમના ઘરોને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ દલિતોના ઘરોમાં તોડફોડ કરી હતી અને અનેક ઝૂંપડીઓને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે.
મતદાન બાદ દલિતવાસને નિશાન બનાવાયો
ગોહટા ગામમાં બનેલી આ ઘટનામાં એક ડઝનથી વધુ માથાભારે તત્વો દલિતવાસમાં ઘૂસી ગયા હતા. તેમણે માત્ર ઘરો જ નહોતા સળગાવ્યા પરંતુ ભારે પથ્થરમારો પણ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ વીજળીના થાંભલા તોડી નાખ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી થાંભલાને ઉખાડી નાખી સમગ્ર દલિતવાસની વીજળી કાપી નાખી હતી. આ ઘટનાથી દલિતોને લાખોનું નુકસાન થયું છે અને તેમનામાં ભયનો માહોલ છે. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો ભાજપના સમર્થકો હતા અને ધમકી આપી હતી કે દલિત સમાજે ભાજપને મત ન આપ્યો હોવાથી આ સજા આપવામાં આવી છે.
ડો. આંબેડકરની પ્રતિમા તોડી નાખી, ગામમાં તણાવ વધ્યો
હુમલાખોરોએ ન માત્ર દલિતોના ઘરોને નિશાન બનાવ્યા હતા પરંતુ બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પણ તોડી નાખી હતી. ગામલોકાના કહેવા પ્રમાણે, આ પ્રતિમા દલિત સમાજ માટે આદર અને પ્રેરણાનું પ્રતિક હતી, પરંતુ આરોપીઓએ તેને પણ છોડી નહોતી. આ ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ અને નિરાશાનું વાતાવરણ છે, કારણ કે દલિત સમાજ બાબાસાહેબની પ્રતિમાને તોડવાને તેમની ઓળખ અને અધિકારો પર સીધો હુમલો માની રહ્યો છે. બાબાસાહેબની પ્રતિમા તોડ્યા બાદ ગ્રામજનોમાં રોષ વધી ગયો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.
પોલીસની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી, છતાં કોઈ કાર્યવાહી ન કરી
આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, હુમલાખોરોએ હુમલો કર્યો ત્યારે પોલીસના વાહનો ત્યાં હાજર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પોલીસના વાહનો સ્પષ્ટપણે જોઈ શકાય છે, તેમ છતાં અધિકારીઓ આ ઘટના અંગે ખૂલીને બોલવાથી દૂર ભાગી રહ્યાં છે. આ ઘટના બાદ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે ગામલોકો લાચારી અનુભવી રહ્યા છે.
વિજયપુરમાં પણ મતદાન દરમિયાન હોબાળો થયો હતો
આ પહેલા પણ વિજયપુરમાં મતદાન દરમિયાન તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પ્રિસાઇડિંગ ઓફિસર પર હુમલો કરીને મતદાનમાં ભારે અડચણો પેદા કરી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વહીવટીતંત્રે બંને ઉમેદવારોને નજરકેદ કરી દીધા હતા અને આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી દરમિયાન અહીં ભારે તણાવનો માહોલ હતો જે બાદમાં આ હિંસક ઘટનામાં પરિવર્તિત થઈ ગયો હતો.
ઘટના બાદ ગામલોકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં
આ હુમલા બાદ સ્થાનિક તંત્ર પર આકરા સવાલો ઉઠી રહ્યા છે કે તેણે આ મામલે યોગ્ય પગલાં કેમ ન લીધા. દલિતવાસના લોકોએ હવે સુરક્ષાની માંગ કરી છે. આ ઘટનાથી માત્ર વિજયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં, ખાસ કરીને દલિત સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસની નિષ્ક્રિયતા અને વહીવટીતંત્રનું મૌન બંને સવાલોના ઘેરામાં છે અને તેનાથી દલિતોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ ગઈ છે.
આ પણ વાંચો: બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ