સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે

ખેતરમાલિકે દલિતોના સ્મશાને જતો રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે દલિત દીકરીનો મૃતદેહ અંતિમવિધિની વાટ જોતો 18 કલાકથી રસ્તા વચ્ચે પડ્યો છે.

સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે
image credit - Google images

દલિત હોવું કેટલું પીડાકારક છે તે જેણે વેઠ્યું હોય તેને સમજાય. કથિત સવર્ણોને અમુક સુખસુવિધા અને સગવડો માત્ર તેમની જાતિના કારણે મળી જતી હોય છે એટલે તેમને તેની કિંમત ન સમજાય. પણ એ જ સામાન્ય સુવિધા મેળવવા માટે દલિતોએ આકરો સંઘર્ષ કરવો પડે છે. દલિત પરિવારમાં થયેલા મોતનો પણ મલાજો ન જળવાતો હોય તેવી આ ત્રણ દિવસમાં બીજી ઘટના છે.

ત્રણ દિવસ પહેલા આવી જ એક ઘટનામાં દલિત મહિલાનું શબ દોઢ દિવસ સુધી ઘરના આંગણામાં પડ્યું રહ્યું હતું. કેમ કે, કથિત સવર્ણોએ ગામના મેઘવાળ સમાજના સ્મશાન સુધી જતો રસ્તો બંધ કરી દીધો હતો. એ ઘટનાને હજુ બે દિવસ થયા નથી ત્યાં આ બીજી એવી ઘટના બની છે જેમાં દલિતોના સ્મશાન સુધી જતો રસ્તો સવર્ણો દ્વારા બંધ કરી દેવાયો હોય અને તેના કારણે દલિતો અંતિમવિધિ કરી શક્યા ન હોય.

મામલો રાજસ્થાનના ખૈરથલ જિલ્લાના ડાંગનહેડી ગામનો છે. અહીં છેલ્લાં 18 કલાક કરતા વધુ સમયથી દલિત સમાજના લોકો એક 24 વર્ષની યુવતીનો મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવા માટે થઈને રસ્તા પર બેઠાં છે. આરોપ છે કે, દલિતોના સ્મશાન સુધી જે રસ્તો જતો હતો તેને ખેતરમાલિકે તારની વાડ કરીને બંધ કરી દીધો છે. જેના કારણે દલિતો સ્મશાન સુધી જઈ શકે તેમ નથી. આ મામલે યુવતીના પરિવારજનો અને દલિત સમાજના લોકોએ મૃતદેહને રસ્તા વચ્ચે જ રાખી દીધો છે અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. સોમવારે શરૂ થયેલો આ વિરોધ આજે મંગળવારે પર જારી રહ્યો છે પણ હજુ સુધી વહીવટી તંત્ર આ મામલાનો નિકાલ લાવી શક્યું નથી.

રાજસ્થાનના ખૈરથલ જિલ્લાના ટપૂકડા વિસ્તારના ડાંગનહેડી ગામમાં દલિતોના સ્મશાન સુધી જવાના રસ્તાને લઈને વિવાદ થઈ ગયો છે. દલિત સમાજની 24 વર્ષની દીકરી પૂજાનું લાંબી બિમાર બાદ સોમવાર 1 જૂનના રોજ અવસાન થયું હતું. જેને લઈને સમાજના લોકો તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારી કરીને નીકળ્યા હતા. પણ જ્યારે તેઓ ગામથી બહાર આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના સ્મશાન સુધી જવાનો રસ્તો ખેતરમાલિકે તારની વાડ કરીને બંધ કરી દીધો છે.

આ પણ વાંચો: કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા

જેના કારણે ગુસ્સે ભરાયેલા દલિત સમાજના લોકોએ રસ્તા વચ્ચે જ મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને તંત્ર તથા રસ્તો બંધ કરનારા લોકો વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા.

18 કલાક કરતા વધુ સમયથી વિરોધ જારી છે

વિરોધ પ્રદર્શનના ત્રણ કલાક વીતી ગયા બાદ ટપૂકડાના એસડીએમને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. જ્યાં દલિત સમાજના લોકોએ રસ્તો ખોલાવવાની માંગ કરી હતી. સાથે જ રસ્તો નહીં ખૂલે ત્યાં સુધી મૃતદેહ સાથે ત્યાં જ બેસી રહેવા અડગ રહ્યા છે. આ રીતે છેલ્લાં 18 કલાક કરતા વધુ સમયથી દલિત યુવતીનો મૃતદેહ રસ્તાની વચ્ચોવચ પડ્યો છે અને છતાં તંત્ર કોઈ નિકાલ લાવી શક્યું નથી.

મૃતકનો ભાઈ આર્મીમાં છે છતાં તંત્રને શરમ નથી આવતી

ડાંગનહેડી ગામની રહેવાસી 24 વર્ષની પૂજા રાજપાલ મેઘવાળનું સોમવારે લાંબી બિમારી બાદ અવસાન થઈ ગયું હતું. તે છેલ્લાં 12 વર્ષથી હાથપગ જકડાઈ જવાની બિમારીથી પીડાતી હતી. બધી જ જરૂરી સારવાર કરાવી પણ તેનો કોઈ ઈલાજ થઈ શક્યો નહોતો. તેના પિતા રાજપાલ મેઘવાળ ભિવાડીમાં છેલ્લા 10 વર્ષથી ઓટોરિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પૂજાનો મોટો ભાઈ વિજયપાલ આર્મીમાં છે અને હાલ તેનું જોધપુરમાં પોસ્ટિંગ છે, છાશવારે દેશભક્તિની ડિંગો હાકતા ભાજપના નેતાઓને અહીં દેશભક્તિ નથી દેખાતી. કેમ કે, અહીં મામલો જાતિનો છે. પૂજાની ત્રણ નાની બહેનો છે અને ચારેયમાં તે સૌથી મોટી હતી.

વિવાદનું મૂળ શું છે?

મળતી માહિતી પ્રમાણે ગામના બિલ્લૂ નામના શખ્સના પિતાએ 50 વર્ષ પહેલા આ જમીન ખરીદી હતી. એ વખતે આ જમીનમાંથી દલિતોના સ્મશાન સુધી જતો કાચો રસ્તો હતો. પણ હવે બિલ્લૂએ આ જમીન ફરતે તારની વાડ કરી લીધી છે. જેના કારણે દલિતોના સ્મશાન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. 15 દિવસ પહેલા પણ એક દલિત વ્યક્તિનું મોત થયું હતું અને ત્યારે પણ વિવાદ થયો હતો. એ વખતે વહીવટી તંત્રે સ્થળ પર પહોંચીને રસ્તો ખોલાવ્યો હતો ત્યારે જતી અંતિમવિધિ થઈ શકી હતી. પણ પછી ફરીથી તારની વાડ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?

હવે પૂજાનું અવસાન થતા 15 દિવસમાં બીજીવાર આ જ સમસ્યા પેદા થઈ છે. મૃતક પૂજાના પરિવારજનો સહિત સેંકડો મહિલાઓ અને પુરુષો તેનો મૃતદેહ સાથે રસ્તા વચ્ચે બેઠાં છે અને તંત્ર કોઈ રસ્તો કાઢી શકતું નથી. 

સોમવારે બપોરે 2 વાગ્યાથી દલિતો રસ્તામાં બેઠાં છે

મૃતક પૂજાનો મૃતદેહ અંતિમવિધિ માટે ગઈકાલે સોમવારે બપોરે 2 વાગ્યા આસપાસ સ્મશાને લઈ જવા માટે રવાના કરાયો હતો. પણ રસ્તો બંધ હોવાથી પરિવારજનો અને દલિત સમાજના લોકો સ્મશાનથી 150 મીટર દૂર ધરણાં પર બેઠાં છે. એ દરમિયાન એક આખી રાત અને બીજા દિવસનો બપોર ચડી ગયો છે છતાં જિલ્લા વહીવટી તંત્ર કોઈ નિર્ણય કરી શક્યું નથી. જે જાતિવાદનું આ દેશમાં કેટલું જોર છે તે સ્પષ્ટ બતાવે છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ દલિત સમાજના વધુને વધુ લોકો આ ધરણાંમાં સામેલ થઈ રહ્યાં છે, પણ તંત્ર કોઈ એક્શન લઈ રહ્યું નથી.

આ પણ વાંચો: સ્મશાન સુધીનો રસ્તો નથી, દલિત મહિલાનું શબ દોઢ દિવસથી ઘરે પડ્યું છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.