જ્યાંથી જવું હોય ત્યાંથી જાવ, અહીંથી સ્મશાનયાત્રા નહીં નીકળે...
દલિત મહિલાની સ્મશાનયાત્રા ગામના જાતિવાદીઓએ મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દીધી. કહ્યું- તમારે જ્યાંથી જવું હોય ત્યાંથી જાવ, બાકી અહીંથી સ્મશાનયાત્રા નહીં નીકળે.
ઘટના પેરિયારની ભૂમિ એવા તમિલનાડુની છે. અહીં તિરુવન્નામલાઈથી લગભગ 45 કિમી દૂર મોથક્કલ ગામમાં એક દલિત મહિલાની અંતિમયાત્રા સામે જાતિવાદી હિન્દુઓએ વાંધો ઉઠાવ્યો હતો. દલિત સમાજે તેમના પરંપરાગત માર્ગની હાલત ખરાબ હોવાના કારણે ગામના મુખ્ય માર્ગ પરથી સ્મશાનયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. પણ ગામને પોતાની જાગીર સમજતા સવર્ણોને તે મંજૂર નહોતું અને તેવું જ થયું.
દલિત મહિલાની સ્મશાનયાત્રાને સવર્ણો નડ્યાં
મળતી માહિતી મુજબ એસ. કિલિયામ્બલ નામની એક 70 વર્ષની મહિલાનું ગત રવિવારે સાંજે દલિત કોલોનીમાં તેમની પુત્રીના ઘરે ઉંમર સહજ બિમારીઓને કારણે મૃત્યુ થયું હતું. પરંપરાગત રીતે, કથિત સવર્ણ હિન્દુઓ અને દલિતો પોતપોતાના માર્ગે અંતિમ યાત્રા કાઢતા આવ્યા છે. દલિતોનું સ્મશાન ગામની બહાર આવેલું છે અને તેમને સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે કાદવ-કીચડવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે.
એક દલિત મજૂર કહે છે, "દલિતો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો રસ્તો ઝાડીઝાંખરા અને ખાડા ટેકરાને કારણે વધુ ખરાબ થઈ ગયો હતો. વર્ષોથી તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ માર્ગ પર કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેના કારણે અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી અમે કથિત સવર્ણ હિન્દુઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તેથી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું."
પોલીસ ખડકાઈ પણ ધાર્યું તો સવર્ણોનું જ થયું
પોલીસે જણાવ્યું કે દલિતોએ સાંજે 4 વાગ્યાની આસપાસ ગામના મુખ્ય માર્ગ પરથી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું, પરંતુ જાતિવાદી હિન્દુઓએ તેનો વિરોધ કર્યો હતો. પંચાયતના અધિકારીઓ દ્વારા માહિતી મળતાં પોલીસ ટીમ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પહોંચી ગઈ હતી.
તિરુવન્નામલાઈ રેવન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) આર. મંદાકિનીની આગેવાની હેઠળની ટીમે ગામમાં જાતિવાદી હિન્દુઓ અને દલિતો વચ્ચે શાંતિ મંત્રણા હાથ ધરી હતી. જો કે સવર્ણ હિંદુઓ કોઈ કાળે ગામના મુખ્ય માર્ગ પરથી એક દલિત મહિલાની સ્મશાનયાત્રા કાઢવા દેવા રાજી થયા નહોતા. આમ જોવા જઈએ તો, તે જાહેર રસ્તો હતો અને તંત્ર ઈચ્છત તો તેમાં કાયદાનો ડર બતાવીને સવર્ણોને બંધારણની તાકાત બતાવી શકતું હતું. પણ જ્યાં આખો દેશ સવર્ણોની તરફેણમાં હોય ત્યાં બીજું શું થાય?
5 કલાકની સમજાવટ પછી પણ સવર્ણો ન માન્યા
લગભગ પાંચ કલાકની વાટાઘાટો બાદ પણ સવર્ણો માન્યા નહોતા. અંતે અધિકારીઓએ દલિતોને તેમના પરંપરાગત માર્ગનો ઉપયોગ કરવા સંમત કર્યા હતા. દલિતો દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગને તાત્કાલિક સમતળ કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે સોમવારે રાત્રે દલિત મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કલ્પના કરો, આ કઈ હદનો જાતિવાદ કહેવાય અને કેવા અધિકારીઓ કહેવાય, જેઓ કાયદો વ્યવસ્થા મુજબ દેશને ચલાવી પણ શકતા નથી અને ચોક્કસ કોમના લોકો સામે નમી પડે છે?
ગામમાં જ્ઞાતિ ભેદભાવ વર્ષો જૂની બદ્દી
મોથક્કલ એક સરહદી ગામ છે જે તિરુવન્નામલાઈને ધર્મપુરી જિલ્લા સાથે જોડે છે. તે તિરુવન્નામલાઈની થન્દ્રમપટ્ટુ પંચાયત હેઠળ આવે છે. ગામમાં મોટા ભાગના જાતિવાદી હિન્દુઓ જમીન પચાવીને બેઠાં છે, આ જમીનો પર દલિતો વર્ષોથી ખેતમજૂર તરીકે કામ કરે છે.
સીપીઆઈએમના કાર્યકર આર. અન્નામલાઈએ મીડિયાને જણાવ્યું કે "આ ગામમાં જ્ઞાતિ ભેદભાવ સામાન્ય છે. દલિતોને એ સલૂનમાં વાળ કપાવવાની મંજૂરી નહોતી જ્યાં જાતિવાદી હિન્દુઓ બાલ-દાઢી કરાવતા હતા. ત્યાં પીવાના પાણી માટે બે ગ્લાસ રાખવામાં આવતા હતા, એક સવર્ણ હિંદુનો, બીજો દલિતોનો."
દલિતો બસ સ્ટેન્ડે પણ તડકામાં ઉભા રહે છે
આ ઘટના પછી, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ હવે બે સમાજ વચ્ચેના જાતિ ભેદભાવને ખતમ કરવા માટે શાંતિ વાટાઘાટોનું આયોજન કરશે. સ્થાનિક દલિતોનું કહેવું છે કે, દલિતોને જાતિ હિન્દુઓ દ્વારા ચલાવવામાં આવતી નાની દુકાનો પાસે ઝાડની છાયામાં ઊભા રહેવાની અને સરકારી બસોની રાહ જોવાની પણ મંજૂરી નથી. તેમને તડકામાં ઊભા રહેવા અને બસની રાહ જોવાનું કહેવામાં આવે છે.
આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગામમાં જાતિ ભેદભાવના મુદ્દે તપાસ કરવામાં આવશે. જો કે આ કલેક્ટર સવર્ણ હિંદુઓએ દલિતોને સ્મશાન યાત્રા ન કાઢવા દીધી ત્યારે ક્યાં ગયા હતા તે સવાલ કોઈ પૂછતું નથી.
સવર્ણ હિંદુઓની દાદાગીરી યથાવત છે
દલિત અધિકાર કાર્યકર્તા અને લેખક શાલિન મારિયા લોરેન્સ જણાવે છે કે મોથક્કલ ગામમાં આદિ દ્રવિડિયન સમુદાયના 500 થી વધુ મતદારોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અહીનો દલિત સમુદાય ઘણા સમયથી પાયાની સુવિધાઓના અભાવ અને જાતિના ભેદભાવથી પીડાઈ રહ્યો છે. સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે પાકો રસ્તો નથી. દલિતોનો આરોપ છે કે તેમને અનેક સવર્ણ હિંદુઓ અને પંચાયત પ્રમુખ તરફથી પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.
તંત્રનું સવર્ણો સામે કશું ચાલ્યું નહીં એટલે દલિતોને મજબૂર કર્યા
એક દલિત વ્યક્તિએ કહ્યું, "વર્ષોથી અમને સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે અલગ માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગામના જાતિવાદી હિન્દુઓ અમને મુખ્ય રસ્તેથી પસાર થવા દેતા નથી, જેનાથી અમને સતત ડર લાગે છે. સરકારી તંત્ર વાતો તો બહુ મોટી કરે છે, પણ જ્યારે ખરેખર સ્ટેન્ડ લેવાનું આવે ત્યારે તે સવર્ણો તરફી જ નિર્ણયો લે છે. મહિલાની સ્મશાનયાત્રામાં સ્પષ્ટ રીતે અમારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. તંત્ર સવર્ણ હિંદુઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરીને કે પોલીસ બોલાવીને પણ અમને મુખ્ય રસ્તેથી નીકળવાની મંજૂરી અપાવી શકત. પણ તેમણે સવર્ણોની તરફેણ કરી. સવર્ણો સામે તેમનું કશું ચાલ્યું નહીં, છેલ્લે અમને જ ઝૂકવા મજબૂર કર્યા અને અમારે એજ જૂના ઉબડખાબડ રસ્તેથી જવું પડ્યું. આ જાતિવાદ છે અને તંત્ર પણ સવર્ણોની તરફેણમાં છે, કેમ કે, એમાં પણ તેમના જ લોકો છે."
દલિતોએ લોકસભાની ચૂંટણી પહેલા વાસના પ્રવેશદ્વાર અને 200 જેટલા ઘરો પર કાળા ઝંડા ફરકાવ્યા હતા. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓ અને ફરિયાદોની વિગતો પણ આપી હતી, પણ જાતિવાદ અને તેમની સમસ્યાઓ બંને યથાવત છે.
આ પણ વાંચોઃ મર્યા પછી પણ જાતિ નડ્યોઃ જાતિવાદીઓએ દલિત મહિલાની અંતિમવિધિ ન થવા દીધી