BSP ની કમાન માયાવતીના હાથમાં રહેશે કે નહીં, 27મીએ ફેંસલો

છેલ્લાં 21 વર્ષથી માયાવતીજી BSP ના અધ્યક્ષ છે, પણ હવે તેમના હાથમાં પક્ષની કમાન રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.

BSP ની કમાન માયાવતીના હાથમાં રહેશે કે નહીં, 27મીએ ફેંસલો
image credit - Google images

બહુજન સમાજ પાર્ટી(BSP) તેના રાજકીય ઈતિહાસના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેનો જનાધાર સતત ઘટતો જઈ રહ્યો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શૂન્ય સીટ પર આવી ગયા બાદ બહેન કુમારી માયાવતીજી સતત સભાઓ કરી રહ્યાં છે. લાંબા સમય બાદ એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણના નિર્ણયને લઈને બસપા રસ્તા પર ઉતરી આવી છે. આ દરમિયાન માયાવતીએ બસપા અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ૨૭ ઓગસ્ટે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. જેમાં પક્ષની કમાન તેમના હાથમાં રહેશે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે.

માયાવતીજી છેલ્લા ૨૧ વર્ષથી બસપાના નેતા છે. બીએસપીના સ્થાપક માન્યવર કાંશીરામે ૧૮ ડિસેમ્બર ૨૦૦૩ના રોજ તેમની ખરાબ તબિયતને ટાંકીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી માયાવતીને સોંપી હતી. ત્યારથી માયાવતી પાર્ટીની કમાન સંભાળી રહ્યાં છે અને દર પાંચ વર્ષે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં તેમના નામને મંજૂરી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે ૨૭ ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં માયાવતીને બસપા અધ્યક્ષની જવાબદારી મળે છે કે પછી નવા ચહેરાના માથે તાજ પહેરાવવામાં આવે છે.

બસપાના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ઓગસ્ટ મહિનામાં થવાની છે. જેના કારણે ૨૭ ઓગસ્ટે બસપાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. લખનૌમાં યોજાનારી બેઠકમાં રાષ્ટ્રીય અને રાજ્યના અધિકારીઓની સાથે વિભાગીય પ્રભારી અને જિલ્લા પ્રમુખ પણ સામેલ થશે. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બસપાના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા થશે, જેમાં સંગઠનના સભ્યો પાર્ટીના અધ્યક્ષ માટેના નામને મંજૂરી આપશે. બસપામાં અત્યાર સુધી સર્વસંમતિથી પ્રમુખની પસંદગી થતી હતી. માયાવતીથી લઈને માન્યવર કાંશીરામ સુધી સર્વસંમતિથી પ્રમુખ ચૂંટાયા છે અને આ પ્રક્રિયા દર પાંચ વર્ષે થાય છે. આવી સ્થિતિમાં આ વખતે બધાની નજર બસપા અધ્યક્ષ પર છે.

આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...

સૂત્રોનામતે બહેનજી ફરી એકવાર પક્ષની કમાન સંભાળી શકે છે. તેમણે તેમના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા પછી રાજકારણમાંથી તેમની નિવૃત્તિના સમાચારો આવવા લાગ્યા હતા. આ વાતોનું ખંડન કરતાં માયાવતીએ કહ્યું હતું કે તેઓ ન તો નિવૃત્તિ લઈ રહ્યાં છે, ન તો રાજકારણથી અંતર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે મારું આખું જીવન બસપા અને બહુજન સમાજના કામમાં સમર્પિત રહેશે.

બહેનજીના આ શબ્દોથી લાગી રહ્યું છે કે ફરી એકવાર તેઓ સર્વસંમતિથી પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. એ રીતે પાર્ટીની કમાન માયાવતીના હાથમાં જ રહેશે. સૂત્રોનું માનીએ તો બસપા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા છે અને ૨૭મી ઓગસ્ટની બેઠકમાં માયાવતીના નામને મંજૂરી મળવાની છે. પક્ષના તમામ મોટા નેતાઓનું પણ સ્પષ્ટ રીતે માનવું છે કે, જે મજબૂતાઈથી બહેનજી પાર્ટીની કમાન સંભાળે છે ત્યાં સુધી અન્ય કોઈ નેતાનો વિચાર પણ કરી શકાય તેમ નથી. એ રીતે પક્ષના તમામ રાષ્ટ્રીય સભ્યો માયાવતીજીના નામને મંજૂરી આપશે અને તે પછી તેમને છઠ્ઠી વખત અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવી શકે છે.

પરંતુ જો માયાવતીજી પોતે પાર્ટી અધ્યક્ષ બનવા ઈચ્છતા ન હોય તો અન્ય કોઈ નેતાના નામ પર વિચાર કરી શકાય છે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે આ વખતે બસપા કેટલાક નવા ચહેરાઓને કમાન આપી શકે છે. આ યાદીમાં પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદનું નામ સૌથી આગળ છે. જો કે, આકાશ આનંદની નજીકના લોકોના કહેવા પ્રમાણે, તેઓ હજુ પાર્ટીની કમાન સંભાળવા તૈયાર નથી. તેથી બહેનજી છઠ્ઠી વખત પક્ષની કમાન સંભાળશે તે નિશ્ચિત છે.

27મી ઓગસ્ટની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની સાથોસાથ પાર્ટી પોતાનો રાષ્ટ્રીય એજન્ડા પણ નક્કી કરશે. પક્ષના સતત ખસકતી જતી રાજકીય ભૂમિએ પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. જો કે, આવી કપરી પરિસ્થિતિમાં પણ સુપ્રીમ કોર્ટના એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના, ક્રિમીલેયર દાખલ કરવાના અને લેટરલ એન્ટ્રી જેવા મુદ્દે પક્ષે ખૂલીને એસસી, એસટી સમાજની તરફેણ કરી છે. જેના કારણે પક્ષના મૂળ મતદારોમાં ફરી એકવાર નવી ચેતના પેદા થઈ છે. અત્યારે બસપા દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો યોજીને બહુજન સમાજને જાગૃત કરવા મથી રહી છે ત્યારે આ બેઠકમાં રાષ્ટ્રીય મુદ્દાઓ અને આગળની રણનીતિ પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચો: મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.