સુપ્રીમ કોર્ટે IIT ધનબાદને અતુલ કુમારને પ્રવેશ આપવા આદેશ કર્યો
સુપ્રીમ કોર્ટે સમયસર ફી નહીં ભરી શકનાર મુઝફ્ફરનગરના અતુલ કુમારને આઈઆઈટી ધનબાદમાં એડમિશન આપવા આદેશ કર્યો છે.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના દલિત સમાજનો હોંશિયાર વિદ્યાર્થી અતુલ કુમાર આઈઆઈટી ધનબાદમાં સમયસર ફી નહીં ભરી શકવાના કારણે એડમિશન મેળવી શક્યો નહોતો. જેને લઈને તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા અતુલને મોટી રાહત આપી છે અને તેના પ્રવેશ માટે આદેશ આપ્યો છે.
યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી અતુલ હવે આઈઆઈટી ધનબાદમાં અભ્યાસ કરશે. સુપ્રીમ કોર્ટે દલિત પરિવારના પુત્રને પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે. અતુલ તેની 17,500 રૂપિયાની ફી સમયસર જમા કરાવી શક્યો ન હતો. જેના કારણે તેને IIT ધનબાદમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફી જમા કરાવવાની સમયમર્યાદા પૂરી થયા બાદ વિદ્યાર્થીને અવઢવમાં મૂકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને IIT ધનબાદમાં પ્રવેશ આપવો પડશે. છાત્રાલય વગેરે સુવિધાઓ પણ વિદ્યાર્થીને આપવાની રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે IIT માં એડમિશન લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ પર કોઈ અસર થવી જોઈએ નહીં. અતુલને વધારાની સીટ પર એન્ટ્રી આપવામાં આવશે.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેઓ પહેલાથી જ ગરીબ છે તેમના પ્રવેશને રોકવામાં ન આવે. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અતુલને મદદનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય કોર્ટે IIT મદ્રાસ તેમજ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટીને પણ નોટિસ પાઠવી હતી.
વિદ્યાર્થીએ ફી જમા ન કરાવવા પાછળ પરિવારની ગરીબીનું કારણ જણાવ્યું હતું. અતુલના વકીલે દલીલ કરી હતી કે પરિવાર માટે ઓછા સમયમાં 17,500 રૂપિયા ભેગાં કરવા આસાન નથી. અતુલ મૂળ મુઝફ્ફરનગરના ટોટોરા ગામનો રહેવાસી છે. 18 વર્ષના હોનહાર વિદ્યાર્થી અતુલના પિતા મજૂરી કામ કરે છે. કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા અતુલે કહ્યું, કે જે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી તે પાટા પર પાછી આવી ગઈ છે. વધુ મહેનત કરીને હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવાનું મારું સપનું પૂરું કરીશ.
આ પણ વાંચો: મજૂરના દીકરાએ એક ઝાટકે JEE પાસ કરી નાખી, પણ હાય રે ગરીબી...