ફેસબૂક લાઈવમાં આત્મહત્યા કરનાર દલિત યુવકના કેસમાં SIT તપાસ શરૂ
થોડા દિવસ પહેલા એક દલિત યુવકે ફેસબૂક લાઈવ કરીને પોલીસ સ્ટેશન સામે આત્મહત્યા કરી હતી. આ મામલે હાઈકોર્ટે સીટની રચના કરી છે. જેણે આજથી તપાસ શરૂ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશના બલરામપર ગૈડાસ બુઝુર્ગમાં દલિત યુવકે ફેસબૂક લાઈવ કરીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકની જમીન પર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ મોકાની જમીન હોવાથી કબ્જો જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ સાંભળનાર ન હોવાથી આખરે તેણે અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે એક વર્ષથી તેની પત્ની કુસુમા આખી સિસ્ટમ સામે લડત આપીને ન્યાય મેળવવા પ્રયત્ન કરી રહી છે. કુસુમા દેવીએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આજથી તે પોતાની તપાસ શરૂ કરી દેશે. સીટની તપાસને લઈને જિલ્લાની પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.
એક વર્ષ પહેલાની ઘટના
આખી ઘટના એક વર્ષ પહેલાની છે. 23 ઓક્ટોબર 2023ના રોજ ગૈડાસ બુઝુર્ગ પોલીસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેની હદની બહાર આવેલી ખાનગી કોમર્શિયલ જમીન પર થાંભલા ખોડીને દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન દલિત યુવક રામ બુઝારતની હતી. તેણે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી પણ તેનું કોઈએ સાંભળ્યું નહોતું. જેનાથી વ્યથિત થઈને રામ બુઝારતે 24 ઓક્ટોબર 2023ના રોજ ફેસબૂક પર લાઈવ આત્મહત્યા કરી લીધી હતી.
તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 30 ઓક્ટોબરે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. એ દરિયાન વહીવટી તંત્ર અને પોલીસની તપાસમાં પોલીસ સ્ટેશનના તત્કાલિન વડાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. એટલું જ નહીં કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જમીન અંગેનો સિવિલ દાવો પેન્ડિંગ હતો અને કોર્ટમાંથી કમિશન પણ લેવામાં આવ્યું છે. તેમ છતાં પોલીસે રામ બુઝારતની જમીન પર કબજો કરી લીધો હતો.
પોલીસને બચાવવા અનેક રમતો રમાઈ
રામ બુઝારતની આત્મહત્યાના આ કેસમાં જવાબદાર પોલીસકર્મીઓને બચાવવા માટે અનેક પેંતરાઓ રચવામાં આવ્યા હતા. તપાસમાં આખો મામલો સ્પષ્ટ થઈ ગયા પછી પણ સમગ્ર તપાસ બહરાઈચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
મૃતક યુવકની પત્ની કુસુમા દેવીને ફસાવવા માટે ચૂંટણીના એક દિવસ પહેલા કલેક્ટરને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના પર તેમણે તપાસ હાથ ધરીને એસપીને પત્ર લખીને કડક જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે
હવે એસઆઈટીની તપાસના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રામ બુઝારિયાની કોમર્શિયલ જમીન પર પોલીસે ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવી લીધો હતો, એટલે જ તે અગ્નિસ્નાન કરવા માટે મજબૂર થયો હતો.
રામ બુઝારતે ફરિયાદ કરી હતી પણ નીવેડો નહોતો આવતો
પીડિત યુવકે આ મામલે ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. આથી કંટાળીને તેણે પોલીસ સ્ટેશનની સામે જ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. જેના કારણે તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું. આ મામલે યુવકની પત્નીએ કોર્ટમાં ધા નાખી છે.
કોર્ટે આ કેસમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે અને રેલવેના એડીજીના નેતૃત્વમાં બે સભ્યોની એસઆઈટી નીમી તપાસ કરી રહી છે. તેમની સાથે ત્રણ સભ્યોની નવી કમિટી પણ સમગ્ર મામલાની તપાસ કરશે. હાઈકોર્ટે આ મામલે સમિતિ પાસેથી ઓગસ્ટમાં બંધ કવરમાં રિપોર્ટ માંગ્યો છે. એવું માનવામાં આવે છે કે જૂન અને જુલાઈમાં તપાસ પૂર્ણ થઈ જશે.
અધિક મુખ્ય સચિવ ગૃહ વતી હવે પોલીસ મહાનિરીક્ષક, વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટ મંઝિલ સૈનીની અધ્યક્ષતામાં ગોંડાના પોલીસ અધિક્ષક રાધેશ્યામ રાય અને બહરાઈચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ રંજન શ્રીવાસ્તવની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા ખાનગી કોમર્શિયલ જમીન પર કબ્જો કરવાના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવાની રહેશે.
વહીવટીતંત્ર અને પોલીસની અગાઉની તપાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે જમીન પર કબ્જો કર્યો હતો. તેથી જ દલિત યુવક રામ બુઝારતે આત્મહત્યા કરી હતી. એ પછી પણ યોગ્ય કાર્યવાહીના અભાવે મૃતકની પત્ની કુસુમા ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે. તેની અરજી પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું